Russia-China Relations : પુતિન અને શી જિનપિંગે ફોન પર કરી વાતચીત,જાણો શું વાત થઈ
- પુતિન અને જિનપિંગે ઇઝરાયલી હુમલાની નિંદા કરી.
- બંને નેતાઓએ તણાવ ઓછો કરવાની માંગ કરી.
- પુતિન અને જિનપિંગે અમેરિકાને ઈશારામાં ચેતવણી આપી
Russia-China Relations : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને અટકાવવા શાંતિદૂત બનવાની તત્પરતા દાખવી છે. હાલમાં જ બંને દેશોના વડાએ ફોન પર વાતચીત કરી ઈરાન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે તણાવ ઘટાડવા અપીલ પણ કરી હતી.
ક્રેમલિનના વિદેશ નીતિ સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે, બંને નેતાઓ સંમત થયા હતા કે, ઈઝરાયલના આ પગલાં યુનાટેડ નેશન્સ ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય ધોરણોનું ઉલ્લંઘન થયુ હોવાથી ઈઝરાયલની કાર્યવાહીની સખત નિંદા કરવામાં આવી હતી.
પુતિન, જિનપિંગે શાંતિ સ્થાપિત કરવા કહ્યું
પુતિન અને જિનપિંગે ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ સમસ્યાને સૈન્ય બળથી ઉકેલી શકાય નહીં. તેના બદલે બંને દેશોએ પ્રદેશમાં વધી રહેલા તણાવને દૂર કરી રાજકીય સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે, ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામનો ઈઝરાયલ અને તેના સહયોગી પશ્ચિમી દેશો વિરોધ કરી રહ્યા છે. જેના લીધે ઈઝરાયલે ઈરાનની ન્યૂક્લિયર સાઈટ્સ અને સૈન્ય મથકોને ટાર્ગેટ બનાવી હુમલા શરૂ કર્યા છે. ફોન કોલ દરમિયાન જિનપિંગે રશિયાની મધ્યસ્થીના પ્રયાસોને ટેકો આપતાં કહ્યું હતું કે, મોસ્કો ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો તણાવ ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શાંતિપૂર્ણ ઉકેલો સ્થાપિત કરી શકે છે.
ખામેનેઈની હત્યાની ધમકી
હાલમાં જ ઈરાન દ્વારા ઈઝરાયલની એક હોસ્પિટલમાં હુમલા બાદ IDF ભડકી ઉઠ્યું છે. આ હુમલાનો બદલો લેવાં ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યાની ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે. આ હુમલામાં 47થી વધુ લોકોને ઈજા થઈ છે. કાટ્ઝે આ યુદ્ધ માટે ખામેનેઈને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, 'ઈરાનના કાયર સરમુખત્યાર એક કિલ્લેબંધીવાળા બંકરમાં બેસીને હોસ્પિટલો અને રહેણાંક ઇમારતો પર મિસાઇલો છોડી રહ્યા છે. આ સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે.