યુદ્ધમાં ક્યારે કોઇનું ભલુ થતું નથી. કોઇ પણ યુદ્ધ જીત અને હાર સાથે જ નહી પણ ઘણી વેદનાઓ ઘણા દર્દ સાથે ખતમ થાય છે. ઘણીવાર આ યુદ્ધ દરમિયાન એવા દ્રશ્યો સામે આવી જાય છે કે જે જોઇને તમારી આંખોમાંથી આસુ આવી જાય છે. કઇંક આવા જ દ્રશ્યો છેલ્લા 8 દિવસથી સતત આપણી સમક્ષ કોઇને કોઇ માધ્યમથી આવી રહ્યા છે. વળી તાજેતરમાં યુક્રેનની અંદર એક રશિયન સૈનિકનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે અને તેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના ભયાનક દ્રશ્યને જોઈને દરેક વ્યક્તિનું હૃદય હચમચી ગયું છે. રશિયન સૈનિકોની બર્બરતાના અહેવાલો વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે. જેમાં રશિયન સેનાના સૈનિકની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રશિયન સૈનિકે યુક્રેનમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ યુક્રેનના લોકોએ તેને ખાવાનું આપ્યું અને ફોન દ્વારા તેની માતા સાથે વાત કરાવી. રશિયન સૈનિક તેની માતા સાથે વાત કરતા ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો.Video shared on Ukrainian channels of a captured Russian soldier apparently being fed by locals. The post says he burst into tears when he was allowed to video-call his mother. So many of these troops are just teenagers, with absolutely no clue what this war is really for. pic.twitter.com/oCPUC8cKcO— Matthew Luxmoore (@mjluxmoore) March 2, 2022 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિડીયો ટ્વિટર પર એક વ્યક્તિએ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, યુક્રેનમાં સ્થાનિક લોકોએ એક રશિયન સૈનિકને પકડ્યો છે, લોકોએ ભૂખ્યા સૈનિકને ખાવાનું આપ્યું હતું. વિડીયોમાં તમે તેને જમતા જોઈ શકો છો. વાયરલ વિડીયો અનુસાર, એક રશિયન સૈનિક કંઈક ખાઈ રહ્યો છે અને કોઈ ગરમ ચા જેવું કંઈક પી રહ્યો છે. દરમિયાન, જ્યારે તેને તેની માતા સાથે વિડીયો કોલ દ્વારા વાત કરાવવામાં આવી ત્યારે તે ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. વિડીયોમાં તેની હાલત જોઈને લોકો પણ ભાવુક થઈ ગયા હતા. આ યુવાન સૈનિક વિશે વધુ જાણીતું નથી. આ વિડીયો ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો તેની માહિતી પણ શેર કરવામાં આવી નથી.જોકે, વિડીયોમાં કેટલાક નાગરિકો યુવાન રશિયન સૈનિકની આસપાસ ઊભેલા જોવા મળે છે. તેઓ યુક્રેનિયન સ્થાનિક હોઈ શકે છે અને કેટલાક સૈનિકો પણ દેખાઈ રહ્યા છે. વળી, એક મહિલા તેની માતાના વિડીયો કોલ દ્વારા તેના ફોનથી રશિયન સૈનિક સાથે વાત કરી રહી છે. રશિયન યુવક સતત રડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, યુક્રેનમાં પ્રવેશેલા ઘણા રશિયન સૈનિકો સગીર છે અને તેઓ જાણતા નથી કે આ યુદ્ધ શા માટે અને કોના માટે છે? તેઓને તેના વિશે કોઈ જાણકારી નથી.