રશિયાનો Alaska summit પહેલા મોટો નિર્ણય! ટેલિગ્રામ-વોટ્સએપ કોલ પર આંશિક પ્રતિબંધ
- અલાસ્કા સમિટ પહેલા રશિયાનો મોટો નિર્ણય
- ટેલિગ્રામ-વોટ્સએપ કોલ પર રશિયાનો આંશિક પ્રતિબંધ
- રશિયા બોલ્યું– મેસેજિંગ એપ્સથી છેતરપિંડી અને આતંકવાદ ફેલાય છે
- મેટા-ટેલિગ્રામનો રશિયા સામે પ્રતિસાદ
- રશિયા-ટેક કંપનીઓ વચ્ચે વધતો વિવાદ
- પુતિનનો સરકાર આધારિત એપ્લિકેશન તરફ ઝુકાવ
Alaska summit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Russian President Vladimir Putin and US President Donald Trump) વચ્ચે થનારી અલાસ્કા સમિટ (Alaska summit) પહેલા જ મોસ્કોએ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રશિયન અધિકારીઓએ જાહેરાત કરી છે કે દેશમાં ટેલિગ્રામ અને વોટ્સએપ (Telegram and WhatsApp) જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન્સ પર કોલિંગ સુવિધાઓ પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પગલાંનો હેતુ, રશિયાના દાવા મુજબ, છેતરપિંડી અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓને રોકવાનો છે.
રશિયન એજન્સીનો દાવો
રશિયાની સંચાર નિયામક એજન્સી રોસકોમનાડઝોર એ સ્પષ્ટ કર્યું છે કે ગુનેગારો મેસેજિંગ એપ્સનો ઉપયોગ સંવેદનશીલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા છે. જ્યારે રશિયન એજન્સીઓ આ કંપનીઓને જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવવા કહે છે ત્યારે તેઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો હવાલો આપીને ઇનકાર કરે છે. રોસકોમનાડઝોરના નિવેદન અનુસાર, “ગુનેગારો સામે અસરકારક પગલાં લેવા માટે વિદેશી મેસેન્જર્સની કોલિંગ સુવિધા પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ય સેવાઓ યથાવત રહેશે અને આ પ્રતિબંધો તેટલાં સમય સુધી જ રહેશે, જ્યાં સુધી આ પ્લેટફોર્મ્સ રશિયન નિયમોનું પાલન નહીં કરે.”
Alaska summit પહેલા મેટા અને ટેલિગ્રામનો પ્રતિસાદ
આ નિર્ણય પર મેટા પ્લેટફોર્મે તરત જ પોતાની સ્પષ્ટતા આપી. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે વોટ્સએપ સંપૂર્ણપણે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે અને તે વિશ્વભરના Users ની ગોપનીયતાનું રક્ષણ કરે છે. મેટાનું કહેવું છે કે તે રશિયા સહિત દરેક દેશમાં સુરક્ષિત કોલ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખશે. બીજી તરફ, ટેલિગ્રામે રશિયાના RBC દૈનિકને આપેલા જવાબમાં જણાવ્યું કે કંપની પોતાના પ્લેટફોર્મ પર હિંસા અને છેતરપિંડી અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. પ્લેટફોર્મના જાહેર ભાગોમાં દેખરેખ રાખવા માટે AI આધારિત ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા દરરોજ લાખો દૂષિત અને હાનિકારક સંદેશાઓ દૂર કરવામાં આવે છે.
રશિયા અને વિદેશી ટેક કંપનીઓ વચ્ચેનો લાંબો વિવાદ
યાદ રાખવું રહ્યું કે રશિયા છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી ટેક પ્લેટફોર્મ્સ સાથે સામગ્રી અને યુઝર ડેટા સ્ટોરેજ મુદ્દે મતભેદમાં છે. ખાસ કરીને 2022માં યુક્રેન પર મોસ્કોના આક્રમણ પછી આ વિવાદ વધુ ગંભીર બન્યો છે. ટીકાકારોનું માનવું છે કે આ તમામ પગલાં રશિયાના ઇન્ટરનેટ પર વધતા નિયંત્રણની દિશામાં લેવામાં આવી રહ્યા છે.
રશિયાની પોતાની એપ્લિકેશન બનાવવા તરફ દોડ
આ માત્ર પ્રતિબંધ પૂરતો મુદ્દો નથી. રાષ્ટ્રપતિ પુતિન અગાઉથી જ સરકારી એજન્સીઓ સાથે મળીને સરકાર-સમર્થિત મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ બનાવવાની મંજૂરી આપી ચૂક્યા છે. વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા વિદેશી અને ખાનગી કંપનીઓ પર આધાર રાખવા કરતાં પોતાનું સ્વદેશી પ્લેટફોર્મ ઉભું કરીને ડિજિટલ સાર્વભૌમત્વ સ્થાપિત કરવા માંગે છે.
આ પણ વાંચો : અલાસ્કા સમિટ પહેલા રશિયાનો મોટો ખેલ! Putin નો પ્લાન શું છે?