Gaza War : ઈઝરાયલી હુમલામાં ખોરાક અને દવા લેવા એકત્ર થયેલ 74 પેલેસ્ટાઈન નાગરિકો મૃત્યુ પામ્યા
- ઈઝરાયલી સેના દ્વારા દરિયા કિનારાના કાફે પર કરાયેલ હુમલામાં 30 નાગરિકોના મૃત્યુ થયા
- ખોરાક લેવા માટે ભેગા થયેલા 23 પેલેસ્ટિયનોની ગોળી મારી હત્યા કરી દેવાઈ
- ગાઝા શહેરની એક શેરી પર થયેલા 2 વધુ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા
- જવાદા શહેર નજીક એક ઈમારત પર થયેલા હુમલામાં 6 લોકોના મોત થયા હતા
Gaza War : હમાસ યુદ્ધમાં ઈઝરાયલ સેના દ્વારા નિર્દોષોનો ભોગ લેવાનો સીલસીલો સતત યથાવત છે. સોમવારે કુલ 4 હુમલામાં ખોરાક અને દવા લેવા એકત્ર થયેલા કુલ 74 નાગરિકોને ઈઝરાયલ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. વોરઝોન સિવાયની જગ્યા પર ઈઝરાયલ દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવ્યા હતા. આ જગ્યાઓમાં કાફે, રહેણાંક શેરી, ઈમારતનો સમાવેશ થાય છે. વોરઝોન સિવાય આવા હુમલા કરીને નિર્દોષ પેલેસ્ટાઈન નાગરિકોનોને મોતને ઘાટ ઉતારતા ઈઝરાયલે કડક ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
દરિયા કિનારાના કાફે પર કરાયેલ હુમલામાં 30 નાગરિકોના મૃત્યુ થયા
સોમવારે ગાઝામાં ઈઝરાયલી સેનાના હવાઈ હુમલા અને ગોળીબારમાં ઓછામાં ઓછા 74 લોકો માર્યા ગયા છે. ઈઝરાયલી સેના દ્વારા દરિયા કિનારાના કાફે પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 30 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ખોરાક લેવા માટે ભેગા થયેલા 23 પેલેસ્ટિનિયનોને ગોળી મારી દેવામાં આવી હતી. ગાઝા શહેરમાં અલ-બાકા કાફે (Al-Baqa cafe) પર હવાઈ હુમલો ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો કાફેમાં હાજર હતા. કોઈપણ ચેતવણી વિના એક ફાઈટર પ્લેને અચાનક હુમલો કરી દેતા ભયંકર વિસ્ફોટ થયા અને ઠેર ઠેર મૃતદેહોના ટુકડા વિખરાઈ ગયા. આ સિવાય ખોરાક લેવા માટે એકત્ર થયેલા 23 પેલેસ્ટિયનોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
આ પણ વાંચોઃ ઈરાનના ધર્મગુરુનો ટ્રમ્પ-નેતન્યાહૂ સામે ફતવો, બંનેને ગણાવ્યા અલ્લાહના દુશ્મન
ખોરાક માટે એકત્ર થતા 500થી વધુ પેલેસ્ટાઈનોનો ભોગ લેવાયો
ઉત્તરી ગાઝામાં આરોગ્ય મંત્રાલયના ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ સેવાના વડા ફરેસ અવદે જણાવ્યું હતું કે, કાફે પરના હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. શિફા હોસ્પિટલ અનુસાર, ગાઝા શહેરની એક શેરી પર થયેલા બે વધુ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. અલ-અક્સા હોસ્પિટલે જવાદા શહેર નજીક એક ઈમારત પર થયેલા હુમલામાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ હુમલાઓમાં 74 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવારે ઈઝરાયલી ગોળીબાર જોનારા પેલેસ્ટિનિયનોએ જણાવ્યું છે કે, ઈઝરાયલી સૈનિકોએ ખાન યુનિસમાં GHF હબથી પાછા ફરતા ટોળા પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, અમારા પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને 3 બાળકો સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમને ખબર નથી કે તેઓ હજુ જીવિત છે કે નહીં. છેલ્લા કેટલાક દિવસોમાં ખોરાક માટે ભેગા થઈ રહેલા પેલેસ્ટિનિયનો પર ઈઝરાયલી ગોળીબારની ઘટનાઓમાં 500 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
આ પણ વાંચોઃ QUAD MEETING : ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર 3 દિવસ અમેરિકાની મુલાકાતે, ક્વાડ ગ્રુપની બેઠકમાં જોડાશે