Europe News : યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, ફ્રાન્સમાં 7ના મોત, યુકેમાં તાપમાને તોડ્યા 100 વર્ષના રેકોર્ડ !
Europe News : ભારતની સાથે હવે યુરોપિયન દેશો પણ આકરા તાપનો સામનો કરી રહ્યા છે. ફ્રાન્સ અને યુકેમાં ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. યુરોપમાં સર્જાયેલા 'હીટ ડોમ' (Heat Dome) - જે એક ઉચ્ચ-દબાણ પ્રણાલી છે - તેના કારણે ગરમ હવા જમીનની નજીક ફસાઈ જતાં તાપમાન સતત વધી રહ્યું છે.
Europe News : ફ્રાન્સમાં મોતનો આંકડો વધ્યો !
ફ્રાન્સના જુનિયર ઉર્જા મંત્રી મૌડે બ્રેગોએ પુષ્ટિ કરી છે કે દેશમાં ગરમીને કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. જેમાં મુખ્યત્વે નદી-તળાવોમાં ડૂબવાના બનાવો અને હીટસ્ટ્રોક (Heatstroke) ના કિસ્સા સામેલ છે. પેરિસમાં એક દોડવીરનું હૃદયરોગના હુમલાથી જ્યારે લિયોનમાં એક મહિલાનું હીટસ્ટ્રોકથી મૃત્યુ થયું છે. પેરિસ અને બ્રિટ્ટેની સહિતના અનેક વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) જારી કરવામાં આવ્યું છે.
લંડનમાં ગરમીનો નવો રેકોર્ડ
બ્રિટનમાં ગરમીએ છેલ્લા 100 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લંડનના ક્યૂ ગાર્ડન્સમાં તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે મે મહિનાના અગાઉના રેકોર્ડ કરતા 2 ડિગ્રી વધારે છે. અહીંની 'ઉષ્ણકટિબંધીય રાત્રિ' (Tropical Night) પણ ચિંતાનો વિષય બની છે, જ્યાં રાત્રિના સમયે પણ તાપમાન 20 ડિગ્રીથી નીચે નથી જઈ રહ્યું.
આબોહવા પરિવર્તનનું ગંભીર પરિણામ
હવામાનશાસ્ત્રીઓના મતે, માનવસર્જિત આબોહવા પરિવર્તન (Climate Change) આ ગરમીના મોજાને વધુ ઘાતક બનાવી રહ્યું છે. આ પરિસ્થિતિ આગામી દિવસો કે અઠવાડિયા સુધી યથાવત રહેવાની આશંકા છે. રમતગમતની અનેક ઈવેન્ટ્સ પણ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Donald Trump Medical Report: અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પર મંડરાતા સવાલો, જાણો શું છે વિવાદ


