30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ફ્લાઈટ FZ1073માં કોકપિટની અંદર બનેલી ગંભીર ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. UAEના એટર્ની જનરલે 3 ઓક્ટોબરે જણાવ્યું કે સહ-પાયલટે ભારતીય કેપ્ટન Smit Machchhar પર કોકપિટમાં રહેલી Crash Axe વડે હુમલો કર્યો અને વિમાનના નિયંત્રણો કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. UAE સત્તાવાળાઓએ આ ઘટનાને આતંકી કૃત્યનો પ્રયાસ ગણાવ્યો છે.
Smit Machchhar પર કોકપિટમાં હુમલો
ફ્લાઈટમાં કુલ 174 લોકો સવાર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હુમલા દરમિયાન પાયલટ અને સહ-પાયલટ વચ્ચે સંઘર્ષ થયો હતો. સ્થિતિ ગંભીર બન્યા બાદ મુસાફરો અને ક્રૂના સભ્યોએ હસ્તક્ષેપ કરીને સહ-પાયલટને કાબૂમાં લીધો હતો. ફ્લાઈટને ત્યારબાદ સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ થયું.
UAEની તપાસમાં મોટો ખુલાસો
UAEના એટર્ની જનરલ Hamad Saif Al Shamsiના જણાવ્યા અનુસાર તપાસમાં હુમલો અગાઉના આયોજન સાથે જોડાયેલો હતો કે નહીં, તેનો હેતુ શું હતો અને કોઈ અન્ય કડી હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે. ભૌતિક તેમજ ડિજિટલ પુરાવાનું ટેકનિકલ વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે. અંતિમ તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવશે.
સહ-પાયલટની ઓળખ અંગે તપાસ
અહેવાલો મુજબ સહ-પાયલટની ઓળખ ઓમાનના નાગરિક Hamam Al-Hammami તરીકે કરવામાં આવી છે. તેના અગાઉના કામકાજ અને ઓનલાઈન પ્રવૃત્તિઓને લઈને પણ તપાસ થઈ રહી છે. કેટલાક અહેવાલોમાં તેના અગાઉના ઉડ્ડયન રેકોર્ડ અને કથિત કટ્ટરપંથી વિચારો અંગે દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ દાવાઓને અંતિમ નિષ્કર્ષ તરીકે જોવામાં આવ્યા નથી.
પાયલટ અને ક્રૂની કામગીરીની પ્રશંસા
UAEની General Civil Aviation Authorityએ Captain Machchhar, ક્રૂ અને મુસાફરોની ઝડપી કાર્યવાહી બદલ પ્રશંસા કરી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે તેમની કામગીરીથી સ્થિતિ કાબૂમાં લેવામાં મદદ મળી. કેપ્ટન મચ્છર સુરક્ષિત રીતે UAE પરત ફર્યા છે અને સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો: Gold Silver Price : વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં 3.4 ટકાનો ઘટાડો, ભારતમાં ભાવમાં વધારો કે ઘટાડો?