Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે
. વૈશ્વિક રાજનીતિના વમળોની વેનેઝુએલાથી ઈરાન (Iran Crisis) સુધી અસર
. ટ્રમ્પની ભૂ-રાજનીતિક દાદાગીરીએ પેદા કર્યું છે વૈશ્વિક સંકટ
.ત્રણ મહાસત્તાઓ વચ્ચેના વ્યૂહાત્મક ટકરાવની સ્થિતિ ખતરનાક
આનંદ શુક્લ: વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ઘણાં વમળો (Iran Crisis) પેદા થઈ ચુક્યા છે. આ વમળો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય કાયદાઓથી પર જઈને અન્ય દેશોની સાર્વભૌમતા સાથે ચેડાં કરતી દબાણ નીતિને કારણે પેદા થયા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને તેમના પત્ની સહીત સ્પેશયલ ફોર્સના ઓપરેશનમાં ઉઠાવીને અમેરિકા લઈ જઈને તેમના પર નાર્કોટિક્સના મુદ્દે કેસ ચલાવવો તો માત્ર ટ્રેલર છે. આ પિક્ચર પણ નહીં હોય, એક વેબસીરિઝ હશે.
વિશ્વને વૈશ્વિક ભૂરાજનીતિની સાથે ચેડાં કરતી આ વેબસીરિઝ ઘણી ભારે પડવાની છે. આમા ગ્રીનલેન્ડ, નાટો, કેનેડા, ઈરાન, ચીન, રશિયા સહીતના દેશો સાથેના રણનીતિક ટકરાવની કહાનીઓ તબક્કાવાર સામે આવવાની છે.
આમા ઈરાન ફરી એકવાર વૈશ્વિક જીઓ-પોલિટિકલ ઈવેન્ટ્સના કેન્દ્રમાં છે. ઈરાન પર લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક પ્રતિબંધો જનતાના અસંતોષનું કારણ બન્યા છે. ઈરાનમાં શાસન સામેના અસંતોષની આગમાં 3000થી 5000 જેટલા દેખાવકારો હોમાઈ ગયા છે. કેટલાક દાવાઓ મુજબ આ આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. તેવામાં અમેરિકાએ હત્યાઓ ચાલુ રહેવાની સ્થિતિમાં કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપીને સ્થિતિને બેહદ સંવેદનશીલ બનાવી દીધી છે.
આ પણ વાંચો: ઈરાન સાથે વેપાર પર 25% ટેરિફ, ટ્રમ્પની ઘોષણાની ભારત પર શું થશે અસર?
જો કે યુએસએસ અબ્રાહમ લિંકનનો કાફલો ઈરાન તરફ રવાના થયા બાદ અને જોર્ડનના એરબેઝ પર અમેરિકાના યુદ્ધવિમાનોની તેનાતી છતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાંસીની સજાઓ મુલત્વી રાખવાની સ્થિતિમાં ઈરાન પર હાલ હુમલો નહીં કરવાની જાહેરાત કરી હતી. પણ તેમ છતાં પેસિફિક અને ઈરાનના એરસ્પેસને લગતી ઘણી ઘોષણાઓ સંકેત આપે છે કે યુદ્ધના વાદળો હજી વિખેરાયા નથી.
આ સમગ્ર ઘટનાક્રમ પર રશિયા અને ચીનની પણ ઝીણવટભરી નજર છે. અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયાના વિખંડન બાદથી પોતાને વિશ્વની એકમાત્ર મહાસત્તા માનતું રહ્યું છે. પણ ચીન દ્વારા અમેરિકાને મળી રહેલા વ્યૂહાત્મક પડકારોએ તેને છેલ્લા બે દાયકાથી હલબલાવી નાખ્યું છે. આમા ચીન-રશિયાની જુગલબંધીએ તેની વ્યૂહાત્મક ચિંતાઓ અને પડકારોમાં વધારો કર્યો છે.
