ટ્રમ્પની ધમકી પર ગ્રીનલેન્ડના PM ગુસ્સે થયા, કહ્યુ-કબ્જાની કલ્પના પણ ન કરતા
. ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવાની ટ્રમ્પની ધમકી
. ગ્રીનલેન્ડના પીએમ નીલ્સને ટ્રમ્પ સામે દર્શાવી નારાજગી
. ફ્રાંસે ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વને આપ્યું સમર્થન
નુઉક: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવાની ધમકી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આની ઘણી નિંદા થઈ રહી છે. સ્વાયત્ત ડેનિશ ક્ષેત્ર ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નીલ્સને સોમવારે આના પર આકરી પ્રતિક્રિયા આપી છે.
તેમણે ચેતવણી આપી છે કે હવે બહુ થયું. ટ્રમ્પે આર્કટિકમાં રણનીતિક મહત્વ ધરાવવાને કારણે ગ્રીનલેન્ડને કબ્જે કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેને વેનેઝુએલામાં અમેરિકાના સૈન્ય હસ્તક્ષેપ બાદ વધુ ગંભીરતાથી લેવાઈ રહ્યું છે.
એરફોર્સ વન વિમાનથી વોશિંગ્ટન જઈ રહેલા ટ્રમ્પે પત્રકારોને કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અમને ગ્રીનલેન્ડની જરૂરત છે અને ડેનમાર્ક તેને સંભાળી નહીં શકે. આગામી બે માસમાં અમે ગ્રીનલેન્ડ પર વિચારીશું. 20 દિવસોમાં આના પર વાત કરવામાં આવશે.
ગ્રીનલેન્ડના વડાપ્રધાન નીલ્સને ફેસબુક પર આકરો સંદેશ આપતા કહ્યુ છે કે હવે બહુ થયું. કોઈ વધુ બદલાવ નહીં. કોઈ અન્ય ઈશારો નહીં. કોઈ કબ્જાની કલ્પનાઓ નહીં. તેમણે ભારપૂર્વક કહ્યુ કે તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ આ યોગ્ય ચેનલોથી અને આંતરરાષ્ટ્રીય કાયદાના સમ્માન સાથે થવું જોઈએ.
ટ્રમ્પની ધમકી બાદ તીખી પ્રતિક્રિયા
વડાપ્રધાન નીલ્સનની પ્રતિક્રિયા ટ્રમ્પના તાજેતરના નિવેદનો અને વેનેઝુએલા પર કાર્યવાહી બાદ આવ્યું છે, જેમાં ગ્રીનલેન્ડમાં ચિંતાઓ વધી છે.
ફ્રાંસે ડેનમાર્કની સાથે એકજૂટતા દર્શાવતા કહ્યું છે કે સીમાઓ બળપૂર્વક બદલી શકાય નહીં. ફ્રાંસના વિદેશ મંત્રાલયના પ્રવક્તા પાસ્કલ કોન્ફાવ્રેક્સે ટીવી ચેનલ ટીએફ-1 પર કહ્યુ છે કે ફ્રાંસ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વનું પૂર્ણ સમર્થન કરે છે.
ડેનિશ વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને પણ ટ્રમ્પને ધમકીઓ રોકવાની અપીલ કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે ગ્રીનલેન્ડની સ્વાયત્તતાનું સમ્માન કરવા પર ભાર મૂક્યો છે.


