ઓસ્ટ્રેલિયાના અખબાર ધ ક્લેક્સમાં ગલવાન મુદ્દે મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ભારત સાથે અથડામણમાં ચીનના 38 સૈનિકો નદીમાં તણાઈ ગયા હતા, પણ ચીને માત્ર 4ના જ મોતની જાહેરાત કરી હતી. ભારત-ચીન વચ્ચે જૂન 2020માં થયેલી અથડામણમાં ચીનને ભારે નુકસાન થયુ હતું. ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ સાઈટ ધ ક્લેક્સને પોતાના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં તેનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, પૂર્વી લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા હિંસક અથડામણમાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા પરંતુ ચીને ગલવાનમાં પોતાના ચાર સૈનિક જ માર્યા ગયા હોવાની વાત કબૂલ કરી હતી. રિપોર્ટ અનુસાર ચીને ગલવાનની હકીકત છૂપાવવા બે જુદી-જુદી ઘટનાઓને જોડીને રજૂ કરી હતી ચીને ગલવાનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા ક્યારેય જાહેર કરી ન હતી અને અથડામણમાં માર્યા ગયેલા 4 સૈનિકોને જ મેડલ આપવાની જાહેરાત કરી હતી.ધ ક્લેક્સનના એડિટર એન્ટોની ક્લેને ગલવાન અથડામણની તપાસ માટે ઈન્ડિપેન્ડટ સોશિયલ મીડિયા પર રિસર્ચર્સની ટીમ બનાવી હતી. આશરે દોઢ વર્ષની રિસર્ચ બાદ ગલવાન ડિકોડેડ નામનો રિપોર્ટ સામે આવ્યો કે ચીનની પિપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLAના ઘણા સૈનિકો અથડામણવાળી રાત્રે ગલવાન નદીના ઝડપી પ્રવાહમાં તણાઈ ગયા હતા. જો કે ચીન અત્યાર સુધી પોતાની સેનામાં થયેલા નુકસાનની વાત છુપાવતું આવ્યું છે.રિસર્ચર્સના મત મુજબ 15-16 જૂનની રાતે ઝીરો ડિગ્રીથી પણ નીચા તાપમાનમાં ઘણા ચીની સૈનિકો ગલવાન નદીમાં ડૂબીને મરી ગયા હતા. તે પહેલા ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોએ પણ તે જ રાતે 38 ચીની સૈનિકો નદીમાં તણાયા હોવાની વાત કહી હતી, પરંતુ ચીની અધિકારીઓએ આ દરેક પોસ્ટને હટાવી દીધી હતી.