Nepal political crisis : નેપાળમાં 3 મંત્રીઓએ આપ્યા રાજીનામા હવે PM ઓલી દેશ છોડી જવાની તૈયારીમાં?
- નેપાળમાં યુવાઓનું પ્રદર્શન હજુપણ યથાવત્ (Nepal political crisis)
- અનેક નેતાઓના ઘર પાસે હિંસક પ્રદર્શન
- નેપાળના ત્રણ મંત્રીઓએ આપ્યા રાજીનામા
- ગૃહ, કૃષિ અને સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું રાજીનામું
- નેપાળના PM ઓલી દુબઈ જવાની ફિરાકમાં
- નેપાળની સ્થિતિ પર ભારતની સતત નજર
Nepal political crisis : નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે, જ્યાં સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવ્યા બાદ પણ 'જનરેશન-ઝેડ' (Gen Z) યુવાઓના વિરોધ પ્રદર્શનો રાજધાની કાઠમંડુ સહિત અન્ય શહેરોમાં ચાલુ છે. આ હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ બની છે કે, રાજકીય દબાણ અને સતત વધી રહેલા વિરોધ વચ્ચે એક મોટી ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી દેશ છોડીને દુબઈ જઈ શકે છે.
સારવારના બહાને દુબઈ જવાની તૈયારી
(Nepal political crisis)
નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી તબીબી સારવારના બહાને દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે. આ અહેવાલો એવા સમયે સામે આવ્યા છે જ્યારે દેશમાં રાજકીય અને સામાજિક અશાંતિ ચરમસીમાએ છે. સરકાર પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે અને યુવાનોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા પછી સરકાર સામે રાજીનામાંનો દોર પણ શરૂ થયો છે.
ત્રણ વરિષ્ઠ મંત્રીઓએ આપ્યા રાજીનામાં
વધતા દબાણ અને વિરોધ પ્રદર્શનોને કારણે ત્રણ વરિષ્ઠ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ અને પશુપાલન મંત્રી રામનાથ અધિકારી અને સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પૌડેલે પોતાના રાજીનામાંમાં સરકારની નિષ્ફળ નીતિઓ અને પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરી શકવાને કારણભૂત ગણાવ્યા છે. આ રાજીનામાં સરકારી તંત્રમાં ચાલી રહેલા આંતરિક તણાવનો સંકેત આપે છે.
સ્વાસ્થ્ય મંત્રી અને PM વચ્ચે ટકરાવ (Nepal political crisis)
સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પૌડેલના રાજીનામાંએ ખાસ ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું કે સરકારે યુવાનોની માંગણીઓને અવગણી છે અને વહીવટી તંત્ર શાંતિપૂર્ણ પ્રદર્શનોને હિંસક બનતા અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. નેપાળી મીડિયાના અહેવાલ મુજબ, તાજેતરમાં એક કેબિનેટ બેઠક દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી પ્રદીપ પૌડેલ અને વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી વચ્ચે તીવ્ર મતભેદ અને ટકરાવ પણ થયો હતો. આ ઘટના એ વાતનો પુરાવો છે કે, સરકાર અંદરથી પણ સંપૂર્ણપણે તૂટી રહી છે. વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે કે નેપાળમાં રાજકીય સ્થિરતા જોખમમાં છે અને જો તાત્કાલિક કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
આ પણ વાંચો : દિવાળી અને છઠ્ઠમાં બિહાર-યૂપી જવા માટે સ્પેશ્યિલ ટ્રેન, આ તારીખથી રિઝર્વેશન શરૂ થશે