New York : મેનહટ્ટન, બ્રુકલિનમાં પૂરની સ્થિતિ સર્જાઈ, ઈમરજન્સી સિચ્યૂએશન જાહેર કરાઈ
- ન્યૂયોર્કમાં ભારે વરસાદથી જળબંબાકાર
- રસ્તા અને મેટ્રો સ્ટેશન પાણીમાં ડૂબ્યા
- સ્થિતિ વણસતા ઈમરજન્સી જાહેર કરાઈ
- વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાટકી વીજળી
New York : ઉત્તર પૂર્વ અને મધ્ય એટલાન્ટિકમાં થયેલ ભારે વરસાદે પૂરગ્રસ્ત સ્થિતિ સર્જી છે. જેમાં બ્રોંક્સ, બ્રુકલિન, ક્વીન્સ, મેનહટ્ટન, સ્ટેટન આઈલેન્ડ, ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી જેવા સતત ધબકતા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર પણ વીજળી ત્રાટકી છે. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીની બદતર પરિસ્થિતિને કારણે ગવર્નરે ઈમરજન્સી સિચ્યૂએશન (Emergency Situation) જાહેર કરી છે. નાગરિકોને ઘરની અંદર જ રહેવા અને બિનજરુરી મુસાફરી ટાળવા માટે નિર્દેશ કરાયા છે. સરકારના વિવિધ વિભાગો યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.
ગવર્નરે ઈમરજન્સી સિચ્યૂએશન જાહેર કરી
ન્યૂ યોર્ક અને ઉત્તરી ન્યૂ જર્સી શહેરમાં આવેલા વિનાશક પૂરને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સિચ્યૂએશન જાહેર કરવામાં આવી છે. ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પૂર અને ભારે વરસાદને કારણે Emergency Situation જાહેર કરવામાં આવી રહી છે. કૃપા કરીને ઘરની અંદર રહો અને બિનજરૂરી મુસાફરી ટાળો. ગોડ બ્લેસ ન્યૂ જર્સી. રાષ્ટ્રીય હવામાન વિભાગે ન્યૂ યોર્ક શહેર માટે પૂરની ચેતવણી જારી કરી હતી. સ્ટેટન આઈલેન્ડ અને મેનહટ્ટન જેવા વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા નાગરિકો બેહાલ બન્યા છે.
આ પણ વાંચોઃ રશિયા મુદ્દે NATO ચીફ માર્ક રૂટે ચીન-બ્રાઝિલ અને ભારતને આપી ધમકી
મેટ્રો અને એર સર્વિસીઝ બંધ કરાઈ
ન્યૂ યોર્ક સિટીના અધિકારીઓએ બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને અચાનક સ્થળાંતર માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. અધિકારીઓ અનુસાર રાત્રે પણ ચેતવણી વિના અચાનક પૂર આવી શકે છે. ન્યૂ યોર્ક સિટી ઇમરજન્સી મેનેજમેન્ટે નાગરિકોને ફોન, ફ્લેશલાઈટ અને આવશ્યક વસ્તુઓની બેગ સાથે રાખવા જણાવ્યું છે. ઊંચા સ્થાને જવા માટે તૈયાર રહેવાની પણ સૂચના આપી દેવાઈ છે. મેનહટનના ચેલ્સિયા વિસ્તારમાં સાંજે 7:30 વાગ્યા સુધીમાં 1.47 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સ્ટેટન આઈલેન્ડમાં 1.67 ઈંચ વરસાદ પડ્યો હતો. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં અધિકારીઓ અને વિભાગો હાઇ એલર્ટ પર છે. શહેરોમાં વધુ વરસાદની અપેક્ષા છે. લોકોને બચાવવા અને ઝડપથી રીસ્પોન્સ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ક્યુબાના આ મંત્રીએ ભિખારીઓ વિશે ટિપ્પણી કરી! દેશભરમાં થયો ભારે વિરોધ