ઈઝરાયેલનું 'ઓપરેશન મેની વેઝ', 120 કમાન્ડોએ સીરિયામાં મચાવી હતી તબાહી
- ઈઝરાયેલની સેનાએ મોટો ખુલાસો કર્યો છે
- ઈઝરાયેલની સેનાએ સીરિયામાં મિશન 'ઓપરેશન મેની વેઝ' હાથ ધર્યું હતું
- સીરિયામાં અંડરગ્રાઉન્ડ મિસાઈલ ફેક્ટરીનો નાશ કરવામાં આવ્યો
- સીરિયાનું હવાઈ સંરક્ષણ ઈઝરાયેલને રોકવામાં નિષ્ફળ રહ્યું
IDF launched a secret mission : ઈઝરાયેલની સેનાએ બશર અલ-અસદના શાસન દરમિયાન સીરિયામાં પોતાનું ગુપ્ત મિશન 'ઓપરેશન મેની વેઝ' હાથ ધર્યું હતું અને ઈરાની મિસાઈલ ફેક્ટરીને નષ્ટ કરી દીધી હતી.
ઈઝરાયેલની સેનાનો ખુલાસો
ઈઝરાયેલની સેનાએ સીરિયામાં પોતાના એક ગુપ્ત મિશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. IDFએ કહ્યું, “રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસન દરમિયાન, ઇઝરાયેલના 120 કમાન્ડોએ સીરિયામાં તબાહી મચાવી હતી. ઈરાનની મદદથી સીરિયામાં અંડરગ્રાઉન્ડ મિસાઈલ ફેક્ટરીનો પણ સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.
ઓપરેશન મેની વેઝ
IDFએ કહ્યું કે, ઈઝરાયેલે 8 સપ્ટેમ્બર, 2024ના રોજ આ ગુપ્ત મિશન પાર પાડ્યું હતું, પરંતુ હવે તેને સાર્વજનિક કરવામાં આવ્યું છે. ઈઝરાયેલે આ ગુપ્ત મિશનને ‘ઓપરેશન મેની વેઝ’ નામ આપ્યું છે. જેને માત્ર 3 કલાકમાં ઈઝરાયેલ આર્મીના શાલદાગ યુનિટ દ્વારા પાર પાડવામાં આવ્યુ હતુ.
જમીનની નીચે ચાલતી હતી મિસાઈલ ફેક્ટરી
ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, આ ઈરાની મિસાઈલ ફેક્ટરી સીરિયાના મસ્યાફ વિસ્તારમાં જમીનથી 70 થી 130 મીટર નીચે અનેક સ્તરોમાં બનેલી હતી. જ્યાં ઘાતક મિસાઇલોનું નિર્માણ કરવામાં આવતું હતું અને પછી લેબનોનમાં હિઝબુલ્લાહ અને બશર અલ-અસદના દળોને મોકલવામાં આવતું હતું.
આ પણ વાંચો : HMPV વાયરસથી ચીનમાં ભયાનક સ્થિતિ? ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોથી ફેલાયો ગભરાટ
સીરિયાનું હવાઈ સંરક્ષણ ઈઝરાયેલને રોકવામાં નિષ્ફળ રહ્યું છે
નોંધનીય છે કે, ઈઝરાયેલની સેનાના કમાન્ડોએ સીરિયાની અંદર 200 કિલોમીટર સુધી ઘૂસીને આ ગુપ્ત મિશન પાર પાડ્યું હતું અને સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેમને રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ હતી. આ સમગ્ર મિશનમાં ઈઝરાયેલની સેનાને કોઈ નુકસાન થયું નથી.
મિસાઇલ ફેક્ટરીનું બાંધકામ 2017માં શરૂ થયું હતું
ઈઝરાયેલે કહ્યું, "IDF એરસ્ટ્રાઈકમાં ઈરાની રોકેટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી નાશ પામી હતી. આ પછી ઈરાને વર્ષ 2017માં પર્વતની નીચે આ મિસાઈલ ફેક્ટરીનું નિર્માણ શરૂ કર્યું. જેની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. આ ફેક્ટરી જમીનથી 70 થી 130 મીટર નીચે બનાવવામાં આવી હતી. તેમાં 16 રૂમ હતા, જેમાં મિસાઈલ બનાવવામાં આવતી હતી. અમારો અંદાજ છે કે, ત્યાં દર વર્ષે 100 થી 300 મિસાઈલ બનાવવામાં આવતી હતી અને તેની રેન્જ 300 કિમી સુધીની હતી."
ઈઝરાયેલના ચુનંદા કમાન્ડોએ આ મિશન પાર પાડ્યું હતું
સીરિયામાં ઓપરેશન મેની વેઝમાં કુલ 120 કમાન્ડો સામેલ હતા, જેમાંથી 100 ઘાતક દળના કમાન્ડો અને 20 તબીબી કર્મચારીઓના યુનિટના હતા. કમાન્ડો CH-53 યાસૂર હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરમાં દરિયાઈ માર્ગે સીરિયામાં પ્રવેશ્યા હતા. તેમની સાથે અપાચે એટેક હેલિકોપ્ટર, 21 ફાઈટર જેટ, 5 ડ્રોન અને 14 સર્વેલન્સ એરક્રાફ્ટ હવામાં હાજર હતા. જેમણે આખું મિશન 3 કલાકમાં પૂરું કર્યું.
આ પણ વાંચો : હીરાની ભેટથી ચમક્યું વ્હાઈટ હાઉસ, PM મોદીએ જીલ બિડેનને આપ્યો હતો ચમકદાર હીરો