સત્તા ગુમાવ્યાના બે વર્ષ બાદ શેખ હસીનાની સત્તાવાર વતન વાપસીની જાહેરાત
બાંગ્લાદેશમાં થયેલા ભારે હિંસક વિરોધ પ્રદર્શનો અને સત્તા પલટા બાદ દેશ છોડીને ગયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વતન પરત ફરવાની જાહેરાત કરીને વર્તમાન શાસન સામે મોટો પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની આ લડાઈ માત્ર સત્તા મેળવવા માટેની નથી, પરંતુ બાંગ્લાદેશમાં લોકશાહીની પુનઃસ્થાપના, કાયદાનું શાસન અને દેશની મૂળભૂત બિનસાંપ્રદાયિક વિચારધારાને બચાવવા માટેની છે.
આ જાહેરાતથી બાંગ્લાદેશના વહીવટીતંત્ર પર દબાણ વધશે
રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ જાહેરાતથી બાંગ્લાદેશના વર્તમાન વહીવટીતંત્ર પર દબાણ વધશે. હસીનાએ પોતાના ઈન્ટરવ્યુમાં સખત શબ્દોમાં જણાવ્યું કે, "હું મોતની સજા કે કાનૂની કેસોથી ડરવાની નથી. વર્ષ 1975 માં મેં મારા પરિવારના મોટાભાગના સભ્યોને ગુમાવી દીધા હતા અને મારા પર પણ અગાઉ અનેક જીવલેણ હુમલા થયા છે. પરંતુ હું દરેક મુશ્કેલીઓને પાર કરીને જનતાની વચ્ચે પાછી આવી છું અને આ વખતે પણ હું બાંગ્લાદેશ પરત ફરીને જ રહીશ."
અવામી લીગનું અસ્તિત્વ, લઘુમતીઓ પર વધતા અત્યાચાર
પોતાની પક્ષની મજબૂતી પર ભરોસો વ્યક્ત કરતા શેખ હસીનાએ કહ્યું કે અવામી લીગ માત્ર એક સામાન્ય રાજકીય પક્ષ નથી, પરંતુ તે બાંગ્લાદેશના ઈતિહાસ અને કરોડો લોકોની સંવેદનાઓ સાથે જોડાયેલી એક અતૂટ શક્તિ છે. તેમણે દાવો કર્યો કે નેતાઓની ધરપકડ કરીને કે પક્ષ પર પ્રતિબંધ લાદીને સામાન્ય નાગરિકોના દિલમાંથી અવામી લીગ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ભૂંસી શકાશે નહીં. દેશમાં આજે પણ બહુ મોટી વસ્તી તેમની વિચારધારા સાથે મજબૂતીથી ઉભી છે.
વર્તમાન કાયદો-વ્યવસ્થાની કટોકટી
તેમણે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે તેમના સત્તા પરથી હટ્યા બાદ દેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. દેશમાં કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે અને વિપક્ષી નેતાઓ સામે એકતરફી સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતી સમુદાયો પર થઈ રહેલા હિંસક હુમલાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યા છે, જેના પર વર્તમાન સરકાર કોઈ નક્કર પગલાં ભરી શકી નથી .
આર્થિક પ્રગતિનું પતન, પદ્મા બ્રિજથી મેટ્રો રેલ સુધીના વિકાસ કાર્યો અને
પોતાના શાસનકાળની ઐતિહાસિક સિદ્ધિઓ ગણાવતા પૂર્વ વડાપ્રધાને ઉમેર્યું કે તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું હતું, જેનાથી ગરીબીના દરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. તેમણે પદ્મા બ્રિજ, ઢાકા મેટ્રો રેલ અને 'ડિજિટલ બાંગ્લાદેશ' જેવી વૈશ્વિક કક્ષાની યોજનાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેમની સરકારે દેશને પ્રગતિની જે નવી દિશા આપી હતી, તેને વર્તમાન વહીવટ હેઠળ ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
શેખ હસીનાની ભવિષ્યની રણનીતિ
બાંગ્લાદેશના સામાન્ય નાગરિકો હવે તેમના અગાઉના સ્થિર શાસન અને વર્તમાન સરકારની બિનકાર્યક્ષમતા વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. શેખ હસીનાની આ વર્ષે પ્રસ્તાવિત વાપસીથી બાંગ્લાદેશમાં લોકશાહીના નવા સમીકરણો સર્જાઈ શકે છે . આ વાપસી આગામી સમયમાં દક્ષિણ એશિયાના ભૌગોલિક-રાજકીય વાતાવરણને કઈ દિશામાં લઈ જાય છે, તેના પર ભારત સહિત સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
આ પણ વાંચો : PM Modi Seychelles Visit: પીએમ મોદીના 'ગ્રીન વિઝન' ને વિશ્વનું સલામ, સેશેલ્સે સર્વોચ્ચ એવોર્ડ 'ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઈઝન' એનાયત