Middle East Tension : પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે ભારત એક્શન મોડમાં, એસ જયશંકરે કર્યો ઇઝરાયલને ફોન
- Middle East Tension : એસ. જયશંકરની ઇઝરાયલ અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ સાથે મહત્વની મંત્રણા.
- મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન-યુએસ સંઘર્ષ મુદ્દે થઈ ગહન ચર્ચા.
- હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર માટે ભારતે વ્યક્ત કરી ચિંતા.
- અમેરિકાની નાકાબંધીને કારણે ઈરાની બંદરો સુધી ભારતની પહોંચ જોખમમાં.
- પશ્ચિમ એશિયાના સંઘર્ષથી વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવમાં ભડકો.
Middle East Tension : પશ્ચિમ એશિયા (West Asia) માં સતત વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે ભારતની રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. ભારતના વિદેશ મંત્રી (External Affairs Minister) એસ. જયશંકરે મંગળવારે ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડોન સાર (Gideon Sa'ar) અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ (Penny Wong) સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. આ ચર્ચાનો મુખ્ય એજન્ડા ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષના કારણે પેદા થયેલી સ્થિતિ અને તેની વૈશ્વિક અસરો હતી.
Middle East Tension : હોર્મુઝ સ્ટ્રેટ અને નેવિગેશનની સ્વતંત્રતા પર ભાર
ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડોન સાર સાથેની વાતચીત બાદ તેમણે જણાવ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવી આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અનિવાર્ય છે. ઈરાન દ્વારા જહાજોના અવરજવર પર જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે, તેની સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર આ બેઠકની વિગતો શેર કરતા લખ્યું કે, "ઇઝરાયલી વિદેશ મંત્રી સાથે પશ્ચિમ એશિયાના વિવિધ પાસાઓ પર સકારાત્મક ચર્ચા થઈ છે."
Had a telecon this afternoon with Israel FM @gidonsaar. Our discussion covered different aspects of the West Asia situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 14, 2026
શાંતિ વાટાઘાટો અને પરમાણુ શસ્ત્રોનો મુદ્દો
અમેરિકા અને ઈરાન (USA-Iran) વચ્ચે શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ થાય તે પહેલા ભારત સાથેનો આ સંપર્ક ઘણો સૂચક માનવામાં આવે છે. ઇઝરાયલી પક્ષે એવી રજૂઆત કરી છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો (Nuclear Weapons) મેળવતા અટકાવવા માટે અમેરિકાનું મજબૂત વલણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને લેબનોન અને ઈરાનના મુદ્દે ભારત જેવા મહત્વના ભાગીદારો સાથે ઇઝરાયલે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.
ભારત માટે ચિંતાનું કારણ: યુએસ નૌકાદળની નાકાબંધી
વર્તમાન સંઘર્ષમાં ભારતની સૌથી મોટી ચિંતા ઊર્જા સુરક્ષા અને ઈરાની બંદરો સુધીની પહોંચ છે. અમેરિકી નૌકાદળ (US Navy) દ્વારા ઈરાની બંદરો પર કરવામાં આવેલી નાકાબંધી (Blockade) ને કારણે ભારતના હિતો જોખમમાં મુકાયા છે. જોકે ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ આંશિક રીતે ખુલ્લો રાખ્યો છે, પરંતુ યુએસ નાકાબંધીને કારણે પરિવહનમાં મુશ્કેલીઓ પડી રહી છે. નોંધનીય છે કે વૈશ્વિક તેલ અને એલએનજી (Oil and LNG) ના પરિવહનનો આશરે 20% હિસ્સો આ માર્ગ પર નિર્ભર છે, જેના કારણે ઇંધણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.