ઈરાનમાં અમેરિકા ઘણાં વર્ષોથી સત્તા પરિવર્તન કરવા ઈચ્છી રહ્યું છે. જ્યારે ઈરાનના સાથી રાષ્ટ્રો રશિયા-ચીન અહીં યથાસ્થિતિ જાળવવાનો અભિપ્રાય ધરાવે છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ છતાં ઈરાન પર હુમલો કરતા કેમ ખચકાઈ રહ્યું છે અમેરિકા? કારણ જાણીને ચોંકશો
Iran Crisis: મધ્ય-પૂર્વ એશિયા સળગશે?
મધ્ય-પૂર્વ એશિયા પહેલેથી જ સત્તા સંઘર્ષો સામે ઝઝૂમી રહ્યું છે. ઈરાકમાં સદ્દામ હુસૈનની સત્તા ગયા પછી અરાજકતા યથાવત છે. સીરિયા હોય કે યમન હોય કે લીબિયા હોય અશાંતિ અહીં સામાન્ય સ્થિતિ બની ગઈ છે. તેવામાં હિઝબુલ્લાહ, હમાસ અને હુતી જેવા ઉગ્રવાદી-આતંકવાદી સંગઠનોને સમર્થન આપવાનો આરોપ ઈરાન પર લાગે છે અને ત્યાં સત્તા પરિવર્તન કે અન્ય મહાસત્તાનું વર્ચસ્વ સ્થાપિત થવું આખા મધ્યપૂર્વ એશિયામાં ઉથલ-પાથલ પેદા કરનારું સાબિત થશે. તેની સીધી અસર વૈશ્વિક શક્તિ સંતુલન પર પણ પડશે. આ જ કારણ છે કે ઈરાનનું હાલનું સંકટ આખા વિશ્વ માટે ભૂરાજકીય અગ્નિપરીક્ષા છે. ઈરાનની અસ્થિરતા પ્રાદેશિક સંકટ હોવાની સાથે એક નવા કોલ્ડ વૉરનો પણ પગપેસારો છે.
મધ્ય-પૂર્વ એશિયા ઈસ્લામિક વિશ્વમાં સૌથી મોટો પ્રભાવ ધરાવે છે. મધ્ય-પૂર્વ એશિયામાં શિયા-સુન્ની રાજસત્તાઓ વચ્ચેનો વિવાદ અશાંતિ અને આરજાકતામાં કોઈ ઓછી ભૂમિકા ધરાવતો નથી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેની વૈચારીક અને વ્યૂહાત્મક દુશ્મની પણ તણાવને વધુ સંવેદનશીલ બનાવે છે. ઈઝરાયલ પોતે એક પરમાણ્વિક શક્તિ છે અને ઈરાન પણ મોટો પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યાનો આરોપ છે. તેની પાસે 2000થી વધુ બેલેસ્ટિક મિસાઈલ અને અદ્યતન ડ્રોન સાથેની મોટી સૈન્ય શક્તિ છે. જો ઈરાન સંકટ (Iran Crisis) વધુ ઘેરુ બને તો આખા મધ્ય-પૂર્વ એશિયાની સ્થિતિ અસ્થિર થાય તેવી શક્યતા છે.
ત્રણ મહાસત્તાઓની રણભૂમિ
હાલ દુનિયામાં ત્રણ શક્તિ કેન્દ્રરૂપ મહાસત્તાઓ અમેરિકા, રશિયા અને ચીન ઈરાનને લઈને સક્રિય છે. અમેરિકા જો ઈરાનમાં બળજબરીપૂર્વક એકતરફી રીતે સત્તા પરિવર્તનનો રાહ અખત્યાર કરશે કે જેવું ટ્રમ્પ કહી રહ્યા છે, તો રશિયા અને ચીન તરફથી આકરી પ્રતિક્રિયાને નક્કી માનવામાં આવે છે.
રશિયાએ સ્પષ્ટપણે ઈરાનમાં અમેરિકાનો હસ્તક્ષેપ નહીં સ્વીકારવાની વાત કહી છે. ચીનની પણ ઈરાનમાં મોટી આર્થિક અને વ્યૂહાત્મક પહોંચ છે. વેનેઝુએલામાં માદુરોની સત્તા હટયા બાદ ચીને ત્યાં કરેલા મોટા રોકાણ પર જોખમની સ્થિતિ છે અને આવી પરિસ્થિતિનું તેઓ ઈરાનમાં પુનરાવર્તન નહીં થવા દે, તેને પણ નક્કી માનવામાં આવે છે. ચીન ઈરાનને લઈને અત્યંત સાવધાન છે.
