વિશ્વમાં વધુ એક યુદ્ધ : થાઈલેન્ડે કંબોડિયા પર Air Strike કરી, 1 સૈનિકનું મોત
- થાઈલેન્ડ-કંબોડિયા સરહદે 2 દિવસથી ભારે ફાયરિંગ અને અથડામણ (Thailand Cambodia War)
- 8 ડિસેમ્બરે થાઈ રોયલ એરફોર્સે કંબોડિયા પર એર સ્ટ્રાઇક કરી
- થાઈલેન્ડે સરહદ પર F-16 ફાઇટર જેટ તૈનાત કર્યા, સરહદી શહેરો ખાલી કરાયા
- હુમલામાં અત્યાર સુધીમાં એક થાઈ સૈનિકનું મૃત્યુ અને 4 ઘાયલ થયા
- પ્રાચીન મંદિર પ્રીત વિહાર પરના દાવાને કારણે વિવાદ ફરી વકર્યો
Thailand Cambodia War : વિશ્વમાં વધુ એક યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેમાં આ વખતે થાઈલેન્ડ અને કંબોડિયા આમને-સામને છે. બંને દેશો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ (Ceasefire) કરાવવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 45 દિવસની અંદર જ આ કરાર તૂટી ગયો છે. છેલ્લા બે દિવસથી બંને દેશોની સરહદ પર ગોળીબાર અને અથડામણો થઈ રહી છે. પરિણામે, થાઈલેન્ડે સરહદ પર F-16 ફાઇટર જેટ તૈનાત કર્યા છે અને સરહદ નજીકના શહેરોને ખાલી કરાવવાનું શરૂ કર્યું છે. 8 ડિસેમ્બરની સવારે થાઈલેન્ડની રોયલ એરફોર્સે કંબોડિયા પર એર સ્ટ્રાઇક (Air Strike) પણ કરી હતી.
કંબોડિયાના હુમલાથી તણાવ વધ્યો (Thailand Cambodia War)
થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઈના જણાવ્યા અનુસાર, કંબોડિયાએ જ એર સ્ટ્રાઇક કરવા માટે થાઈલેન્ડને ઉશ્કેર્યું હતું. 7 ડિસેમ્બર, રવિવારના રોજ, કંબોડિયાના સૈનિકોએ થાઈલેન્ડની સરહદ સાથે જોડાયેલા સી સા કેટ સ્ટેટના કંથારાલક જિલ્લાના ફૂ ફા લેક-પ્લાન હિન પટ્ટ કોન વિસ્તારમાં હુમલો કર્યો હતો. નિયમો અનુસાર, થાઈલેન્ડની સેનાએ આ હુમલાનો જવાબ આપ્યો હતો. 8 ડિસેમ્બર, સોમવારની સવારે ઉબોન રત્ચાથાની પ્રાંતના નામ યુએન જિલ્લાના ચોંગ આન મા વિસ્તારમાં પણ સરહદ પર અથડામણો થઈ હતી અને હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા.
કંબોડિયાએ સરહદ પર સેના તૈનાત કરી (Thailand Cambodia War)
રોયલ થાઈ એર ફોર્સ (RTAF)ના પ્રવક્તા એર માર્શલ જેક્રિટ થમ્માવિચાઈના મતે, કંબોડિયન સૈનિકોએ સવારે 5.05 વાગ્યે નાના હથિયારો અને ઇનડાયરેક્ટ-ફાયર હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં એક થાઈ સૈનિકનું મૃત્યુ થયું છે અને 4 ઘાયલ થયા છે. સુરનારી ટાસ્ક ફોર્સ સાથે મળીને થાઈલેન્ડે કંબોડિયા પર હવાઈ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, કંબોડિયાની સેનાએ સરહદ પર લડાયક સેના તૈનાત કરી દીધી છે અને લોજિસ્ટિક્સ સાથે હથિયારો પણ પહોંચાડી દીધા છે, જે યુદ્ધની મોટી તૈયારી ગણાય છે.
માત્ર 45 દિવસમાં સીઝફાયર સમજૂતી તૂટી
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદ વિવાદ ફરી તાજો થયો હતો, જેના કારણે બંને વચ્ચે 5 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે આ મામલે દરમિયાનગીરી કરી હતી અને બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. ઓક્ટોબર 2025માં કુઆલાલમ્પુર ખાતે બંને દેશોના પ્રતિનિધિઓને આમને-સામને બેસાડીને વાતચીત કરાવવામાં આવી હતી અને એક મોટો યુદ્ધવિરામ કરાર પણ થયો હતો. દુર્ભાગ્યે, આ કરાર 2 મહિના (45 દિવસ)ની અંદર જ તૂટી ગયો અને ફરીથી જંગ ફાટી નીકળી છે.
પ્રાચીન ખ્મેર મંદિરોને લઈને છે વિવાદ
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ મુખ્યત્વે સરહદ પર આવેલા પ્રાચીન ખ્મેર મંદિરો, જેમ કે પ્રીત વિહાર (Preah Vihear), પ્રાસાત તા મુએન થામ અને પ્રાસાત તા ક્રબે ને લઈને છે. 19મી-20મી સદીમાં બનાવેલા સંસ્થાનવાદી નકશાઓમાં આ મંદિરો કંબોડિયામાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ થાઈલેન્ડ તેમને પોતાનો ભાગ ગણાવીને હક જમાવી રહ્યું છે. જુલાઈ 2025માં આ વિવાદ વધુ વકર્યો હતો, જેના કારણે બંને દેશોએ એકબીજા સાથેના વેપાર, આયાત-નિકાસ, પર્યટન પર રોક લગાવી દીધી હતી અને એકબીજાના રાજદૂતોને પણ દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
આ પણ વાંચો : Sindhi Culture Day : પાકિસ્તાનમાં પોલીસની બર્બરતા! ભીડ પર ફાયરિંગ..!