Indo-Russia: ભારત-રશિયાની જોડી વિશ્વને દેખાડશે શક્તિ, બંગાળની ખાડીમાં કરશે યુદ્ધાભ્યાસ
. રશિયન યુદ્ધજહાજ મસ્કટ પોર્ટથી બંગાળની ખાડી માટે રવાના
. 18થી 25 ફેબ્રુઆરી દરમિયાન રશિયન યુદ્ધજહાજ વિશાખપટ્ટનમની અનૌપચારીક મુલાકાત લેશે
. બંગાળની ખાડીમાં ભારત-રશિયાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ થશે
Indo-Russia: ભારત અને રશિયાની જોડી થોડાક દિવસોમાં સમુદ્રમાં આખી દુનિયાને પોતાની તાકાત દેખાડવાની છે. રિપોર્ટ્સ મુજબ, રશિયા અને ભારત આગામી માસ એટલે કે ફેબ્રુઆરીમાં હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌસૈન્યાભ્યાસ કરશે. આ જોઈન્ટ નેવલ એક્સસાઈઝનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું છે.
બંગાળની ખાડીમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ
રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી TASS એ બુધવારે રશિયન મેરીટાઈમ કોલેજની પ્રેસ સર્વિસને ટાંકીને આ જાણકારી આપી છે. TASSના રિપોર્ટ મુજબ, રશિયાની નૌસેનાના પેસિફિક કાફલાની એક ફ્રિગેટ મિલાન-2026 અભ્યાસમાં ભાગ લેવા માટે ઓમનના મસ્કટ પોર્ટથી રવાના થશે. તેના પછી આ જહાજ 18થી 25 ફેબ્રુઆરી સુધી ભારતીય પોર્ટ વિશાખાપટ્ટનમની અનૌપચારિક મુલાકાત લેશે. મહત્વપૂર્ણ છે કે ભારત અને રશિયા દર વર્ષે અભ્યાસ ઈન્દ્રના નામથી એક સંયુક્ત નૌસૈન્યાભ્યાસ કરે છે.
મૉસ્કોમાં ભારતીય રાજદૂતનું નિવેદન
આના પહેલા મૉસ્કોમાં ભારતના રાજદૂત વિનય કુમારે ગત સોમવારે કહ્યુ કે ભારત અને રશિયા 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારમાં 100 અબજ અમેરિકન ડોલરનું લક્ષ્ય મેળવવા માટે આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યા છે અને વ્યાપારની વ્યાપકતાને વધારવા માટે પગલાં ભરવા જઈ રહ્યા છે.
ભારતીય રાજદૂતે ભારતના 77મા ગણતંત્ર દિવસ પર ભારતીય ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ કે ગત વર્ષ વિશેષપણે સક્રિય રહ્યા. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની યાત્રા અત્યંત સફળ રહી. 2030 સુધી 100 અબજ અમેરિકન ડોલરના દ્વિપક્ષીય વ્યાપારનું લક્ષ્ય પ્રાપ્ત કરવું સંપૂર્ણપણે શક્ય છે. તેમણે કહ્યુ કે નવા ઉત્પાદનોની ઓળખ સહીત ઘણાં પગલા ઉઠાવવા જઈ રહ્યા છીએ અને એક મુક્ત વ્યાપાર સમજૂતી આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સહાયક હશે. તેમણે એમ પણ કહ્યુ કે ખાતર, કૃષિ અને ઈજનેરી ક્ષેત્રમાં નવા અવસરોની સાથે વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો મુનીર પ્રેમ: પેશાવરમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકન આર્મીનો યુદ્ધાભ્યાસ!