ઈરાનમાં અસંતોષનું નેતૃત્વ કરનારા જૂથોને વેનેઝુએલાની ઘટના જોયા પછી અમેરિકાનું સમર્થન મળવાની પુરી આશા છે. પરંતુ દેખાવો સંબંધિત કોઈપણ શખ્સને ફાંસી આપવાની તૈયારી નહીં હોવાનું ઈરાન દ્વારા જણાવાયા બાદ અમેરિકા સાથેની તેની તણાવની સ્થિતિ ટળતી દેખાઈ રહી છે. પણ ઈરાનની અમેરિકા દ્વારા સૈન્ય ઘેરાબંધી વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા અનપ્રિડિક્ટેબલ રહ્યા છે અને તેઓ ક્યારે શું કરશે તેને કોઈ કળી શકે તેમ નથી.
આ પણ વાંચો: Israel Nuclear Test?: ઈરાન સાથે તણાવ વચ્ચે ઈઝરાયલે કર્યું પરમાણુ પરીક્ષણ?
નવા કોલ્ડવૉર તરફ દુનિયા
ઈરાનનું હાલનું માળખું ચીન અને રશિયાને રણનીતિક દ્રષ્ટિએ અનુકૂળ છે અને તેમનું જોર તેને યથાવત રાખવા પર છે. જો અમેરિકાની સૈન્ય કાર્યવાહી શરૂ થાય તો તેવામાં પરિસ્થિતિ વધુ વણસે તેવી આશંકા છે. દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાય કે કેમ, તેની આગાહી કરવી થોડી કઠિન હશે, પણ વિશ્વ એક નવા કોલ્ડવૉર તરફ આગળ વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ નવા કોલ્ડવૉરમાં એક તરફ અમેરિકા હશે અને બીજી તરફ રશિયા-ચીન હશે. તેના પછી અમેરિકાની કોઈપણ પ્રકારની સૈન્ય દાદાગીરી સીમે રશિયા-ચીનના સીધા કે આડકતરા હસ્તક્ષેપની સંભાવનાથી ઈન્કાર થઈ શકે નહીં. માટે ઈરાનની અસ્થિરતા માત્ર ઈરાનની સમસ્યા નહીં હોય, પણ વૈશ્વિક શક્તિ સંતુલન માટે પણ એક ગંભીર પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં મધ્ય-પૂર્વ એશિયામાં નવેસરથી હુતાસણ શરૂ થાય અને અસ્થિરતા અને અરાજકતા તેના ચરમ પર પહોંચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
ઈરાનની આસપાસ અસ્થિરતાની સ્થિતિ છે. ઈરાનના પાડોશી દેશ ઈરાકની સ્થિતિથી આપણે સૌ અવગત છીએ કે કેવી રીતે તેના વિસ્તારોને આતંકી સંગઠન આઈએસઆઈએસના ચુંગલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પણ એક વ્યૂહાત્મક પડકાર છે. ઈરાનનું પાડોશી પાકિસ્તાન પણ પરમાણુ રાષ્ટ્ર હોવાની સાથે આતંકવાદનું સર્જનહાર અને પોષણ કરનાર દેશ છે. આવી સ્થિતિમાં મધ્ય-પૂર્વની અસ્થિરતા ભારતની સરહદો સુધી પણ પહોંચી શકે છે. આ ભારત સહીત દુનિયાના મોટાભાગના દેશો માટેનો વૈશ્વિક વ્યૂહાત્મક પડકાર છે. હર્બુજની ખાડીમાંથી દુનિયાનો 25થી 30 ટકા ખનીજતેલનો વેપલો થાય છે અને ઈરાનની અસ્થિરતા તેને પણ ગ્રહણ લગાવી શકે છે. આવી સ્થિતિમાં વિશ્વને ઊર્જા સંકટનો પણ સામનો કરવાની સ્થિતિ આવે તેવા આકલનો પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: USS Abraham Lincoln કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાન તરફ રવાના, 10000 ભારતીય છાત્રોની ચિંતા


