International Thalassemia Day : થેલેસેમિયા નિવારણ માટે દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરતુ ગુજરાત..!!!
- International Thalassemia Day: ૮ મે - આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ
- થેલેસેમિયા નાબૂદી માટે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામ કરી અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ સ્ટેટ
- ગુજરાતમાં કુલ ૧૫.૫૦ લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા
- ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓનો થાય છે વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ
International Thalassemia Day : ૮મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”(International Thalassemia Day). થેલેસેમિયા(Thalassemia) એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે છે. લોકજાગૃતિ થકી આ ભયાવહ રોગના પ્રમાણમાં ઘટાડો આવે તેમજ આ રોગ વિશે નાગરિકોની અજ્ઞાનતા દૂર થાય તે માટે દર વર્ષે ૮મી મે ના રોજ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઇપણ માતા-પિતા પોતાના સંતાનને લોહીની બોટલના બંધનમાં ફસાયેલા જોવા નથી માંગતા, પરંતુ થેલેસેમિયા જેવા વારસાગત રક્ત વિકાર રોગ અંગેની જાગૃતતાનો અભાવ હોવાથી વિશ્વભરમાં અનેક બાળકો થેલેસેમિયા જેવા જીવલેણ રોગ સાથે જ જન્મે છે.
આજે દેશ-દુનિયા સહિત ગુજરાત રાજ્ય પણ થેલેસેમિયા જેવી અસાધ્ય (Incurable)બીમારીને જડ-મૂળથી નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ સાથે મળીને થેલેસેમિયા અંગે લોકજાગૃતિ કેળવવાનું કામ કરી રહી છે. મોટાભાગના લોકો થેલેસેમિયા અંગે અજાણ હોવાથી તેમના મનમાં સૌથી પ્રથમ એક જ પ્રશ્ન ઉભો થાય કે, થેલેસેમિયા શું છે અને આ રોગ ગંભીર કેમ છે?...તો આવો આજે વિસ્તારપૂર્વક જાણીએ થેલેસેમિયા રોગ અંગેની કેટલીક મહત્વપૂર્ણ વાતો.
થેલેસેમિયા શું છે?
થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ખોરાક લઈએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા (Bone marrow) આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે.
થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિમજ્જાથી લોહતત્વનું હિમોગ્લોબીનમાં રૂપાંતર થઇ શકતું નથી. પરિણામે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળી શકતો નથી અને અવયવોની કાર્યક્ષમતા ઘટે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે.
થેલેસેમિયાના પ્રકાર-
થેલેસેમિયા સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે, થેલેસેમિયા માઈનર અને થેલેસેમિયા મેજર. માતા-પિતામાંથી કોઈપણ એકના રંગસૂત્રોમાં રહેલી ખામી કે વિકૃતિ બાળકમાં આવે, ત્યારે તે થેલેસેમિયા માઈનરનો શિકાર બને છે. જ્યારે, માતા-પિતા બંનેના રંગસૂત્રોમાં રહેલી ખામી કે વિકૃતિ બાળકમાં આવે ત્યારે તે થેલેસેમિયા મેજરનો શિકાર બને છે.
1. થેલેસેમિયા માઈનર((Thalassemia Minor): થેલેસેમિયા માઈનરને થેલેસેમિયા કેરિયર અથવા થેલેસેમિયા વાહક પણ કહેવામાં આવે છે. થેલેસેમિયા માઈનરના રંગસૂત્રોમાં ખામી કે વિકૃતિ હોય છે, પણ તેમાં કોઈ વિકાર ન હોવાથી સામાન્યતઃ તેઓ સ્વસ્થ અને લક્ષણમુક્ત હોય છે. એટલે કે, બહારથી તંદુરસ્ત દેખાતો કોઇપણ વ્યક્તિ થેલેસેમિયા માઈનર હોઈ શકે છે, તમે પણ.
ભારતમાં આશરે ૪ કરોડથી વધુ લોકો થેલેસેમિયા કેરિયર છે. જેમાં ૧૦ માંથી ૮ લોકોને તો ખબર પણ નથી હોતી કે તેઓ થેલેસેમિયા કેરિયર છે. એટલા માટે જ, થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો એ કોઇપણ વ્યક્તિના જીવન અને તેના પરિવારના ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે.
2. થેલેસેમિયા મેજર((Thalassemia Major):: થેલેસેમિયા માઈનર એક રોગ નહિ પણ રંગસૂત્રોની વિકૃતિ છે, જ્યારે થેલેસેમિયા મેજર એક જીવલેણ રોગ છે. જો પતિ-પત્ની બંને થેલેસેમિયા માઈનર હોય તો તેમના સંતાન થેલેસેમિયા મેજર હોવાની શક્યતાઓ ૨૫ ટકા જેટલી હોય છે. આ ઉપરાંત પતિ-પત્ની બંનેમાંથી કોઈ એક થેલેસેમિયા મેજર હોય તો પણ બાળક થેલેસેમિયા મેજર જન્મે તેની શક્યતાઓ વધી જાય છે.
