પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા હુમલાની QUAD દેશોએ કરી નિંદા
- પહેલગામમાં આતંકવાદી હુમલાને લઇને QUAD દેશોનું સંયુક્ત નિવેદન
- QUAD એ એક થઈને પાકિસ્તાનને આઇનો બતાવ્યો
- પહેલગામ હુમલાની નિંદા કરતું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
- પહેલગામમાં થયેલા નિર્દોષ લોકો પર હુમલાની QUAD દેશોએ કરી નિંદા
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાની QUAD દેશો—અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતે સખત નિંદા કરી છે. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કરીને 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકની હત્યા કરી હતી, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. QUAD દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ હુમલાને નિંદનીય ગણાવીને ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને ન્યાયના કઠેડામાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
એસ. જયશંકર ક્વાડની બેઠકમાં હાજર રહ્યાં હતા
વિદેશમંત્રી એસ. જયશંકર ક્વાડની બેઠકમાં હાજર રહ્યાં હતા. વિદેશમંત્રી જયશંકરે ક્વાડ બેઠકમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠકમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ વિદેશમંત્રી એસ. જયશંકરે તાજેતરની આતંકવાદી ઘટનાઓને ટાંકીને કહ્યું કે, દુનિયાએ આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ દેખાડવી જોઈએ. આતંકવાદથી પીડિત અને આતંકીઓને ક્યારેય એક નજરથી ન જોવા જોઈએ. જયશંકરે કહ્યું કે, ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે અને તેને અમે નિભાવીશું. ક્વાડના સાથીઓ આ વાતને સમજે અને સન્માન કરે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે ભારત આગામી ક્વાડ શિખર સંમેલન આયોજિત કરવાની તૈયારી કરી રહ્યું છે.
વિદેશ મંત્રીઓની બેઠક અને સંયુક્ત નિવેદન
અમેરિકાના વોશિંગ્ટનમાં યોજાયેલી QUAD વિદેશ મંત્રીઓની બેઠકમાં અમેરિકાના માર્કો રુબિયો, જાપાનના તાકેશી ઇવાયા, ભારતના એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાના પેની વોંગે ભાગ લીધો હતો. સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું, “અમે પહેલગામમાં થયેલા નિર્દોષ નાગરિકો પરના આ નૃશંસ હુમલાની નિંદા કરીએ છીએ. અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.” આ નિવેદનમાં આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ કરવાનો અને આ હુમલાના જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવવાનો નિર્ધાર પણ દર્શાવવામાં આવ્યો.
ભારતનો કડક જવાબ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતને પોતાના નાગરિકોને આતંકવાદથી બચાવવાનો પૂર્ણ અધિકાર છે અને આ અધિકારનો ઉપયોગ કરવામાં દેશ ક્યારેય પીછે હટશે નહીં. તેમણે QUAD સભ્ય દેશોના વિદેશ મંત્રીઓને આ બાબતે સમર્થન અને સમજણની અપેક્ષા વ્યક્ત કરી. પહેલગામ હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 7 મે, 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
QUADનો આતંકવાદ વિરુદ્ધ એકજૂટ નિર્ણય
QUAD દેશોએ આ નિવેદન દ્વારા આતંકવાદ સામે એકજૂટ થઈને લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ હુમલાએ માત્ર ભારતની જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષા માટે પણ ચિંતા ઊભી કરી છે. આ ઘટના દ્વારા QUAD દેશોએ વૈશ્વિક સ્તરે આતંકવાદનો સામનો કરવા માટે સહકાર અને નક્કર પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો : QUAD MEETING : ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર 3 દિવસ અમેરિકાની મુલાકાતે, ક્વાડ ગ્રુપની બેઠકમાં જોડાશે