Sudan's Landslide : સુદાનના ભયંકર ભૂસ્ખલનમાં આખું ગામ નાશ પામ્યું
- Sudan's Landslide,
- સુદાનમાં ભયંકર ભૂસ્ખલનમાં આખું ગામ નાશ પામ્યું
- મરા પર્વત ક્ષેત્રમાં એક આખું ગામ જ નાશ પામ્યું
- અંદાજિત 1000 લોકો એકસાથે મૃત્યુ પામ્યા
- માત્ર 1 જ વ્યક્તિનો થયો ચમત્કારીક બચાવ
Sudan's Landslide : પશ્ચિમ સુદાનના મરા પર્વત વિસ્તારમાં ભયંકર ભૂસ્ખલનથી આખું ગામ નાશ પામ્યું છે. આ કુદરતી કહેરમાં અંદાજિત 1000 લોકો મૃત્યુ પામ્યા છે. આખા ગામમાંથી માત્ર 1 વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. સુદાન મુક્તિ ચળવળોએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને મદદ માટે અપીલ કરી છે. આ ઘટના દેશમાં 2 વર્ષ લાંબા ગૃહયુદ્ધ અને દુષ્કાળના સંકટ વચ્ચે બની છે.
Sudan's Landslide બાદ રાહતકાર્યની અપીલ
સુદાન મુક્તિ ચળવળનું નેતૃત્વ કરનાર અબ્દુલ વાહિદ મોહમ્મદ નૂર (Abdul Wahid Mohammed Noor) એ જણાવ્યું કે, આ વિસ્તારમાં ઘણા દિવસો સુધી ભારે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ આ ભૂસ્ખલન થયું. આ કુદતરી આપદામાં આખુ ગામ જ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું છે. સંગઠને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓને મૃતદેહો મેળવવા અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. સંગઠને એમ પણ કહ્યું છે કે, માર્યા ગયેલાઓમાં મોટી સંખ્યામાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Punjab Floods: 1300 ગામો ડૂબી ગયા, 30 લોકો મૃત્યુ પામ્યા
છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે ગૃહયુદ્ધ
Sudan's Landslide ની ઘટના એવા સમયે થઈ છે કે સુદાન પહેલેથી જ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધે દેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. ઉત્તર દારફુર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ગૃહયુદ્ધથી બચવા માટે મરા પર્વતોમાં આશ્રય લેવા આવ્યા હતા. જોકે, અહીં ખાદ્ય પદાર્થો અને દવાઓની ભારે અછત છે. સુદાનમાં અડધાથી વધુ લોકો ભૂખમરાની ઝપેટમાં છે. સુદાનના નાગરિકો પર ગૃહયુદ્ધની ઊંડી અસર પડી છે. અડધાથી વધુ વસ્તી ભૂખમરાનો સામનો કરી રહી છે અને લાખો લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. ઉત્તર દારફુરની રાજધાની અલ-ફાશીર પણ સતત હુમલાનો ભોગ બની રહ્યું છે.