થેલેસેમિયા મેજરગ્રસ્ત વ્યક્તિ એનીમિયા જેવી અનેક ગંભીર સમસ્યાઓથી પીડિત હોય છે. ભારતમાં દર વર્ષે આશરે ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. સામાન્ય રીતે થેલેસેમિયા મેજરના શરીરમાં લોહીની ઉણપના કારણે તેમને દર ૨ અઠવાડિયાના અંતરે નિયમિત લોહી ચડાવવું પડે છે, તો જ તે બચી શકે છે. થેલેસેમિયા મેજરગ્રસ્ત બાળકોને જીવનભર સારવારની જરૂર પડે છે.
થેલેસેમિયાને અટકાવવા શું કરી શકાય?
હિમોગ્લોબીનોપેથેજીસ કમિટી ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી(Hemoglobinopathies Committee of Indian Red Cross Society), ગુજરાત બ્રાન્ચના ચેરમેન ડો. અનિલ ખત્રી જણાવે છે કે, થેલેસેમિયા મેજરને નિવારવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત અન્ય કોઈ કાયમી ઈલાજ નથી. થેલેસેમિયાને જડમૂળથી જ નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિએ લગ્ન પહેલા અથવા ગર્ભ ધારણ કરે તે પહેલા જ થેલેસેમિયા માઈનરનો ટેસ્ટ કરાવવો જોઈએ. જો ટેસ્ટમાં થેલેસેમિયા માઈનર પોઝીટીવ આવે તો અન્ય થેલેસેમિયા માઈનર પાત્ર સાથે લગ્ન કરવાનું ટાળવું જોઈએ. અજાણતા લગ્ન થઇ જાય તો પણ, ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્ત શિશુનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો શિશુ મેજર હોય તો કાયદાકીય ગર્ભપાત કરાવવું હિતાવહ છે.
થેલેસેમિયા નિવારણ માટે દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરતુ ગુજરાત..!!!
ગુજરાતમાંથી થેલેસેમિયાને જડ-મૂળથી નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર છેલ્લા ૧૫ વર્ષથી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. આ ક્ષેત્રે ગુજરાત અનેક નવતર પહેલો અને સુદ્રઢ આયોજન સાથે અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ખાતે આવતી ગર્ભવતી મહિલાઓના થેલેસેમિયા ટેસ્ટ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે.
સમુદાય આધારિત લોકજાગૃતિ કેળવવાનું નવતર અભિયાન
ગુજરાત સરકાર દ્વારા થેલેસેમિયા નિવારણ માટે અનેક વિશેષ પહેલ કરવામાં આવી છે. આવી જ એક વિશેષ પહેલ છે - ૩ સ્તરે થેલેસેમિયા સ્ક્રીનીંગ. ભારત સરકાર, નેશનલ હેલ્થ મિશન(National Health Mission) અને વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદથી રાજ્ય સરકારે યુનિવર્સિટી લેવલે જ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક સમાજ કે સમુદાયમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ જોવા મળતા રાજ્ય સરકારે કમ્યુનીટીબેઝ્ડ સ્ક્રીનીંગ અમલમાં મૂકી વિવિધ સંસ્થાઓ થકી આ સમુદાયોને થેલેસેમિયા અંગે જાગૃત કરવાની પણ વિશેષ પહેલ કરી છે.
ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૧૮,૫૧૭ લોકોના અને અત્યાર સુધીમાં કુલ ૧૫.૫૦ લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર સાથે રેડ ક્રોસ સોસાયટી, થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશન અને થેલેસેમિક ગુજરાત જેવી અનેક સંસ્થાઓ થેલેસેમિયાને નાબૂદ કરવા માટે લોકોને જાગૃત કરવાનું સરાહનીય કામ કરી રહી છે.
થેલેસેમિયાના દર્દીઓ માટે કરેલું રક્તદાન બનશે મહાદાન
કોઇપણ થેલેસેમિયાગ્રસ્ત દર્દીને વાર્ષિક આશરે ૧૫ થી ૬૦ બોટલ જેટલા લોહીની જરૂર પડે છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ અને શુદ્ધ લોહી પૂરતા પ્રમાણમાં મળવું પણ ખૂબ જ અગત્યનું છે. રાજ્યના નાગરીકો વધુમાં વધુ રક્તદાન કરે તો, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સારું અને પ્રમાણમાં લોહી મળતું થશે. ગુજરાત સરકાર વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી થેલેસેમિક બાળકો માટે રક્ત એકત્ર કરવા પણ મોખરે છે. સાથે જ, ગુજરાતમાં કેટલીક સંસ્થાઓ થેલેસેમિક બાળકોના બાકી રહેલા જીવનને આનંદમય બનાવવાનું નેક કામ કરે છે.
આજે થેલેસેમિયા દિવસ (International Thalassemia Day) નિમિત્તે ગુજરાતને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે સૌ સાથે મળી સંકલ્પ કરીએ. થેલેસેમિયા અંગે જાગૃત થઇ નાગરીકો વહેલામાં વહેલી તકે થેલેસેમિયા ટેસ્ટ કરાવે, આજુબાજુમાં પણ લોકોને થેલેસેમિયા અંગે માહિતગાર કરે તેમજ રક્તદાન કરીને થેલેસેમિક વ્યક્તિને મદદરૂપ થાય તો ચોક્કસપણે ભવિષ્યમાં ગુજરાત થેલેસેમિયાને પણ મ્હાત આપશે.
અહેવાલ : કનુ જાની