Imran Khan જીવિત છે! મોતની અફવાઓ વચ્ચે પાકિસ્તાન જેલ પ્રશાસનનું નિવેદન
- ઇમરાન ખાન જેલમાં 'સ્વસ્થ', પરિવારનું ધરણું સમાપ્ત (Imran Khan Jail Health)
- અદિયાલા જેલમાં ઇમરાન ખાન 'સ્વસ્થ' હોવાનું પ્રશાસને જણાવ્યું
- બહેન અલીમા ખાને મુલાકાતની ખાતરી મળતાં ધરણું સમાપ્ત કર્યા
- હવે PTI નેતાઓ ઇમરાન ખાનને જેલમાં મળી શકશે
- અલીમા ખાને ભાઈને કઠોર પરિસ્થિતિઓમાં રાખવાનો આરોપ મૂક્યો હતો
Imran Khan Jail Health : પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને PTI (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ) ના સ્થાપક ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદના વિરોધ પ્રદર્શનોએ એક નવો વળાંક લીધો છે. પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત અદિયાલા જેલ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ફેલાઈ રહેલી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે.
અધિકારીઓ અને મીડિયા અહેવાલો મુજબ, ઇમરાન ખાન જેલમાં "સ્વસ્થ અને પ્રસન્ન" છે અને તેમને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, તેમના પરિવારે લાંબા સમયથી ચાલી રહેલા ધરણા સમાપ્ત કર્યું છે. હવે નેતાઓ સાથે મુલાકાતનો રસ્તો સાફ થતાં ઇમરાન ખાનની કસ્ટડી વચ્ચે પાકિસ્તાનમાં રાજકીય હલચલ તેજ થઈ છે.
રાજકીય નેતાઓ સાથે મુલાકાત નક્કી (Imran Khan Jail Health)
જેલ પ્રશાસને ઇમરાન ખાનને મળવા માટે રાજકીય નેતાઓનો દિવસ નક્કી કર્યો છે. PTI ના મહાસચિવ સલમાન અખ્તર રાજાએ આ મુલાકાતીઓની યાદી જેલ પ્રશાસનને મોકલી આપી છે.
આ યાદીમાં સામેલ નેતાઓમાં નીચે મુજબના નામો છે, જેઓ જેલ પરિસરમાં ઇમરાન ખાન સાથે પાર્ટીના મામલાઓ પર ચર્ચા કરશે:
- કેપીના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી
- રાષ્ટ્રીય સભાના સભ્ય શાહિદ ખટ્ટક
- પ્રાંતીય મંત્રી મીના ખાન
- શૌકત યુસૂફઝઈ, ઇમ્તિયાઝ અલી વર્રૈચ અને હાફિઝ ફરહત
પરિવારના ધરણાં સમાપ્ત
ઇમરાન ખાનના બહેન અલીમા ખાને અદિયાલા જેલ નજીક ગોરખપુર ચેકપોસ્ટ પર ચાલી રહેલા તેમના ધરણા સમાપ્ત કર્યા છે. પોલીસે તેમને ખાતરી આપી કે તેમને તેમના ભાઈ ઇમરાન ખાનને મળવાનો અવસર મળશે. આગામી મંગળવાર સુધીમાં પરિવારને મળવાની મંજૂરી આપવાની ખાતરી મળ્યા બાદ ધરણાનું શાંતિપૂર્ણ સમાપન થયું હતું.
ધરણાની માંગણીઓ અને આરોપો
અલીમા ખાનનો આરોપ હતો કે તેમના ભાઈને ગેરકાયદેસર અને અત્યંત કઠોર પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા છે. તેમણે આ પરિસ્થિતિને "જંગલ કાયદો" ગણાવી હતી અને અધિકારીઓ પર ઇમરાન ખાન સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ મૂક્યો હતો. વધુમાં, તેમણે જેલ પરિસરમાં મહિલા પોલીસકર્મીઓની તૈનાતી પર પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ પગલું મહિલાઓના વિરોધને બદનામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : WhatsApp દ્વારા પાકિસ્તાનનો ખતરનાક ખેલ, ભારતીય અધિકારીઓને નિશાન બનાવ્યા