DyCM Harshbhai Sanghavi in Glasgow: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાલ સ્કોટલેન્ડના પ્રવાસે છે, જ્યાં તેમણે ગ્લાસગો ખાતે CWG બેટન ઇવેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને આગામી કોમનવેલ્થ ગેમ્સ અંગે વિશેષ નિવેદનો આપ્યા હતા.
અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન
ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 'અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કોટલેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર તેમજ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રેસિડેન્ટ પીટી ઉષા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ 2030 અંગે મોટું નિવેદન
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અને આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટૂર્નામેન્ટ યોજવા માટે ગુજરાત પૂરી રીતે તૈયાર તથા સજ્જ છે. કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે દુનિયાના અન્ય દેશોને સ્પોર્ટ્સના માધ્યમથી જોડનારી એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ દેશ સ્પોર્ટ્સ ડિપ્લોમેસીમાં આગળ વધી રહ્યો છે. આ ઐતિહાસિક ઇવેન્ટ દરમિયાન દુનિયાના અનેક ખેલાડીઓ ભારતના મહેમાન બનશે, જેનાથી માત્ર આપણા દેશને જ નહીં પરંતુ સમગ્ર કોમનવેલ્થ પરિવારને ગર્વ થશે.
ગ્લાસગોમાં ગરબાની રમઝટ
પ્રવાસ દરમિયાન સાંસ્કૃતિક માહોલ પણ જોવા મળ્યો હતો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુકેમાં રહેતા ગુજરાતીઓ સાથે દાંડીયાની રમઝટ બોલાવીને ઉત્સાહભેર ગરબાની મજા માણી હતી. આ વિશેષ ગરબાના માહોલમાં ગ્લાસગોના વિદેશી નાગરિકો પણ તેમની સાથે ઉત્સાહથી જોડાયા હતા.
આ પણ વાંચો: Ahmedabad Earthquake : અમદાવાદ પંથકમાં વહેલી સવારે ધ્રૂજી ધરતી, 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો