સોશિયલ મીડિયા બેનને લઈ Nepal માં યુવાનોની ચિંગારી ભભૂકી
- Nepal માં Gen-Z ક્રાંતિ : સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે યુવાઓનો મહાસંગ્રામ
- કાઠમંડુ સળગ્યું : સોશિયલ મીડિયા બેન સામે યુવાનોનો ભડકો
- સોશિયલ મીડિયા બેનને લઈ Nepal માં યુવાનોની ચિંગારી ભભૂકી
Nepal Protest : નેપાળની રાજધાની કાઠમંડુ આજે યુવા ક્રોધની આગમાં સળગી રહ્યું છે. સોશિયલ મીડિયા પરના સરકારી પ્રતિબંધ સામે હજારો યુવાનોએ 'Gen-Z ક્રાંતિ'ના નામે વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે, જે હવે બેકાબૂ બની રહ્યું છે. સરકારના આકરા પગલાં અને પ્રદર્શનકારીઓની આક્રમકતાએ પરિસ્થિતિને તંગ બનાવી છે, અને તેના કારણે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવાની ફરજ પડી છે.
વિરોધનું મૂળ કારણ?
નેપાળ (ળાજોત) માં ચાલી રહેલા આ મોટા વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર દ્વારા લેવાયેલો એક નિર્ણય છે. સરકારે ફેસબુક, ટ્વિટર, વૉટ્સએપ, અને યુટ્યુબ સહિત કુલ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધના વિરોધમાં જનરલ-ઝેડ (Gen-Z) તરીકે ઓળખાતા યુવાનોએ 8 સપ્ટેમ્બરથી આંદોલન શરૂ કર્યું છે. આ યુવાનો માટે સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ પોતાની વાત રજૂ કરવાનું, માહિતી મેળવવાનું, અને વૈશ્વિક સ્તરે જોડાવાનું એક અનિવાર્ય માધ્યમ છે. આ પ્રતિબંધથી તેઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હોવાનો આક્રોશ ફેલાયો છે.
આ મામલે ભ્રષ્ટાચાર પણ એક મોટો મુદ્દો બન્યો છે. યુવાનો માને છે કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકીને સરકાર ભ્રષ્ટાચારના મુદ્દાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જે તેમના ગુસ્સાને વધુ હવા આપી રહ્યો છે.
Nepal માં પ્રદર્શન અને પોલીસ વચ્ચે અથડામણ
વિરોધ પ્રદર્શનની શરૂઆત શાંતિપૂર્ણ હતી, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પાણીનો છંટકાવ (water cannon) અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો. જવાબમાં પ્રદર્શનકારીઓએ ઝાડની ડાળીઓ અને પાણીની બોટલો ફેંકી, અને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. આ ગરમાગરમી વચ્ચે, કેટલાક પ્રદર્શનકારીઓ તોડફોડ કરીને સંસદ ભવનના પરિસરમાં પણ ઘૂસી ગયા, જે આંદોલનની ગંભીરતા દર્શાવે છે.
આ અંધાધૂંધીને કારણે સરકારે કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે. કાઠમંડુના મુખ્ય જિલ્લા અધિકારી છવિલાલ રિજાલ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ન્યૂ બાણેશ્વર ચોકથી લઈને સંસદ ભવન અને અન્ય મુખ્ય માર્ગો પર કર્ફ્યુ લાગુ છે. આ વિસ્તારોમાં અવરજવર, સભાઓ અને પ્રદર્શનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારનું શું છે વલણ?
નેપાળ સરકારનું આ અંગે સ્પષ્ટ વલણ છે કે સોશિયલ મીડિયા કંપનીઓ જો નેપાળમાં પોતાની ઓફિસ ખોલશે, નોંધણી કરાવશે, અને અનિયમિતતા અટકાવવા માટે સિસ્ટમ બનાવશે તો જ પ્રતિબંધ હટાવવામાં આવશે. સરકારે દાવો કર્યો છે કે અત્યાર સુધી માત્ર TikTok, Viber, Nimbuzz, Vitak અને Popo Live જેવી કંપનીઓએ જ આ શરતોનું પાલન કર્યું છે.
આ પણ વાંચો : Donald Trump Ultimatum : ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટીમેટમ આપતા હમાસને સીધી આપી ધમકી!