Iran US War : અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ એક મહિનાની સાપેક્ષ શાંતિ બાદ મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ સૈન્ય સંઘર્ષની જ્વાળાઓ હવે માત્ર ખાડી દેશો પૂરતી સીમિત ન રહેતા કુવેત, બહરીન અને જોર્ડન સુધી પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. બંને દેશો વચ્ચેના આ તાજા ટકરાવે આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને અયાતુલ્લાહ ખામેનેઈ વચ્ચે તણાવ ચરમસીમા પર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈ વચ્ચેની કડવાશ હવે સીધા સૈન્ય હુમલાઓમાં પરિવર્તિત થઈ ચૂકી છે. હોર્મુજ સ્ટ્રેટ અને મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગો પર આધ્યાપત્ય તેમજ ક્ષેત્રિય પ્રભુત્વને લઈને બંને મહાસત્તાઓ આમને-સામને આવી ગઈ છે. ઈરાની સૈન્ય દળો દ્વારા અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા બાદ પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની ગઈ છે, જેનાથી બંને દેશો વચ્ચે સર્વાંગી યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કુવેત, બહરીન અને જોર્ડનમાં હાઈ એલર્ટ
આ તાજા લશ્કરી સંઘર્ષની સીધી અસર ખાડીના અન્ય પડોશી દેશો પર પણ જોવા મળી રહી છે. જોર્ડન અને બહરીન જેવા દેશોમાં સ્થિત સૈન્ય મથકો અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલાના અહેવાલોને કારણે આખા પ્રદેશમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના મતે, જો આ પરિસ્થિતિને જલદી નિયંત્રિત કરવામાં નહીં આવે, તો વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ક્રૂડ ઓઈલની પુરવઠા શૃંખલાને અણધાર્યા આર્થિક ફટકા પડી શકે છે. વિવિધ દેશોની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
અર્થવ્યવસ્થા અને તેલ બજાર પર સંકટ
આ સૈન્ય તણાવના કારણે વૈશ્વિક શેર બજાર અને ક્રૂડ ઓઈલના ભાવમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. જો યુદ્ધ વધુ વકરે તો વિશ્વભરમાં મોંઘવારીનું મોજું ફરી વળવાની પૂરી શક્યતા છે. યુએન અને અન્ય વૈશ્વિક સંગઠનો દ્વારા તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરવામાં આવી છે, પરંતુ જમીની હકીકત જોતાં હાલ શાંતિના કોઈ સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા નથી.
આ પણ વાંચો : Uttarakhand Heavy Rain : પૂર અને ભૂસ્ખલનને કારણે 7 લોકોના મોત,172 રસ્તાઓ બંધ