અમેરિકામાં White House નજીક ફાયરિંગ! ટ્રમ્પે આતંકી હુમલો ગણાવ્યો
- White House નજીક ફાયરિંગથી મોટો હડકંપ
- ફાયરિંગની ઘટનાને ટ્રમ્પે આતંકી હુમલો ગણાવ્યો
- સંદિગ્ધ હુમલાખોર અફઘાનિસ્તાનનો નીકળ્યો
- 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો
- ફાયરિંગમાં 2 નેશનલ ગાર્ડ ગંભીર રીતે ઘાયલ
Shooting near the American White House : વોશિંગ્ટન, ડી.સી.માં વ્હાઇટ હાઉસની નજીક થયેલા ગોળીબારની ઘટનાએ અમેરિકાની રાજધાનીમાં મોટો હડકંપ મચાવ્યો છે. બપોરના સમયે બનેલી આ ઘટનામાં બે નેશનલ ગાર્ડસમેન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'આતંકવાદી હુમલો' ગણાવીને કડક નિંદા કરી છે, જેના પગલે દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
શું થયું હતું White House નજીક?
આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે આશરે 2:15 વાગ્યે ડાઉનટાઉન વોશિંગ્ટન, ડી.સી. વિસ્તારમાં બની હતી. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ડી.સી. નેશનલ ગાર્ડના સભ્યો તે સમયે 'હાઇ-વિઝિબિલિટી પેટ્રોલિંગ' પર હતા. અહેવાલો મુજબ, એક શંકાસ્પદ વ્યક્તિ ગાર્ડ્સની નજીક પહોંચ્યો અને અચાનક બંદૂક ઉઠાવીને તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ હુમલો ખૂબ જ ઝડપથી થયો હતો. જોકે, ગાર્ડ્સની ત્વરિત કાર્યવાહી અને બહાદુરીના કારણે ટૂંકા સંઘર્ષ પછી હુમલાખોરને કાબુમાં લેવામાં અને પકડી પાડવામાં તેઓ સફળ રહ્યા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા બંને નેશનલ ગાર્ડસમેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
White House નજીક ફાયરિંગ કરનાર શંકાસ્પદ હુમલાખોર કોણ?
આ કેસમાં ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. NBCના અહેવાલ મુજબ, આ શખ્સ 29 વર્ષીય અફઘાન નાગરિક રહેમાનઉલ્લાહ છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. આ હુમલાખોર અફઘાનિસ્તાનનો હોવાની વાતથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. તેમણે આ ઘટનાને સીધો આતંકવાદી હુમલો ગણાવીને કહ્યું છે કે હુમલાખોરોએ આની ભારે કિંમત ચૂકવવી પડશે. આ નિવેદનથી સમગ્ર મામલો રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી વધુ ગંભીર બની ગયો છે.
અફઘાન નાગરિકોની ઇમિગ્રેશન પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત
વોશિંગ્ટન ડી.સી.માં થયેલા ગોળીબારની ગંભીર ઘટના બાદ યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા એક મોટો અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. USCIS એ સ્પષ્ટ કર્યું છે કે, દેશની સુરક્ષા અને અમેરિકન લોકોની સલામતી જ તેમનું એકમાત્ર લક્ષ્ય અને મિશન છે. આ જ કારણોસર, અફઘાન નાગરિકોને લગતી તમામ ઇમિગ્રેશન વિનંતીઓની પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યાં સુધી સુરક્ષા અને ચકાસણી (Security and Vetting) પ્રોટોકોલ્સની સંપૂર્ણ સમીક્ષા અને સુધારા ન થાય ત્યાં સુધી આ સ્થગિતતા ચાલુ રહેશે.
તુરંત તપાસ અને સુરક્ષામાં વધારો
ઘટના બન્યા પછી તુરંત જ વોશિંગ્ટન ડી.સી.ના ડાઉનટાઉન વિસ્તારને સીલ કરીને ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, FBI અને સ્થાનિક પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે. FBI ડિરેક્ટર કાશ પટેલે આ કૃત્યને "ઘૃણાસ્પદ કૃત્ય" ગણાવ્યું છે અને ખાતરી આપી છે કે ફેડરલ સત્તાધીશો આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે.
તપાસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ, ગુપ્ત સેવા, ATF અને DEA જેવી અનેક એજન્સીઓ જોડાઈ છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાના પગલે વોશિંગ્ટન, ડી.સી.માં 500 વધારાના નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું રાજધાનીની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હોંગકોંગના તાઇ પોના મોટા સંકુલમાં ભીષણ આગ, 13 ના મોત, સેંકડોનું રેસ્ક્યુ