નેપાલ પોલીસ હેડક્વાર્ટરે (Nepal Police Headquarters) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ કૃત્યને અત્યંત અમાનવીય (Inhuman Act) ગણાવવામાં આવ્યું હતું.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ થયેલા વીડિયોમાં પૂરની તબાહી બાદ એક મહિલાનો મૃતદેહ પાણીમાં તણાઈને નદી કે નાળાના કિનારે પહોંચેલો જોવા મળે છે. મૃતદેહ પાસે 2 યુવકો નજરે પડે છે. તેમાંથી એક યુવક વાંસની મદદથી મૃતદેહને ઉપર તરફ ખેંચતો જોવા મળે છે, જ્યારે બીજો યુવક મહિલાના કાનમાંથી જ્વેલરી ઉતારતો નજરે પડે છે. આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસ કેટલાક લોકો પણ હાજર હોવાનું વીડિયોમાં જોવા મળે છે. જોકે, કોઈ વ્યક્તિ યુવકોને રોકવાનો પ્રયાસ કરતો નથી.
એટલું જ નહીં, ત્યાં હાજર લોકોએ મૃતદેહને સલામત સ્થળે ખસેડવાની પણ કોઈ કોશિશ કરી ન હોવાનું વીડિયોમાં દેખાય છે. મૃતદેહ ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની જાણકારી સ્થાનિક અધિકારીઓને આપવામાં આવી હતી કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જોકે, વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
નેપાળમાં પૂરની સ્થિતિ ગંભીર (Nepal Floods)
દરમિયાન નેપાળમાં બુધવારે આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 359 થઈ ગયો છે. નેપાળ પોલીસે જણાવ્યું કે બચાવ અને શોધખોળ (Search and Rescue) ટીમોએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. તિબેટ તરફથી અચાનક આવેલા ભારે પૂર (Flash Flood)ના કારણે મધ્ય નેપાળના અનેક શહેરો અને ગામોમાં ભારે નુકસાન થયું છે. પૂરના તેજ પ્રવાહમાં અનેક મહત્વપૂર્ણ પુલો ધોવાઈ ગયા છે, જ્યારે લગભગ એક ડઝન હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ (Hydropower Projects) પણ બંધ થઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. નેપાળ સેના (Nepal Army) અને અન્ય સુરક્ષા એજન્સીઓ રસુવા, ધાદિંગ, નુવાકોટ અને ચિતવન સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત શોધ અને બચાવ કામગીરી ચલાવી રહી છે.
ચિતવનમાંથી સૌથી વધુ 132 મૃતદેહ મળ્યા
નેપાળ પોલીસના પ્રવક્તા અભિ નારાયણ કાફલેના જણાવ્યા અનુસાર, ચિતવન જિલ્લામાંથી સૌથી વધુ 132 મૃતદેહો મળી આવ્યા છે. પૂરનું પાણી રસુવા અને અન્ય વિસ્તારોમાંથી પસાર થઈને ત્રિશૂલી અને નારાયણી નદીના માર્ગે નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચ્યું હતું. પૂરના કારણે હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ ઉપરાંત રહેણાંક વિસ્તારો, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ (Infrastructure)ને પણ ભારે નુકસાન થયું છે.
826 લોકો ગુમ, 288 ભારતીયોનો સમાવેશ
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)ના આંકડા અનુસાર, અચાનક આવેલા પૂરમાં આશરે 826 લોકો ગુમ થયા છે. તેમાં લગભગ 590 પ્રવાસીઓ (Tourists)નો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) જણાવ્યું છે કે ગુમ લોકોમાં 288 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ માહિતી બાદ ભારત સરકાર પણ નેપાળના સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
ગ્લેશિયર તૂટવાથી પૂર આવ્યાનું અનુમાન
નેપાળના પ્રાથમિક આકલન અને US Geological Survey (USGS)ના વિશ્લેષણ અનુસાર, આ વિનાશક પૂરનું કારણ ગ્લેશિયર તૂટવું અથવા હિમસ્ખલન (Avalanche) હોવાનું માનવામાં આવે છે. હિમસ્ખલનના કારણે ભોટે કોશીની સહાયક નદી લ્હેંદેના પ્રવાહમાં અવરોધ ઊભો થયો હતો. ત્યારબાદ અચાનક પાણીનો પ્રવાહ વધતાં ચીનની સરહદ નજીક આવેલા રસુવાગઢીના તિમુરે વિસ્તારમાં સૌપ્રથમ પૂરનો ભારે પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારબાદ પાણીનો પ્રવાહ અન્ય વિસ્તારોમાં ફેલાતા જાનમાલ અને માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો : Nepal Flood Video : પાછળ આવતો હતો મોતનો કાટમાળ અને જીવ બચાવવા દોડતા હતા લોકો! નેપાળના પ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