અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Joe Biden ને થઇ ગંભીર બીમારી
- US ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેનની તબિયત લથડી: કેન્સરનો ખુલાસો
- હાડકાં સુધી ફેલાઇ આ બિમારી
- લૌરા લૂમરનો દાવો: બાઇડેન પાસે માત્ર 2 મહિના?
Former US President Joe Biden ill : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાડેનના સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 82 વર્ષીય બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થયું હોવાનું સામે આવ્યું છે, જે તેમના હાડકાં સુધી ફેલાઈ ગયું છે. આ વાતની પુષ્ટિ તેમના કાર્યાલયે રવિવારે એક નિવેદનમાં કરી હતી. ગત શુક્રવારે તબીબી તપાસ દરમિયાન પ્રોસ્ટેટ નોડ્યુલ મળી આવ્યા બાદ જાણવા મળ્યું કે કેન્સરના કોષો શરીરના હાડકાંમાં પ્રસરી ગયા છે. બાઇડેન અને તેમનો પરિવાર હાલ ડોકટરો સાથે સારવારના વિકલ્પો પર ચર્ચા કરી રહ્યો છે.
કેન્સરની ગંભીરતા અને તબીબી મૂલ્યાંકન
પ્રોસ્ટેટ કેન્સરની તીવ્રતા ગ્લીસન સ્કોર દ્વારા માપવામાં આવે છે, જે 1 થી 10ના સ્કેલ પર આધારિત છે. આ સ્કોર કેન્સરગ્રસ્ત કોષોની સામાન્ય કોષો સાથેની સરખામણી દર્શાવે છે. બાઇડેનનો ગ્લીસન સ્કોર 9 છે, જે કેન્સરના સૌથી આક્રમક અને ગંભીર સ્વરૂપને સૂચવે છે. જોકે, કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ કેન્સર હોર્મોન-સંવેદનશીલ હોવાથી તેને મેનેજ કરવું શક્ય છે. આ નિદાન પહેલાં બાઇડેનને પેશાબની તકલીફને કારણે તબીબી તપાસ કરાવી હતી, જેમાં આ ગંભીર બીમારીનો ખુલાસો થયો.
બાઇડેનના સ્વાસ્થ્યનો ઇતિહાસ
જો બાઇડેનના સ્વાસ્થ્ય અંગે અગાઉ પણ ચર્ચાઓ થઈ છે. 2023માં, રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમની છાતીમાંથી કેન્સરગ્રસ્ત પેશીઓ દૂર કરવામાં આવી હતી, જે ડોકટરોએ સફળતાપૂર્વક હાથ ધરી હતી. તે સમયે વધુ સારવારની જરૂર નહોતી. જોકે, હાલનું નિદાન બાઇડેનના સ્વાસ્થ્ય માટે વધુ ગંભીર પડકાર રજૂ કરે છે. આ જ કારણ છે કે તેમણે 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ન લીધો, અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.
રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ
જો બાઇડેનના કેન્સરના સમાચારે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે બાઇડેનના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યું, "આ સમાચારથી અમે દુઃખી છીએ અને જો બાઇડેનના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ." ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ટ્વીટ કરીને કહ્યું, "જો એક યોદ્ધા છે, અને હું જાણું છું કે તે આ પડકારનો હિંમતથી સામનો કરશે."
લૌરા લૂમરનો ચોંકાવનારો દાવો: બાઇડેનના માત્ર 2 મહિના બાકી?
જોકે, ટ્રમ્પની નજીકની વ્યક્તિ લૌરા લૂમરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે, બાઇડેન ગયા જુલાઈથી ગંભીર રીતે બીમાર છે અને તેમના જીવનના માત્ર 2 મહિના જ બાકી હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે ડેમોક્રેટ્સે બાઇડેનની ખરાબ તબિયતને છુપાવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે બાઇડેનના સ્વાસ્થ્ય અને માનસિક ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાના કાવતરાનો ભાંડાફોડ! FBIના ભૂતપૂર્વ ડાયરેક્ટર સામે ગંભીર આરોપ