સતત બીજા દિવસે રશિયાએ યુક્રેન પર હુમલા શરુ રાખ્યા છે. તો આ તરફ પોતાના બચાવમાં યુક્રેન પણ રશિયા પર હુમલા કરી રહ્યું છે. યુક્રેન શાંતિ ઇચ્છે છે અને વાતચીત માટે તૈયાર છે. જો કે રશિયાનું વલણ હજુ સુધી સ્પષ્ટ નથી. ખાસ કરીને રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ બંધ કરવાના મૂડમાં નથી લાગતા. રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના અનેક નાગરિકો અને સૈનિકોના મોત થયા છે. ત્યારે આ બધા વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને તખ્તાપલટની સલાહ આપી છે.વ્લાદિમીર પુતિને યુક્રેનિયન સૈન્યને દેશની વર્તમાન સરકારને ઉથલાવી નાંખવાની અપીલ કરી છે. તેમણે યુક્રેનિયન નેતૃત્વને આતંકવાદી, ડ્રગ વ્યસની અને નિયો-નાઝીઓની ટોળકી ગણાવ્યું છે. પુતિને ટેલિવિઝન પર કરેલા સંબોધનમાં યુક્રેનની સેના માટે આ વાત કહી છે. તેમણે યુક્રેનની સેનાને સત્તા પોતાના હાથમાં લેવા માટે કહ્યું છે. પુતિને કહ્યું કે ‘અમને એવું લાગે છે કે ડ્રગ્સના વ્યસની અને નિયો-નાઝીઓની આ ટોળકી કરતાં તમારા (યુક્રેનિયન સૈન્ય) સાથે સહમત થવું અમારા માટે સરળ રહેશે’ પુતિને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની આગેવાની હેઠળની સરકારનો ઉલ્લેખ કરતા આ વાત કરી હતી.તો આ તરફ હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રાજધાની કિવમાં જ રહેવાની પ્રતિજ્ઞા લીધી છે કારણ કે તેમના સૈનિકો રશિયન આક્રમણખોરો સામે લડી રહ્યા છે. તેમણે એક વીડિયો સંદેશમાં ચેતવણી આપી હતી કે ‘દુશ્મનો માટે હું નંબર વન ટાર્ગેટ છું અને મારો પરિવાર બીજા નંબરે છે. આમ છતા હું રાજધાનીમાં રહીશ. મારો પરિવાર પણ યુક્રેનમાં જ રહેશે’