લશ્કરે તૈયબાની PM મોદીને ધમકી, ગજવા-એ-હિંદ માટે પાકિસ્તાની સેના તૈયાર હોવાની શેખી મારી!
. પાકિસ્તાનથી ગજવા-એ-હિંદના જેહાદી વિષવમનવાળા પડકારા
. ભારતીય નેતાઓને કાફિર ગણાવીને હત્યાની અપાઈ ખુલ્લી ધમકી
.બાંગ્લાદેશ-પાકિસ્તાની સેનાઓનો પણ આતંકીએ કર્યો ઉલ્લેખ
ઈસ્લામાબાદ: પાકિસ્તાન સમર્થિત, આતંકી સંગઠન લશ્કરે તૈયબાએ ફરી એકવાર ભારત સામે વિષવમન કર્યું છે. લશ્કરે તૈયબાના બહાવલપુર ચીફ સૈફુલ્લા સૈફે ખુલ્લા મંચ પરથી ભારતને ધમકી આપતા ગજવા-એ-હિંદની બેસૂરી હાકલો કરી છે. આ આતંકીએ ભારતીય નેતાઓ સામે હિંસા ભડકાવનારી ભાષાનો ઉપયોગ કર્યો છે અને સીધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિશાને લેવાની ધમકી પણ આપી છે.
સેંકડો આતંકીઓની હાજરીમાં જાહેરસભાને સંબોધિત કરતા આતંકી સૈફુલ્લા સૈફે તમામ હદો પાર કરી છે. તેણે આતંકીઓને ઉશ્કેરતા કહ્યુ છે કે હવે ભારતની વિરુદ્ધ જેહાદનો સમય આવી ગયો છે. તેણે બેહદ વાંધાજનક ભાષામાં ભારતીય નેતાઓને કાફિર ગણાવીને તેમની હત્યાની ખુલ્લી ધમકી આપી છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાની સેનાઓનો ઉલ્લેખ
પોતાના ઝેરીલા ભાષણમાં સૈફુલ્લા સૈફે દાવો કર્યો છે કે હવે પ્રાદેશિક સમીકરણો બદલાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ પણ પાકિસ્તાન સાથે ઉભું છે. તેણે ભારતની વિરુદ્ધ ગજવા-એ-હિંદના નારો પોકારતા દાવો કર્યો કે આ ઉદેશ્ય માટે પાકિસ્તાની સેના તૈયાર છે. લશ્કરે તૈયબાના આ કમાન્ડરે આતંકીઓને આગળ આવીને ભારતની વિરુદ્ધ મોટો હુમલો કરવાની ઉશ્કેરણી કરી છે.
સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
લશ્કરે તૈયબાના આતંકીના વીડિયોના સામે આવ્યા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચુકી છે. જાણકારોનું માનવું છે કે આ પ્રકારની ખુલ્લા મંચ પરથી આપવામાં આવેલી ધમકીઓ પાકિસ્તાનની એ હતાશા દર્શાવે છે કે જે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ-થલગ પડયા બાદ મહસૂસ કરી રહ્યું છે. પાકિસ્તાનની જમીનથી આ પ્રકારે ખુલ્લેઆમ આતંકવાદને પ્રોત્સાહન આપવું ઈસ્લામાબાદના આતંકી સંગઠનો પર લગામ લગાવવાના દાવાની પોકળતાને ઉજાગર કરે છે.
ગત મહિને અન્ય આતંકીએ કર્યું હતું વિષવમન
મહત્વપૂર્ણ છે કે હાફિઝ સઈદના નિકટવર્તી અને લશ્કરે તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લા કસૂરી ઉર્ફે સૈફુલ્લા ખાલિદે પણ ગત મહિને ડિસેમ્બર 2025માં હજારો સમર્થકો વચ્ચે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. પોતાના ભડકાઉ ભાષણમાં કસૂરીએ કહ્યુ હતુ કે ઓપરેશન સિંદૂરમાં ભારતે મોટી ભૂલ કરી, તેણે માત્ર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
આતંકી સૈફુલ્લાહે પ્રતિબંધો લગાવનારા અને આતંકી સંગઠનોને બેનકાબ કરનારાઓને પણ સીધેસીધા લલકાર્યા. તેનો દાવો છે કે આખી દુનિયાની સિસ્ટમ બદલી શકાય છે, પરંતુ લશ્કરે તૈયબા પોતાના કાશ્મીર મિશનથી ક્યારેય પાછું નહીં હટે. તેણે ક્હ્યુ હતુ કે અમને દહશતગર્દ ગણાવનારા અને અમારા પર પ્રતિબંધો લગાવનારા સાંભળી લે, અમે કાશ્મીર અને પેલેસ્ટાઈનની આઝાદીના મિશનથી ક્યારેય પાછળ નહીં હટીએ.


