Trump ને મળ્યું નવું નામ 'TACO', જાણો કોણે આપ્યું આ નામ અને શું છે તેનો અર્થ ?
- ટ્રમ્પને મીડિયાએ એક નવું નામ આપ્યું TACO
- આ નામ તેમને ટેરિફ વોર વચ્ચે આપવામાં આવ્યું
- ટ્રમ્પે 'TACO' શબ્દ પર પ્રતિક્રિયા આપી
Trump TACO: ડોનાલ્ડ ટ્રમ્પને તાજેતરમાં જ એક નવા ટ્રેડિંગ ટર્મ TACO થી નવાજવામાં આવ્યા છે, જેનો અર્થ થાય છે Trump Always Chickens Out એટલે કે, ટ્રમ્પ હંમેશા છેલ્લે પીછેહઠ કરી દે છે. આ શબ્દ વોલ સ્ટ્રીટ પર ત્યારે પ્રચલિત થયો જ્યારે ટ્રમ્પના વારંવાર બદલાતા ટેરિફ નિર્ણયોએ રોકાણકારોમાં મૂંઝવણ ઊભી કરી હતી. પરંતુ હવે વેપારીઓ અને રોકાણકારો એવું માનવા લાગ્યા છે કે ટ્રમ્પ ગમે તેટલા કઠિન પગલાંની ધમકી આપે, આખરે તેઓ તેનાથી પીછેહઠ કરી દેશે.
કેમ આપવામાં આવ્યુ આ નામ?
આ શબ્દનો ઉદ્દભવ ત્યારે થયો જ્યારે ટ્રમ્પે ચીન અને યુરોપિયન યુનિયન (EU) પર ટેરિફની ધમકી આપી હતી, પરંતુ બાદમાં તેઓ પોતાના નિવેદનોથી પાછળ હટી ગયા હતા. ઉદાહરણ તરીકે સમજીએ તો, ટ્રમ્પે સૌપ્રથમ ચીનમાંથી આયાત થતા માલ પર 145% ટેરિફની જાહેરાત કરી હતી, જે બાદમાં ઘટાડીને 100% અને પછી 30% કરવામાં આવી હતી. એ જ રીતે, તેમણે 1 જૂનથી EU ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની વાત કરી, જેના કારણે શેરબજારમાં કડાકો થયો. પરંતુ બે દિવસ પછી, ટ્રમ્પે યુ-ટર્ન લીધો અને જાહેરાત કરી કે તેઓ 9 જુલાઈ સુધી રાહ જોશે કારણ કે EU સાથે વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.
જ્યારે એક પત્રકારે ટ્રમ્પને 'TACO' શબ્દ પર પ્રતિક્રિયા આપવા કહ્યું, ત્યારે તેમણે કહ્યું, "હું પાછો હટી જવ છું? ઓહ, મેં ક્યારેય સાંભળ્યું નથી. તમે કહી રહ્યા છો કે મને આ નામ એટલા માટે મળ્યું કારણ કે મેં ટેરિફ ઘટાડ્યા?" ટ્રમ્પે તેને વ્યૂહાત્મક વાટાઘાટો ગણાવી અને કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય કરારોમાં તેમની માંગણીઓ સ્વીકારવા માટે દબાણની યુક્તિઓ અપનાવે છે.
આ પણ વાંચો : ટીકાકારોને શશિ થરૂરનો જવાબ, 'મારી પાસે આવી બાબતો માટે સમય નથી'
ટ્રમ્પ વારંવાર આવુ કરે છે
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આવું કર્યું હોય. 2 એપ્રિલે તેમણે ડઝનબંધ દેશો પર મોટા પાયે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે 9 એપ્રિલથી અમલમાં આવવાની હતી. પરંતુ તે અમલમાં આવ્યાના થોડા કલાકો પછી, તેમણે ચીન સિવાયના તમામ દેશોને 90 દિવસનો સમય આપ્યો. આનું કારણ શેરબજારમાં ઘટાડો હોવાનું જણાવવામાં આવ્યું, જોકે 90 દિવસના સમયની જાહેરાત પછી, S&P 500 ઇન્ડેક્સમાં 2008 પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.
આ સમગ્ર ઘટનાએ વોલ સ્ટ્રીટ પર એક નવી સમજણ ઉભી કરી કે ટ્રમ્પની ધમકીઓ પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપવાને બદલે, રાહ જુઓ કારણ કે સંભાવના છે કે તે આખરે પીછેહઠ કરી જશે. આ વિચાર આજે 'TACO' ને વોલ સ્ટ્રીટની નવી વ્યૂહરચના બનાવી રહ્યો છે.
આ પણ વાંચો : America ની ટ્રેડ કોર્ટે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, ટેરિફ પ્લાન પર લગાવી રોક