Shigeru Ishiba resignation : જાપાનના PM શિગેરૂ ઇશિબાએ રાજીનામાની કરી જાહેરાત, જાણો કેમ લીધો આ નિર્ણય?
- જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ રાજીનામાની કરી જાહેરાત (Shigeru Ishiba resignation )
- પાર્ટીની અંદર વધી રહેલા અવિશ્વાસને લઈને કર્યો આ નિર્ણય
- સંસદીય ચૂંટણીમાં મળેલી કારમી હારે પાર્ટીની અંદર પેદા કર્યો અવિશ્વાસ
- પાર્ટીના નેતાઓએ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવા કરી હતી માગ
- સોમવારે પાર્ટી નક્કી કરવાની હતી કે વહેલી તકે ચૂંટણી યોજવી કે નહીં
Shigeru Ishiba resignation : જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો સંકેત આપ્યો છે. આ નિર્ણય તેમણે પોતાની જ પાર્ટી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ની અંદરથી સતત વધી રહેલી ટીકાઓ અને તાજેતરમાં જુલાઈમાં થયેલી સંસદીય ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ લીધો છે. જાપાની ટેલિવિઝન અહેવાલો મુજબ, પાર્ટીના નેતાઓએ તેમને આ રાજકીય નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાની માંગ કરી હતી.
ઇશિબાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. જોકે, છેલ્લા એક મહિનાથી તેમને પાર્ટીના જમણેરી પાંખ તરફથી રાજીનામું આપવા માટે ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ તેઓ સતત આ માંગનો વિરોધ કરી રહ્યા હતા. ઇશિબાનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે તેમની પાર્ટી સોમવારે એ નક્કી કરવા માટે બેઠક યોજવાની હતી કે શું પક્ષની અંદર વહેલી તકે નેતૃત્વ ચૂંટણી યોજવી કે નહીં. આ નિર્ણય એક રીતે ઇશિબા સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ જ ગણાત.
રાજીનામાનું મૂળ કારણ શું છે? (Shigeru Ishiba resignation )
શિગેરૂ ઇશિબાએ ઓક્ટોબરમાં જ વડાપ્રધાનનું પદ ગ્રહણ કર્યું હતું, પરંતુ જુલાઈમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. 248 બેઠકો ધરાવતા ઉપલા ગૃહમાં બહુમતી ન મળવાને કારણે તેમની સરકારની સ્થિરતા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ હાર બાદથી જ ઇશિબા પાર્ટીમાં વિરોધનું કેન્દ્ર બની ગયા હતા. ખાસ કરીને, જમણેરી જૂથ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું હતું. અત્યાર સુધી તેઓ આ દબાણને ટાળતા રહ્યા, પરંતુ આખરે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો, જેણે જાપાનના રાજકારણમાં એક મોટો ફેરફાર લાવ્યો છે.
નવી નેતૃત્વ ચૂંટણી પહેલાં મોટું પગલું
ઇશિબાનું આ પગલું અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે તેમની પાર્ટી આવતા દિવસે જ એટલે કે સોમવારે નેતૃત્વ પરિવર્તન અંગે મતદાન કરવા જઈ રહી હતી. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાત, તો તે ઇશિબા સામે સીધો અવિશ્વાસ દર્શાવવા જેવું હોત. આ પરિસ્થિતિથી બચવા અને પાર્ટીમાં વધી રહેલા અસંતોષને શાંત કરવા માટે તેમણે પોતે જ રાજીનામું આપવાનો માર્ગ પસંદ કર્યો. આ નિર્ણયથી હવે નવા નેતૃત્વ માટે ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે, અને સૌની નજર હવે એના પર રહેશે કે LDPના નવા નેતા અને જાપાનના આગામી વડાપ્રધાન કોણ બને છે.
આ પણ વાંચો : Trump Modi friendship: ટ્રમ્પે PM મોદીને મિત્ર ગણાવ્યા, પણ નારાજગીનું કારણ શું?