ટિકટોક સ્ટાર Khaby Lame અમેરિકા છોડ્યું, જાણો શું છે કારણ
- ટિકટોક સ્ટાર ખાબી લેમે અમેરિકા છોડ્યું
- ટ્રમ્પની નીતિનો શિકાર બન્યા ખાબી લેમે?
- ટિકટોક કિંગ ખાબી લેમે ડિપોર્ટ થયા?
TikTok star Khaby Lame left America : દુનિયાના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટિકટોક સ્ટાર, ખાબી લેમે (Khaby Lame) ને વિઝા શરતોના ઉલ્લંઘનને કારણે અમેરિકા છોડવું પડ્યું છે. 6 જૂન, 2025ના રોજ લાસ વેગાસના હેરી રીડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યુ.એસ. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ICEના જણાવ્યા અનુસાર, ખાબીએ 30 એપ્રિલ, 2025ના રોજ અમેરિકામાં પ્રવેશ્યા બાદ તેમના વિઝાની મુદત કરતાં વધુ સમય સુધી રોકાણ કર્યું હતું. આ ઘટના બાદ તેમને સ્વૈચ્છિક રીતે દેશ છોડવાની મંજૂરી (વોલન્ટરી ડિપાર્ચર) આપવામાં આવી, અને તેમણે અમેરિકા છોડી દીધું. આ ઘટનાએ ખાબીના 16.2 કરોડથી વધુ ટિકટોક ફોલોઅર્સમાં હલચલ મચાવી દીધી છે.
અટકાયતનું કારણ
ખાબી લેમેનો જન્મ સેનેગલમાં થયો હકો અને તેઓ ઇટાલીના નાગરિક છે. તેમણે અમેરિકામાં વિઝા નિયમોનું પાલન ન કર્યું હોવાનું ICEએ જણાવ્યું હતું. તેમણે 30 એપ્રિલે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ વિઝામાં નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય રહ્યા. 6 જૂને લાસ વેગાસ એરપોર્ટ પર ICEએ તેમની અટકાયત કરી, પરંતુ ડિપોર્ટેશન ઓર્ડરને બદલે તેમને સ્વૈચ્છિક રીતે દેશ છોડવાની તક આપવામાં આવી. આ ઘટના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિઓના ભાગરૂપે બની, જેના કારણે લોસ એન્જલસ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે.
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિની અસર
ખાબી લેમે (Khaby Lame) ની અટકાયત અને દેશ છોડવાની ઘટના ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓનું પરિણામ છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન નિયમોનું સખત અમલીકરણ થઈ રહ્યું છે, જેના ભાગરૂપે ICE દ્વારા અનેક લોકોની અટકાયત અને ડિપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે. આ નીતિઓએ ખાબી જેવા જાણીતા વ્યક્તિઓને પણ અસર કરી, જે દર્શાવે છે કે સેલિબ્રિટી સ્ટેટસની પણ કોઈ રાહત નથી. આ નીતિઓએ લોસ એન્જલસ, ન્યૂયોર્ક અને ડલ્લાસ જેવા શહેરોમાં વિરોધ પ્રદર્શનોને વેગ આપ્યો છે.
ખાબી લેમે કોણ છે?
ખાબી લેમે, 25 વર્ષનો સેનેગલ-ઇટાલિયન સોશિયલ મીડિયા સ્ટાર, જેના ટિકટોક પર 16.2 કરોડ ફોલોઅર્સ સાથે વિશ્વનો સૌથી લોકપ્રિય ઇન્ફ્લુઅન્સર છે. તેમનો જન્મ 9 માર્ચ, 2000ના રોજ સેનેગલમાં થયો હતો, અને એક વર્ષની ઉંમરે તેમનો પરિવારે ઇટાલીના ચિવાસો શહેરમાં સ્થળાંતર કર્યું. 2022માં તેમને ઇટાલિયન નાગરિકતા મળી. ખાબી તેમના શબ્દહીન, રમુજી વીડિયો માટે જાણીતા છે, જેમાં તેઓ ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજ દ્વારા જટિલ લાઈફ હેક્સનું સરળ ઉકેલ રજૂ કરે છે. આ વીડિયોએ તેમને વૈશ્વિક ખ્યાતિ અપાવી, અને તેઓ ફોર્બ્સ 30 અંડર 30 અને ફોર્ચ્યૂન 40 અંડર 40માં સ્થાન મેળવ્યું હતું.
કોરોના મહામારીમાંથી ઉભરેલી તક
ખાબી લેમે (Khaby Lame) ની સફળતાની કહાણી પ્રેરણાદાયી છે. 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન, તેમણે ઇટાલીના ચિવાસોમાં ફેક્ટરી વર્કર તરીકેની નોકરી ગુમાવી. આ મુશ્કેલ સમયમાં, તેમણે ટિકટોક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમના શબ્દહીન, હાસ્યજનક વીડિયો, જેમાં તેઓ અતિ જટિલ લાઈફ હેક્સને સરળ રીતે રજૂ કરતા, ઝડપથી વાયરલ થયા. 2022માં, તેમણે ચાર્લી ડી’એમેલિયોને પાછળ રાખી ટિકટોકના સૌથી વધુ ફોલોડ યૂઝર બનવાનું ગૌરવ મેળવ્યું. ખાબીએ હ્યુગો બોસ, ફોર્ટનાઈટ, અને વોલમાર્ટ જેવી બ્રાન્ડ્સ સાથે કરોડોના સોદા કર્યા અને 2024માં બેડ બોયઝ: રાઈડ ઓર ડાઈ ફિલ્મમાં અભિનય પણ કર્યો.
સોશિયલ મીડિયા પર હોબાળો
ખાબીની અટકાયતના સમાચાર સૌપ્રથમ રૂઢિચુસ્ત ઇન્ફ્લુઅન્સર બો લાઉડન દ્વારા X પર શેર કરવામાં આવ્યા, જેમણે દાવો કર્યો કે તેમણે જ ખાબીની ગેરકાયદે સ્થિતિની જાણ ICEને કરી. આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ચર્ચાનો દોર શરૂ કર્યો, જોકે ખાબીનું નામ ICEના ડેટાબેઝમાં ન હોવાથી શંકાઓ પણ ઉભી થઈ. ICEએ પાછળથી પુષ્ટિ કરી કે ખાબીને અટકાયતમાં લેવાયો હતો, પરંતુ તેમને ડિપોર્ટ કરવાને બદલે સ્વૈચ્છિક રીતે દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી. ખાબીએ આ ઘટના અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેમણે બ્રાઝિલના સાઓ પાઉલોમાંથી એક ફોટો શેર કર્યો, જે દર્શાવે છે કે તેઓ હવે આ મામલાને સાઇડમાં મુકી આગળ વધી ચૂક્યા છે.
આ પણ વાંચો : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન, જમીન પર પછાડી હાથકડી પહેરાવી અને પછી..!