ગાઝામાં યુદ્ધવિરામ છતાં સંકટ વિકરાળ: 66 હજારથી વધુના મૃત્યુ બાદ શાંતિ, પણ પુનર્નિર્માણ પડકારજનક
- ઈઝરાયેલ હમાસ વચ્ચેના સંઘર્ષ બાદ યુદ્ધવિરામની ઘોષણા (Gaza ceasefire crisis)
- ગાઝાની યુદ્ધવિરામની ઘોષણા છતાં સંકટ વિકરાળ
- ઈઝરાયેલના હુમલાથી ગાઝામાં 66 હજારથી વધુના મોત
- યુદ્ધ વિરામની ઘોષણા પણ પુનર્નિર્માણ પડકારજનક
Gaza ceasefire crisis : ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના બે વર્ષ લાંબા ભીષણ સંઘર્ષ બાદ આખરે 9 ઓક્ટોબર 2025 ના રોજ યુદ્ધવિરામ (સીઝફાયર)ની ઘોષણા કરવામાં આવી છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. 7 ઓક્ટોબર 2023 પછી ગાઝામાં મિસાઇલો ઝીંકાઈ નથી રહી, જેને કારણે એક ભેંકાર શાંતિ છવાઈ ગઈ છે. જોકે, 66,000થી વધુ લોકોના મોત અને વ્યાપક વિનાશ બાદ આ યુદ્ધવિરામ લાખો વિસ્થાપિતો માટે જીવન-મરણનો સવાલ બની ગયો છે.
યુદ્ધવિરામ કરારનો પ્રથમ તબક્કો 10 ઓક્ટોબરના મધ્યાહ્નથી અમલમાં આવ્યો છે. કરાર હેઠળ ઇઝરાયેલી સેના (IDF) શહેરી વિસ્તારોમાંથી આંશિક રીતે પીછેહઠ કરી છે, પરંતુ હજુ પણ 53% થી 58% ગાઝાના વિસ્તાર પર તેમનું નિયંત્રણ જળવાઈ રહ્યું છે, જે સ્થિતિને અત્યંત ગંભીર અને અસ્થિર બનાવે છે.
Israel Hamas war
મુખ્ય પડકારોની વાત કરીએ તો (Gaza ceasefire crisis)
માનવતાવાદી સંકટ: (Gaza ceasefire crisis)
ગાઝામાં 90% વસ્તી (લગભગ 19 લાખ લોકો) વિસ્થાપિત છે, જેમાંથી ઘણા 10થી વધુ વખત સ્થળાંતર કરવા મજબૂર થયા છે. ભૂખમરી અને અન્ન-દુષ્કાળ ફેલાઈ ચૂક્યો છે, અને 5 લાખથી વધુ લોકોને ભૂખમરીનું જોખમ છે. યુદ્ધવિરામ બાદ હજારો સહાય ટ્રકો પ્રવેશવાની રાહ જોઈ રહી છે.
મૂળભૂત જરૂરિયાતોનો અભાવ:
લાખો લોકો માથા પરથી છત ગુમાવીને ટેન્ટમાં રહેવા મજબૂર છે. તેમને રહેવા ઘર, પાણી, વીજળી, રસ્તાઓ, પૂરતું અન્ન અને દવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતો પણ ઉપલબ્ધ નથી. 70% થી વધુ વસ્તીને પીવાલાયક પાણી મળતું નથી.
આરોગ્ય સંકટ:
હોસ્પિટલો અને ક્લિનિક્સ નષ્ટ થતાં આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે. પોલિયો જેવા રોગો ફેલાઈ રહ્યા છે. UNRWA જેવી સંસ્થાઓને $4 અબજ ના ભંડોળમાંથી માત્ર 28% જ મળ્યું છે.
Israel Hamas War
વિનાશનું ભયાનક ચિત્ર
બે વર્ષના યુદ્ધે ગાઝામાં અકલ્પનીય વિનાશ વેર્યો છે. 66,000થી વધુ લોકો માર્યા ગયા છે અને 1.6 લાખથી વધુ ઇજાગ્રસ્ત છે. ગાઝામાં થયેલા યુદ્ધને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 80% થી 85% ભાગ નષ્ટ થઈ ગયો છે. રહેણાંક સુવિધાઓની વાત કરીએ તો, 92% જેટલી આવાસ સુવિધાઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગઈ છે. વ્યાપારી ક્ષેત્રે પણ ભારે નુકસાન થયું છે, જેમાં 88% વ્યાપારી સ્થળો નષ્ટ થયા છે. શિક્ષણની સુવિધાઓ પર પણ ગંભીર અસર પડી છે, જ્યાં 564 શાળાઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. આરોગ્ય સેવાઓમાં 735 જેટલી હોસ્પિટલો અને ક્લિનિક્સ પર હુમલા નોંધાયા છે, અને કૃષિભૂમિનો 91.7% ભાગ નુકસાનગ્રસ્ત થયો છે.
- યુદ્ધવિરામ પછી હજારો લોકો પગપાળા તેમના ખંડેર બની ચૂકેલા ઘરો તરફ પાછા ફર્યા છે, જ્યાં તેમને કોઈ રાહત, ઘર કે રોજગાર મળવાના નથી.
- ગાઝા પટ્ટીમાં 50 મિલિયન ટન કાટમાળ (Debri) સાફ કરવાની જરૂર છે. નિષ્ણાતોના મતે, યુદ્ધના ધોરણે પુનર્નિર્માણ શરૂ કરવામાં આવે તો પણ ગાઝાને ફરીથી વસાવવામાં ઓછામાં ઓછા 15 વર્ષ લાગી શકે છે.
- કરારના ભાગરૂપે, અમેરિકાના 200 સૈનિકો ઇઝરાયેલમાં મોનિટરિંગ કરશે, અને રફાહ ક્રોસિંગ 14 ઓક્ટોબરથી ખુલશે તેવી અપેક્ષા છે.
વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો ન્યૂજર્સીથી રિપોર્ટ
આ પણ વાંચો : અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? અત્યારે બંને દેશોના કેવા છે હાલાત