કેનડાના રાજકારણમાં ભુંકંપ, PM ટ્રુડોનો સમય પૂરો, 51 સાંસદોએ ગુપ્ત બેઠકમાં સત્તા પરિવર્તનનો કર્યો નિર્ણય
- PM ટ્રુડોનો સમય પૂરો
- 51 સાંસદોએ ગુપ્ત બેઠકમાં સત્તા પરિવર્તનનો કર્યો નિર્ણય
- ટ્રુડોએ પોતાના જ સાંસદોનું સમર્થન ગુમાવી દીધું
- ટ્રુડો વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી
- ડેપ્યુટી પીએમના રાજીનામાથી મુશ્કેલી વધી
- ટ્રમ્પના ટેરિફ પ્લાને ટ્રુડોની સમસ્યાઓમાં કર્યો વધારો
- ટ્રુડો તેમની અત્યાર સુધીની સૌથી નબળી સ્થિતિમાં
- ટ્રુડોનું રાજીનામું કેનેડાના હિતમાં
આ પહેલા ઓક્ટોબરમાં લગભગ બે ડઝન સાંસદોએ ટ્રુડોના રાજીનામાની માંગ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આટલું જ નહીં, ઇપ્સોસ સર્વે કહે છે કે, તેના એપ્રુવલ રેટિંગમાં મોટો ઘટાડો થયો છે. તેઓ તેમના હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલીવરની સરખામણીમાં ઘણા પાછળ છે.
ટ્રુડોએ પોતાના જ સાંસદોનું સમર્થન ગુમાવી દીધું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ચારે બાજુ સંકટથી ઘેરાયેલા છે. ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત સાથેના વિવાદથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના કોલ્ડ વોર સુધી, તે વિવાદોમાં રહ્યા છે. પરંતુ હવે તેની ખુરશી પર ખતરો મંડરાઈ રહ્યો છે. પીએમ જસ્ટિનની લિબરલ પાર્ટીના ડઝનબંધ સાંસદોએ પણ સહમતિ દર્શાવી છે અને સર્વસંમતિથી કહ્યું છે કે, ટ્રુડોએ હવે તેમના પદ પરથી હટી જવું જોઈએ. પાર્ટીના 51 સાંસદોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ટ્રુડોનો સમય પૂરો થઈ ગયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, હવે ટ્રુડોએ પોતાના જ સાંસદોનું સમર્થન સંપૂર્ણપણે ગુમાવી દીધું છે.
ટ્રુડો વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી
કેનેડાની પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા અને ટ્રુડોની ગઠબંધન સરકારના સભ્ય જગમીત સિંહે ટ્રુડો વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે જાન્યુઆરીમાં તેમની સામે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. જગમીત સિંહે કહ્યું કે, રજા બાદ જાન્યુઆરીમાં સંસદ ફરી શરૂ થશે ત્યારે તેઓ ટ્રુડો સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે, ટ્રુડોની લિબરલ પાર્ટીએ 2021ની ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ તેમની સરકારમાં સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સપ્ટેમ્બરમાં ટ્રુડો સરકાર સાથે ગઠબંધન તોડી નાંખ્યુ હતુ.
ડેપ્યુટી પીએમના રાજીનામાથી મુશ્કેલી વધી...
થોડા દિવસો પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મતભેદને કારણે ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પણ રાજીનામું આપી દીધું હતું. ડેપ્યુટી પીએમ ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામા બાદ ટ્રુડોનો વિરોધ તીવ્ર બન્યો છે. ક્રિસ્ટિયાએ તે જ દિવસે રાજીનામું આપ્યું હતું જ્યારે તેણે બજેટ રજૂ કરવાનુ હતુ. તેમના રાજીનામા બાદ હવે કેબિનેટ પણ ટ્રુડો પર રાજીનામું આપવા દબાણ કરી રહ્યું છે.
ટ્રમ્પના ટેરિફ પ્લાને ટ્રુડોની સમસ્યાઓમાં કર્યો વધારો
ટ્રમ્પના ટેરિફ પ્લાને પણ ટ્રુડોની સમસ્યાઓમાં વધારો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ કેનેડા અને મેક્સિકોથી અમેરિકા આવતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદશે, કારણ કે, આ દેશોમાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકન સરહદમાં પ્રવેશી રહ્યા છે. આ દેશોમાંથી મોટા પાયે અમેરિકાને ડ્રગ્સ પણ સપ્લાય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ક્રિસ્ટિયા અને ટ્રુડો વચ્ચે ટ્રમ્પના ટેરિફ એટેકને લઈને મતભેદો હતા. હવે ટ્રમ્પ જાન્યુઆરીમાં ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે ટ્રુડોની મુશ્કેલીઓ વધી શકે છે. જો ટ્રમ્પ ટેરિફ વધારશે તો ટ્રુડો પર રાજકીય દબાણ વધી શકે છે.
ટ્રુડોનો વિરોધ માત્ર સંસદ સુધી વિસ્તરતો નથી
જસ્ટિન ટ્રુડોનો વિરોધ હવે માત્ર સંસદ કે પક્ષ પૂરતો મર્યાદિત નથી રહ્યો. હવે જનતા પણ તેમનાથી ખૂબ નારાજ છે. કેનેડાના લોકો ટ્રુડો પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક કેનેડિયનોએ લાઈવ ટીવી પર કહ્યું, વડાપ્રધાન ટ્રુડો, તમે કેનેડાને બરબાદ કરી દીધું છે. તમારા અંદર તમારા પિતાની પ્રામાણિકતાનો એક પણ અંશ નથી. તમારી આસપાસના લોકો તમને છોડીને જઈ રહ્યા છે. હવે તમારો જવાનો સમય આવી ગયો છે.
ટ્રુડોનું રાજીનામું કેનેડાના હિતમાં
મીડિયા પણ ટ્રુડોના રાજીનામાની માંગ કરી રહ્યું છે. પત્રકાર ડેનિયલ બોર્ડમેને ટિપ્પણી કરી હતી કે, ટ્રુડો તેમની અત્યાર સુધીની સૌથી નબળી સ્થિતિમાં છે. અન્ય એક પત્રકાર કીન બેક્સટે કહ્યું કે ટ્રુડોનું રાજીનામું કેનેડાના હિતમાં છે.
ટ્રુડો માટે આગળનો રસ્તો સરળ નથી
ટ્રુડો સામેની વર્તમાન પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે, આગળનો રસ્તો સરળ નથી. પરંતુ હજુ સુધી ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપવાનો કોઈ સંકેત આપ્યો નથી. જો જાન્યુઆરીમાં ટ્રુડો સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે તો લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. વિપક્ષ માત્ર ટ્રુડોના રાજીનામાની માંગણી જ નથી કરી રહ્યો પરંતુ વહેલી ચૂંટણીની પણ માંગ કરી રહ્યો છે. કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે. 2015થી સત્તામાં રહેલા ટ્રુડો ન તો 2019માં બહુમતી મેળવી શક્યા અને ન તો 2021માં. પરંતુ તેમની લિબરલ પાર્ટી અન્ય પક્ષોના સમર્થનથી સત્તામાં રહી.
ટ્રુડોની પાર્ટી સતત નબળી પડી રહી છે. કેનેડાની સંસદમાં કુલ 338 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 169 બેઠકો જરૂરી છે. ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે હાલમાં 154 બેઠકો છે.
આ પણ વાંચો: કેનેડિયન કોલેજોની મદદથી US માં ભારતીયોની તસ્કરી, ડીંગુચા કેસમાં ED નો ખુલાસો!


