નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણ પર થયેલા નફા પર 30 ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એવી અટકળોને વેગ પકડ્યો હતો કે સરકાર ક્રિપ્ટોને કાયદેસર કરવાની તૈયારી કરી રહી છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બેંગ્લોરમાં આયોજિત ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કોઈનસ્વિચના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ આશિષ સિંઘલના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, સરકાર આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ સંપૂર્ણ વિગત જણાવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી પર કન્સલ્ટેશન પ્રક્રિયા ચાલી રહી છે અને અમે તેમાં ભાગ લેવા માટે તમારું સ્વાગત કરીએ છીએ. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાણા મંત્રાલય તેના પર વિચાર કરવા માટે બેઠક યોજશે. આની જરૂર છે કારણ કે અમને લાગે છે કે પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે આ બાબતમાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન ન થાય. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે ક્રિપ્ટોકરન્સી પર અમારો અભિપ્રાય આપીશું.નાણામંત્રીએ વધુમાં કહ્યું કે હું જાણું છું કે તમે બધા મારી પાસેથી જાણવા માગો છો કે શું તમે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકશો કે નિયમન કરશો? પરંતુ હું આ અંગે અત્યારે કંઈ કહેવાની નથી, પરંતુ આ અંગે ચાલી રહેલી ચર્ચા-વિચારણા બાદ અમે તેના વિશે વાત કરીશું. મને આનંદ છે કે તમે ક્રિપ્ટોકરન્સી પરના ટેક્સનું સ્વાગત કર્યું છે.નાણાકીય વર્ષ 2023 ના બજેટમાં ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણ પર થયેલા નફા પર 30 ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. જેણે એવી અટકળોને વેગ આપ્યો છે કે સરકાર ક્રિપ્ટોને કાયદેસર કરવાની તૈયારી કરી રહી છે.આ રિઝર્વ બેંકના નિવેદનથી વિપરીત છે કે ક્રિપ્ટોકરન્સીને ક્યારેય કાનૂની ટેન્ડર કરવામાં આવશે નહીં. ત્યાર બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટતા કરી હતી કે ક્રિપ્ટોકરન્સી પર ટેક્સ લગાવવો એ સરકારનો સાર્વભૌમ અધિકાર છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેને કાયદાકીય ટેન્ડર તરીકે ગણવામાં આવે છે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય જુએ છે, ત્યારે તેઓ હળવાશથી હસ્યા અને કહ્યું કે ઘણા ભારતીયોએ તેમાં તેમનું ભવિષ્ય શોધી કાઢ્યું છે. આવી સ્થિતિમાં, અમને તેમાં આવક થવાની સંભાવના પણ દેખાય છે.