Gold Thread Acupuncture : એક્સ-રે જોઇને ચોંકી ગયા ડૉક્ટરો, મહિલાના ઘૂંટણમાં મળ્યા સોનાના સેંકડો તાર
- દક્ષિણ કોરિયાની મહિલાના ઘૂંટણમાં મળ્યા સોનાના તાર (Gold Thread Acupuncture)
- ઘૂંટણના દુખાવા માટે એક્ચુપંક્ચર કરાવવુ મહિલાને ભારે પડ્યુ
- મહિલાને પગમાં અસહ્ય દુખાવો ઉપડતા એક્યુપંક્ચર કરાવ્યુ હતુ
- ડૉક્ટરોએ ઘૂંટણનો એક્સ-રે કરાવ્યો ત્યારે ચોંકી ઉઠ્યા
Gold Thread Acupuncture : દક્ષિણ કોરિયામાં 65 વર્ષની એક મહિલાને ઘણા વર્ષોથી ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હતો. ડૉક્ટરોએ નિદાન કર્યું કે તેમને ઑસ્ટિઓઆર્થરાઇટિસ નામની બીમારી હતી, જેમાં સાંધાનો કાર્ટિલેજ ઘસાઈ જાય છે અને દુખાવો થાય છે. મહિલાએ શરૂઆતમાં દુખાવાની દવાઓ અને સ્ટેરોઇડ્સના ઇન્જેક્શન લીધા, પરંતુ દુખાવામાં રાહત ન મળતા આખરે તેમણે વૈકલ્પિક ઉપચાર તરીકે એક્યુપંક્ચર કરાવવાનું શરૂ કર્યું.
જ્યારે દુખાવો અસહનીય બન્યો, ત્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરોએ તેમના ઘૂંટણનો એક્સ-રે કર્યો અને જે દૃશ્ય જોયું તે ચોંકાવનારું હતું. એક્સ-રેમાં ઘૂંટણની આસપાસ સેંકડો નાના-નાના સોનાના તાર દેખાઈ રહ્યા હતા. આ ઉપરાંત, ઘૂંટણના હાડકાં પણ જાડા અને સખત થઈ ગયા હતા. ડૉક્ટરોને તરત જ ખબર પડી કે આ તાર કોઈ અસામાન્ય વસ્તુ નથી, પરંતુ 'ગોલ્ડ-થ્રેડ એક્યુપંક્ચર' નામની એક ઉપચાર પદ્ધતિનો ભાગ છે.
gold threads in knee
શું છે ગોલ્ડ-થ્રેડ એક્યુપંક્ચર? (Gold Thread Acupuncture)
ગોલ્ડ-થ્રેડ એક્યુપંક્ચર' એ એક વૈકલ્પિક તકનીક છે જે એશિયાના ઘણા દેશોમાં ઑસ્ટિઓઆર્થરાઇટિસ અને રૂમેટોઈડ આર્થરાઇટિસ માટે ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિમાં, નાના, જીવાણુરહિત સોનાના તાર જાણીજોઈને માંસપેશીઓમાં મૂકી દેવામાં આવે છે, જેથી દુખાવા પર સતત દબાણ અને ઉત્તેજન મળતું રહે. જોકે, આ પદ્ધતિની અસરકારકતાનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, અને તે જોખમી પણ સાબિત થઈ શકે છે.
જોખમો અને વૈજ્ઞાનિક સલાહ
અગાઉના કેસોમાં જોવા મળ્યું છે કે આ તાર શરીરમાં અન્ય જગ્યાએ પણ જઈ શકે છે, જેનાથી ગંભીર ચેપ (ઈન્ફેક્શન) લાગી શકે છે. એક 75 વર્ષીય મહિલાની પીઠમાં નાખેલા તાર 10 વર્ષ પછી પગમાં ખસી ગયા હતા, જેનાથી તેમને ત્વચાનો ગંભીર ચેપ લાગ્યો હતો. વધુમાં, શરીરમાં ધાતુના તાર હોવાને કારણે MRI જેવા નિદાન માટે જોખમ ઊભું થાય છે, કેમ કે ચુંબકીય ક્ષેત્રથી તાર હલી શકે છે અને નસોને નુકસાન પહોંચાડી શકે છે.
જોખમોને સમજવા ખૂબ જરુરી
ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે આ પ્રકારના વૈકલ્પિક ઉપચારો આકર્ષક લાગી શકે છે, પરંતુ તેના જોખમોને સમજવા ખૂબ જ જરૂરી છે. આ કેસ એ વાતનો પુરાવો છે કે આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારીઓ માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી મેડિકલ ટ્રીટમેન્ટ જ શ્રેષ્ઠ છે. કોઈપણ વૈકલ્પિક ઉપચાર અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો : Kim Jong : પુતિન સાથે મુલાકાત બાદ કિંમ જોંગના સ્ટાફના વર્તનથી દુનિયા દંગ!