Flydubai Attack: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટનાને લઈને નવી માહિતી સામે આવી છે. વિમાનના કોકપિટમાં ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છાર (Smit Machchhar) પર હુમલો કરનાર કો-પાઇલટની ઓળખ હમામ અલ-હમામી (Hamam Al-Hammami) તરીકે થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઘટનાના કારણે હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા વિમાનમાં અચાનક તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
હવામાં ઉડતી ફ્લાઇટમાં અચાનક સર્જાયો હોબાળો
ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ તરફ આગળ વધી રહી હતી. વિમાનમાં 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ઉડાન દરમિયાન કોકપિટની અંદર કૅપ્ટન અને કો-પાઇલટ વચ્ચે ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર કો-પાઇલટે કૅપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો હતો. આ ઘટનાની અસર વિમાનની ઉડાન પર પણ પડી હતી. ફ્લાઇટની ઊંચાઈમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે મુસાફરો અને ક્રૂ માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી.
ઈજાગ્રસ્ત કૅપ્ટને લીધો મહત્વનો નિર્ણય
હુમલામાં ઈજા થયા બાદ પણ કૅપ્ટન સ્મિત મચ્છરે કોકપિટમાંથી બહારની મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કોકપિટનો દરવાજો ખોલ્યો, જેના બાદ અન્ય ક્રૂ સભ્યો અને મુસાફરો મદદ માટે આગળ આવ્યા. આ દરમિયાન કોકપિટની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં અન્ય પાઇલટ્સે વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને ફ્લાઇટને સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો.
તબુક એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. ત્યાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટના બાદ કૅપ્ટન સ્મિત મચ્છરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ હવે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
કોણ છે હમામ અલ-હમામી?
આ ઘટનામાં ચર્ચામાં આવેલા હમામ અલ-હમામી ઓમાનનો હોવાનું જણાવાયું છે. મીડિયા અહેવાલોમાં તેના અગાઉના વ્યાવસાયિક રેકોર્ડ અને પ્રવૃત્તિઓ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અગાઉની નોકરી દરમિયાન તેની કેટલીક ઓનલાઈન પ્રવૃત્તિઓને લઈને પણ ધ્યાન દોરાયું હતું. જોકે, આ દાવાઓની સત્તાવાર તપાસ અને તેની ફ્લાયદુબઈમાં ભરતી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ થવાની બાકી છે.
હુમલા પાછળનું કારણ શું હતું?
ફ્લાઇટમાં બનેલી આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે. કો-પાઇલટે કયા કારણોસર કૅપ્ટન પર હુમલો કર્યો અને ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે તપાસ એજન્સીઓ માહિતી એકત્ર કરી રહી છે. આ કેસમાં સામે આવી રહેલી કેટલીક વિગતો મીડિયા અહેવાલો અને સૂત્રોના આધારે છે. તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને અંતિમ સત્તાવાર નિષ્કર્ષ તરીકે જોવું યોગ્ય નથી.
વડાપ્રધાને કૅપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત
ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વાતચીત કરી હતી. સંકટની સ્થિતિમાં તેમણે લીધેલા નિર્ણય અંગે પણ ચર્ચા થઈ હતી. આ સમગ્ર બનાવે ફરી એક વખત એરલાઇન કોકપિટની સુરક્ષા, પાઇલટ્સની તપાસ પ્રક્રિયા અને ફ્લાઇટ દરમિયાન ઇમરજન્સી પ્રોટોકોલ અંગે ચર્ચા જગાવી છે. હવે તપાસમાં હુમલાનું કારણ અને કો-પાઇલટની પૃષ્ઠભૂમિ સંબંધિત વધુ વિગતો સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Sourav Joshi Haldwani Incident : સૌરવ જોશી સાથે ગેરવર્તણૂક બાદ મચ્યો હોબાળો, CCTVથી ખુલશે રહસ્ય!