Russia Ukraine War: કિવ પર રશિયાનો ભીષણ હુમલો
રશિયાએ કિવને નિશાન બનાવીને અનેક બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. આ હુમલાની ચપેટમાં આવતા 8 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોના જણાવ્યા અનુસાર, બચાવ દળો સતત કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી. રાજધાનીના ઉત્તર-પશ્ચિમમાં આવેલા બુચા જિલ્લામાં પણ 1 વ્યક્તિનું મોત થયું છે. કિવની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા છે.
Russia Ukraine War: રહેણાંક ઈમારતો અને ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ તબાહ
હુમલામાં શહેરના પોડિલ્સ્કી અને ડાર્નિત્સીયા જિલ્લાની અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ છે. રશિયાએ તેવા વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે જ્યાં સામાન્ય નાગરિકો રહે છે. અહીં કામ કરતા લોકો રાત્રે સૂતા હતા, ત્યારે મિસાઈલો ત્રાટકી હતી. પાણીના કિનારે આવેલા એક મોટા ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં આગ લાગવાથી આખું શહેર કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે નજીકના મેટ્રો સ્ટેશનોમાં આશ્રય લેવા મજબૂર બન્યા હતા.
યુદ્ધ વચ્ચે નાટો સમિટ અને રાજદ્વારી હિલચાલ
નાટો સમિટ મંગળવારથી તુર્કીની રાજધાની અંકારામાં શરૂ થવાની છે. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધની સ્થિતિ પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, ઝેલેન્સ્કીએ થોડા કલાકો પહેલા જ આ પ્રકારના મોટા હુમલાની ચેતવણી આપી હતી. તેમણે પશ્ચિમી દેશો પાસે વધુ પાવરફુલ એર ડિફેન્સ સિસ્ટમ અને પેટ્રિઅટ મિસાઈલોની માંગ કરી છે. યુક્રેનનો આરોપ છે કે મદદના અભાવે રશિયાને યુદ્ધ લાંબુ ખેંચવાનું પ્રોત્સાહન મળે છે.
યુદ્ધની સતત વધતી તીવ્રતા
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ જારી છે. ગત સપ્તાહે પણ કિવમાં કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં 31 લોકોના મોત થયા હતા. રશિયાની આક્રમક રણનીતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય હોવા છતાં નાગરિક વિસ્તારો સુરક્ષિત રહ્યા નથી. વૈશ્વિક શક્તિઓ આ યુદ્ધને રોકવા માટે સતત મથામણ કરી રહી છે, પરંતુ હિંસાનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે.
આ પણ વાંચો--- PoK Protests India Help : પીઓકેમાં પાકિસ્તાની સેના સામે પ્રચંડ બળવો, ભારત પાસે ખુલ્લેઆમ માંગી મદદ