મોસાદના અંડરકવર એજન્ટ્સ પર ઈરાનની સૌથી મોટી કાર્યવાહી! 3ને ફાંસી, 700ની ધરપકડ
- ઈરાનમાં મોસાદના અંડર કવર એજન્ટ સામે એક્શન
- મોસાદના 3 જાસૂસને ફાંસી, 700 એજન્ટની ધરપકડ
- જાસૂસી અને હત્યાના ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસી
- 12 દિવસના જંગ દરમિયાન ઈરાનની મોટી કાર્યવાહી
- ગુપ્ત જાણકારી ઈઝરાયલને લીક કરવાની છે આશંકા
- કેટલાકની પૂછપરછ ચાલુ, સજા સંભળાવાશેઃ ઈરાન
Iran-Israel ceasefire : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તાજેતરના યુદ્ધવિરામ બાદ પણ બંને દેશો વચ્ચેનો તણાવ યથાવત્ રહ્યો છે. આ તણાવની વચ્ચે ઈરાને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી 'મોસાદ' સાથે જોડાયેલા હોવાના આરોપસર 3 વ્યક્તિઓને ફાંસીની સજા આપી છે, જ્યારે 700 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે.
3 લોકોને ફાંસીની સજા
ઈરાનના ઉત્તર-પશ્ચિમી શહેર ઉર્મિયામાં બુધવારે સવારે 3 વ્યક્તિઓ – ઈદ્રીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહેમદ રસૂલ – ને ફાંસી આપવામાં આવી. ઈરાનના સત્તાધીસોએ જણાવ્યું કે આ ત્રણેય વ્યક્તિઓ પર ઈઝરાયલ માટે જાસૂસી કરવાનો અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. આરોપીઓએ હત્યા માટે જરૂરી સાધનો ઈરાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું નિવેદનમાં જણાવાયું છે. આ કેસમાં કાયદેસરની ટ્રાયલ બાદ આરોપીઓને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. ઈરાની મીડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરતાં આરોપીઓની જેલના વાદળી ગણવેશમાં તસવીરો પણ જાહેર કરી, જે ઉર્મિયાની જેલમાં લેવામાં આવી હતી. ઉર્મિયા શહેર, જે તુર્કીની સરહદ નજીક આવેલું છે.
700ની ધરપકડ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના 12 દિવસ દરમિયાન ઈરાને ઝડપી કાર્યવાહી કરતાં 700 લોકોની ધરપકડ કરી હતી, જેમના પર મોસાદ સાથે જોડાણ, ગુપ્ત માહિતી લીક કરવી અને લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં મદદ કરવાના આરોપો છે. રાજ્ય સમર્થિત મીડિયા એજન્સી ‘નૂર ન્યૂઝ’ના જણાવ્યા મુજબ, આ ધરપકડ ઈઝરાયલના ગુપ્તચર નેટવર્કને નષ્ટ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. ઈરાનનું કહેવું છે કે આમાંના ઘણા આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે, અને નજીકના ભવિષ્યમાં વધુ કેટલાકને સજા થઈ શકે છે. આ પહેલાં પણ ઈરાને યુદ્ધ દરમિયાન આંતરિક નેટવર્કો પર ઈઝરાયલ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને અનેક લોકોની ધરપકડ કરી હતી.
ઈરાન-ઈઝરાયલ તણાવનો ઇતિહાસ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ નવો નથી. 13 જૂન 2025ના રોજ શરૂ થયેલા યુદ્ધ બાદ ઈરાને ઈઝરાયલના ગુપ્તચર નેટવર્ક સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. આ યુદ્ધ દરમિયાન ઈરાને અનેક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી અને કેટલાકને ફાંસીની સજા આપી. રવિવાર અને સોમવારે પણ આવા જ કેટલાક આરોપીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ઈરાનનું કહેવું છે કે આવા પગલાં દેશની આંતરિક સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે જરૂરી છે. રોઈટર્સના અહેવાલ મુજબ, ઈરાને ભૂતકાળમાં પણ ઈઝરાયલ અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકો સામે આવી જ કડક કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : Iran-Israel ceasefire : ટ્રમ્પે કરી ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામની જાહેરાત, કહ્યું - 12 દિવસનું યુદ્ધ હવે ખતમ થયું