Mehul Choksi Arrested : ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ
- ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ
- ભારતની અપીલ પર મેહુલ ચોક્સીની ધરપકડ કરાઈ
- 13,500 કરોડના બેન્ક કૌભાંડમાં ભાગેડુ છે ચોક્સી
- મુંબઈની કોર્ટે જાહેર કર્યા હતા ધરપકડ વોરંટ
Mehul Choksi Arrested : ભારતના વોન્ટેડ ભાગેડુ અને હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડના સમાચારે ચકચાર જગાવી છે. 2 અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક ચોક્સીની ધરપકડ ભારતની ન્યાયિક પ્રક્રિયા માટે મહત્વનો ઘટનાક્રમ છે. એક અહેવાલ મુજબ, ચોક્સીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના આદેશ પર શનિવારે બેલ્જિયમ પોલીસે પકડ્યો હતો અને તે હાલ જેલમાં છે.
બેલ્જિયમમાં ચોકસીની ધરપકડ
ચોક્સીની ધરપકડ બાદ ભારતે તેના પ્રત્યાર્પણ માટે તાત્કાલિક પગલાં શરૂ કર્યાં છે. આ કૌભાંડમાં તેના પર 13,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીનો આરોપ છે. અહેવાલો મુજબ, ચોક્સીએ 15 નવેમ્બર, 2023ના રોજ પોતાની બેલ્જિયન નાગરિક પત્નીની મદદથી ‘એફ રેસીડેન્સી કાર્ડ’ મેળવ્યું હતું. આ માટે તેણે બેલ્જિયમના અધિકારીઓને નકલી દસ્તાવેજો રજૂ કરીને પોતાની ભારતીય નાગરિકતા અને અન્ય મહત્વની વિગતો છુપાવી હોવાનો દાવો છે.
PNB કૌભાંડ અને ચોક્સી ફરાર
PNB કૌભાંડ ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંનું એક છે, જેમાં મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી મુખ્ય આરોપીઓ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ ચોક્સી જાન્યુઆરી 2018માં ભારત છોડીને ભાગી ગયો હતો. શરૂઆતમાં તે એન્ટિગુઆ અને બાર્બુડામાં જોવા મળ્યો, જ્યાં તે લાંબા સમયથી રહેતો હતો. એવું પણ કહેવાય છે કે તે બેલ્જિયમથી સ્વિટ્ઝર્લૅન્ડ જવાની યોજના ઘડી રહ્યો હતો.
એન્ટિગુઆથી ડોમિનિકા: રહસ્યમય સફર
મે 2021માં ચોક્સી એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગાયબ થયો હતો. થોડા સમય બાદ તે ડોમિનિકામાં મળી આવ્યો, જ્યાં તેની ગેરકાયદે પ્રવેશના આરોપમાં ધરપકડ થઈ હતી. ચોક્સીએ આ આરોપોને ફગાવી દીધા અને દાવો કર્યો કે પોલીસ ગણવેશમાં કેટલાક લોકોએ તેને બળજબરીથી ડોમિનિકા લઈ ગયા હતા. ડોમિનિકાની કોર્ટે તેને તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા બાદ તે એન્ટિગુઆ પરત ફર્યો. મે 2022માં તેની પ્રત્યાર્પણની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : Mehul Choksi: દુનિયાને ઉલ્લુ બનાવી રહ્યો છે મેહુલ ચોકસી, બેલ્જિયમે ખોલ્યા રાજ