Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shubhanshu Shukla Axiom-4 Mission : લોન્ચિંગ સમયે શુભાંશુના માતા થયા ભાવુક, જુઓ આ ભાવનાત્મક ક્ષણ

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ 25 જૂન 2025ના રોજ એક્સિઓમ મિશન-4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે સફળ પ્રક્ષેપણ કરી રાકેશ શર્મા બાદ અવકાશમાં પગ મૂકનાર બીજા ભારતીય બનવાનો ગૌરવ હાંસલ કર્યો. ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા 3 ક્રૂ સભ્યો સાથે રવાના થયેલા શુભાંશુની આ સિદ્ધિએ દેશભરમાં ઉત્સાહની લહેર ફેલાવી છે, જ્યારે તેમના પરિવારે ભાવુક થઈને આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી.
shubhanshu shukla axiom 4 mission   લોન્ચિંગ સમયે શુભાંશુના માતા થયા ભાવુક  જુઓ આ ભાવનાત્મક ક્ષણ
Advertisement
  • રાકેશ શર્મા પછી હવે શુભાંશુ શુક્લા
  • લોન્ચિંગ સમયે શુભાંશુ શુક્લાના માતા થયા ભાવુક
  • ભીની આંખે પુત્રને સફળ થવાના આપ્યા આશિર્વાદ

Shubhanshu Shukla Axiom-4 Mission : આજે 25 જૂન 2025ના રોજ ભારતીય વાયુસેનાના કેપ્ટન શુભાંશુ શુક્લાએ એક્સિઓમ મિશન-4 (Axiom-4 Mission) હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા 3 ક્રૂ સભ્યો સાથે રવાના થઇ ગયા છે. જેની સાથે ભારતે અવકાશ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. રાકેશ શર્મા (Rakesh Sharma) બાદ શુભાંશુ અવકાશમાં પગ મૂકનાર બીજા ભારતીય બનવા જઈ રહ્યા છે, જેના કારણે દેશભરમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ છવાયો છે. આ ઐતિહાસિક ક્ષણે શુભાંશુના પરિવારજનો ભાવુક થયા હતા, અને તેમના માતા-પિતાએ ભીની આંખે પોતાના પુત્રની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો.

પરિવારને ગર્વ અને ભાવનાત્મક ક્ષણો

શુભાંશુની માતા આશા શુક્લા (Asha Shukla) એ ભાવુક થઈને આ ખાસ અને ગર્વનો અહેસાસ કરાવતી ક્ષણો દરમિયાન તાળીઓ પાડી પુત્રને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું, “શુભાંશુ આજે પણ અમારા માટે બાળક જેવો છે. ગઈકાલે તેની સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે તે અવકાશમાં જવા માટે ખૂબ ઉત્સાહિત છે અને બધું બરાબર છે.” તેમણે શુભાંશુની સફળતા માટે દેશવાસીઓની શુભેચ્છાઓનો આભાર માન્યો. શુભાંશુના પિતા શંભુ દયાલે ગર્વ સાથે જણાવ્યું, “આ ફક્ત અમારા પરિવારનું નહીં, પરંતુ લખનૌ, ઉત્તર પ્રદેશ અને આખા ભારત માટે ગૌરવની બાબત છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેનું મિશન સફળ રહે.”

Advertisement

Advertisement

શુભાંશુનો અવકાશમાંથી પહેલો સંદેશ

પ્રક્ષેપણ બાદ શુભાંશુએ અવકાશમાંથી પોતાનો પહેલો સંદેશ મોકલીને દેશવાસીઓના દિલ જીતી લીધા. તેમણે કહ્યું, “41 વર્ષ પછી ભારત ફરી અવકાશમાં પહોંચ્યું છે. આ એક અદ્ભુત સવારી હતી. હું 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરું છું, અને મારા ખભા પર ત્રિરંગો છે.” આ સંદેશે દેશભરમાં ઉત્સાહની લહેર ફેલાવી દીધી છે.

શુભાંશુની પૃષ્ઠભૂમિ

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) લખનૌના વતની છે. શુભાંશુ ભારતીય વાયુસેનાના અનુભવી ટેસ્ટ પાઇલોટ છે. તેમને સુખોઈ-30, મિગ-21, મિગ-29, જગુઆર, હોક અને અન્ય વિમાનોમાં 3000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે રશિયાના યુરી ગાગરીન કોસ્મોનોટ તાલીમ કેન્દ્રમાં તાલીમ લીધી છે. તેમની મહેનત અને સમર્પણથી તેઓ આ ઐતિહાસિક મિશનનો ભાગ બન્યા છે. રાકેશ શર્મા બાદ ભારત માટે આ બીજી મોટી સિદ્ધિ છે, જે દેશની અવકાશ સંશોધન ક્ષમતાને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. શુભાંશુની આ યાત્રા યુવાનો માટે પ્રેરણાદાયી છે, જે દર્શાવે છે કે સપનાં નિશ્ચય અને કઠોર પરિશ્રમથી સાકાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, શુભાંશુના સફળ પ્રક્ષેપણ સાથે દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની સિદ્ધિની પ્રશંસા કરી રહ્યા છે, અને લખનૌમાં તેમના ઘરે શુભેચ્છકોની ભીડ જોવા મળી.

આ પણ વાંચો :  Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ રચ્યો ઈતિહાસ

Tags :
Advertisement

.

×