PM Modi New Zealand Visit: ઓકલેન્ડમાં ભારતીય સમુદાયનો ભવ્ય ઉત્સાહ
વડાપ્રધાન મોદીના આગમન સમયે ઓકલેન્ડમાં મીની ઈન્ડિયા જેવું વાતાવરણ સર્જાયું હતું. સ્પાર્ક એરેના ખાતે આયોજિત કિયા ઓરા મોદી કાર્યક્રમમાં ભારતીયોએ મોદી-મોદીના નારા લગાવી તેમનું સ્વાગત કર્યું. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા. પીએમ મોદીએ ભારતની 140 કરોડ જનતા વતી ત્યાં વસતા ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી હતી.
PM Modi New Zealand Visit: ભારત અને ન્યુઝીલેન્ડની અતૂટ મિત્રતા
પીએમ મોદીએ બંને દેશોના સંબંધોને એક નવો અધ્યાય ગણાવ્યો. તેમણે કહ્યું કે આ ભાગીદારીની સફળતા માત્ર નેતાઓના પ્રયાસથી નથી, પરંતુ ભારતીય સમુદાયની મહેનતને આભારી છે. ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે મજબૂતીની કડી સમાન છે. તેમણે સંબંધોના સારને સમજાવવા માટે ન્યુઝીલેન્ડની વાકા પરંપરાનો ઉલ્લેખ કર્યો. વાકા એટલે એક સહિયારી યાત્રાનો પ્રતીક, જે હવે બંને દેશો સાથે મળીને આગળ વધારશે.
જૂની યાદો અને ખાસ મફલરનો ભાવુક ઉલ્લેખ
સંબોધન દરમિયાન પીએમ મોદીએ 25 થી 30 વર્ષ જૂની યાદો તાજી કરી હતી. તેઓ જ્યારે સત્તામાં ન હતા ત્યારે પ્રથમ વખત ન્યુઝીલેન્ડ આવ્યા હતા. તે સમયે એક સ્થાનિક વ્યક્તિએ તેમને ગિફ્ટમાં આપેલા મફલર, ટોપી અને ગ્લવ્ઝને તેમણે આજે પણ સાચવી રાખ્યા છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી તે મફલર પહેરીને જ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જે ન્યુઝીલેન્ડના લોકો પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ દર્શાવે છે.
ક્રિસ્ટોફર લક્સનની લોકપ્રિયતાના વખાણ
વડાપ્રધાન મોદીએ ક્રિસ્ટોફર લક્સનને ભારતીય સમુદાયના હૃદયના ધબકારા ગણાવ્યા. તેમણે લક્સનના મસ્ત કલંદર ગીત પરના ડાન્સનો ઉલ્લેખ કર્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ પ્રકારના વર્તનથી તેમણે ભારતીયોના દિલ જીતી લીધા છે. પીએમ મોદીએ ન્યુઝીલેન્ડના વિવિધ ક્ષેત્રોમાં સફળ ભારતીયોના નામ લઈને ગર્વ અનુભવ્યો. તેમાં એર ન્યુઝીલેન્ડના સીઈઓ નિખિલ રવિશંકર અને પૂર્વ ગવર્નર-જનરલ આનંદ સત્યાનંદ જેવા નામો સામેલ છે.
પ્રવાસી ભારતીયો પર ગર્વની અભિવ્યક્તિ
પીએમ મોદીએ જણાવ્યું કે ન્યુઝીલેન્ડમાં અનેક સ્થળોના નામ ભારતીય શહેરો પર રાખવામાં આવ્યા છે. જેમાં ખંડાલા, બોમ્બે હિલ્સ, કોરોમંડલ, કલકત્તા સ્ટ્રીટ, દિલ્હી ક્રેસન્ટ અને અમૃતસર સ્ટ્રીટ મુખ્ય છે. તેમણે કહ્યું કે જ્યારે હું ન્યુઝીલેન્ડના નેતાઓને મળું છું ત્યારે તેઓ હંમેશા તમારા વખાણ કરે છે. તમારી પ્રશંસા સાંભળીને મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે. તમે અહીં સંપૂર્ણપણે કીવી બની ગયા હોવા છતાં પોતાની ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે.
આ પણ વાંચો---- PM Narendra Modi New Zealand Visit : ઓકલેન્ડમાં પ્રવાસી ભારતીયો વચ્ચે ભાવુક થયા PM મોદી