Japan G-CANS System : પૂરથી બચવા માટે જાપાનની આ સિસ્ટમ ભારતમાં બનાવી શકાય? જાણો તેની વિશેષતા અને કિંમત
- પૂરની ઘટનાથી બચવા જાપાને તૈયાર કરી છે Japan G-CANS System
- આ એક સૌથી મોટું અંડરગ્રાઉન્ડ પૂર નિયંત્રણ સિસ્ટમ છે
- જાપાનની રાજધાની ટોક્યોને વરસાદ અને વાવાઝોડાથી બચાવે છે
- 1992થી 2006 દરમિયાન આ સિસ્ટમનું કરાયુ હતુ નિર્માણ
- આ સિસ્ટમ પાછળ અંદાજે 21 હજાર કરોડનો થયો હતો ખર્ચ
Japan G-CANS System :આગામી સમયમાં જળવાયુ પરિવર્તનને કારણે પૂરની ઘટનાઓ વધી રહી છે. આવા સંજોગોમાં, જાપાનનું G-CANS (મેટ્રોપોલિટન એરિયા આઉટર અંડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જ ચેનલ) સિસ્ટમ પૂરથી બચાવ માટે એક અદ્ભુત મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. આ દુનિયાનું સૌથી મોટું અંડરગ્રાઉન્ડ પૂર નિયંત્રણ સિસ્ટમ છે, જે જાપાનની રાજધાની ટોક્યોને ભારે વરસાદ અને વાવાઝોડાથી બચાવે છે. આ સિસ્ટમ ભારત જેવા દેશો માટે કેટલું ઉપયોગી સાબિત થઈ શકે, તે એક મોટો પ્રશ્ન છે.
Japan G-CANS System શું છે?
આ સિસ્ટમનું નિર્માણ 1992થી 2006 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેનો ખર્ચ $2.6 બિલિયન (અંદાજે રુ.21,000 કરોડ) થયો હતો. ટોક્યો નજીક આવેલા સાઇતામા પ્રાંતના કાસુકાબેમાં સ્થિત, આ સિસ્ટમ 50 મીટરની ઊંડાઈએ 6.3 કિલોમીટર લાંબી સુરંગોનું નેટવર્ક ધરાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નદીઓમાંથી વધારાના પાણીને ભેગું કરીને શહેરને ડૂબતું બચાવવાનો છે. આ સિસ્ટમ 200 વર્ષમાં એક વાર આવતા ભયાનક પૂરનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં, તેનો 200થી વધુ વખત ઉપયોગ થઈ ચૂક્યો છે, જેનાથી $430 મિલિયન (રુ.3,500 કરોડથી વધુ)નું નુકસાન અટકાવવામાં આવ્યું છે.
Japan G-CANS System કેવી રીતે કામ કરે છે?
આ સિસ્ટમ 5 વિશાળ સાઇલો (કૂવા), સુરંગો, એક વિશાળ સ્ટોરેજ ટેન્ક અને શક્તિશાળી પંપથી બનેલી છે. આ સિસ્ટમ 'અંડરગ્રાઉન્ડ ટેમ્પલ' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેનું માળખું ભવ્ય મંદિર જેવું લાગે છે.
- પાણીનું સંગ્રહણ (સાઇલો): જ્યારે નદીઓમાં પૂર આવે છે, ત્યારે વધારાનું પાણી ઓવરફ્લો ચેનલો દ્વારા 5 વિશાળ સાઇલોમાં એકત્ર થાય છે. દરેક સાઇલો 65 મીટર ઊંચો અને 32 મીટર પહોળો છે. આ સાઇલો પાણીને 50 મીટર નીચે સુરંગોમાં મોકલે છે.
- સુરંગો દ્વારા પરિવહન: આ પાણી 6.3 કિલોમીટર લાંબી, 10 મીટર વ્યાસવાળી સુરંગોમાંથી વહે છે, જે શહેરની નીચેથી પસાર થાય છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે પાણી ઝડપથી વહે છે, જેનાથી શહેરની સપાટી પર કોઈ અસર થતી નથી.
- વિશાળ સ્ટોરેજ ટેન્ક: સુરંગોમાંથી પાણી એક વિશાળ કેન્દ્રીય ટેન્કમાં પહોંચે છે, જેને 'અંડરગ્રાઉન્ડ ટેમ્પલ' કહે છે. આ ટેન્ક 25.4 મીટર ઊંચી અને 177 મીટર લાંબી છે, જેમાં 67,000 ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે.
- પાણી બહાર કાઢવું: પૂર ઓછું થતાં, 4 શક્તિશાળી ટર્બાઇન પંપ (14,000 હોર્સપાવર) દ્વારા પાણીને એડોગાવા નદીમાં પાછું મોકલવામાં આવે છે. આ પંપ દર સેકન્ડે 200 ક્યુબિક મીટર પાણી બહાર કાઢી શકે છે.
G-CANS project cost
ભારત માટે મોડેલ? પડકાર અને તક
પૂરથી બચાવ માટે G-CANS એક શ્રેષ્ઠ મોડેલ છે. મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરો, જ્યાં પૂરની સમસ્યા વારંવાર જોવા મળે છે, ત્યાં આ સિસ્ટમ ઉપયોગી થઈ શકે છે. પરંતુ આમાં મુખ્ય પડકારો પણ છે: પહેલો, તેનો જંગી ખર્ચ (રુ.21,000 કરોડ); બીજો, બાંધકામની જટિલતા; અને ત્રીજો, જાળવણીનો ઊંચો ખર્ચ. જોકે, નિષ્ણાતો માને છે કે મોટા શહેરોમાં નાના પાયા પર આવી સિસ્ટમ્સ વિકસાવીને પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય છે.
આ પણ વાંચો : OMG ! આ દેશમાં 4 સંતાનોવાળા પરિવારને Tax માંથી મળશે સંપૂર્ણ મુક્તિ