Iran US Tension : અમેરિકાની મોટી કાર્યવાહી, અનેક ઈરાની નાગરિકો માટે ગ્રીન કાર્ડ અને વિઝા રદ
- Iran US Tension : કાસેમ સુલેમાનીના સંબંધીઓ સહિત 4 ઈરાનીઓના ગ્રીન કાર્ડ રદ.
- અમેરિકામાં ધરપકડનો દોર: ઈરાની જનરલના પરિવારજનોને ICE દ્વારા કસ્ટડીમાં લેવાયા
- ઈરાનના પૂર્વ સુરક્ષા સલાહકારની પુત્રી અને જમાઈના યુએસ વિઝા રદ.
- અમેરિકાની ધરપકડ હેઠળના નાગરિકો સોશિયલ મીડિયા પર ઈરાની સંગઠન IRGC ને આપતા હતા સમર્થન.
- અમેરિકા વિરોધી પ્રવૃત્તિ કરનારા ઈરાની નાગરિકો માટે હવે યુએસના દ્વાર બંધ.
Iran US Tension : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump)નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રે ઈરાન સામે વધુ એક કડક વલણ અપનાવ્યું છે. યુએસ સરકારે ઈરાનની વર્તમાન અથવા ભૂતપૂર્વ સરકાર સાથે કનેક્શન ધરાવતા ઓછામાં ઓછા ચાર ઈરાની નાગરિકોના ગ્રીન કાર્ડ (Green Card) અને વિઝા (US Visa) તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. આ કાર્યવાહી અંતર્ગત બે વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમને ટૂંક સમયમાં દેશનિકાલ (Deportation) કરવામાં આવશે.
Iran US Tension : કાસેમ સુલેમાનીના સંબંધી સામે કાર્યવાહી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના (US State Department) જણાવ્યા અનુસાર, ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પૂર્વ વડા જનરલ કાસેમ સુલેમાનીના (General Qasem Soleimani) એક સંબંધી અને તેમની પુત્રી હાલ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ની કસ્ટડીમાં છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020 માં બગદાદ એરપોર્ટ પર અમેરિકી ડ્રોન હુમલામાં કાસેમ સુલેમાનીનું મોત નીપજ્યું હતું. હવે તેમના સંબંધી હમીદા સુલેમાની અફશર અને તેમની પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અફશર સોશિયલ મીડિયા પર ઈરાનના આતંકવાદી શાસન અને IRGCને ખુલ્લું સમર્થન આપતી હતી.
માર્કો રુબિયોના આદેશથી વિઝા રદ
અમેરિકાના વિદેશ મંત્રી (Secretary of State) માર્કો રુબિયોએ તાજેતરમાં જ ઈરાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અલી લારીજાનીની પુત્રી ફાતિમા આર્દેશિર-લારીજાની અને તેના પતિ સૈયદ કલાન્તર મોતામદીના વિઝા પણ રદ કર્યા છે. ફાતિમાના પિતા અલી લારીજાની ગયા મહિને યુએસ-ઈઝરાયેલના (US-Israeli Air Strike) હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. અહેવાલો મુજબ, આ દંપતી હવે અમેરિકામાં નથી.
શા માટે લેવાયો આ નિર્ણય?
યુએસ પ્રશાસનનું માનવું છે કે જે વ્યક્તિઓ અમેરિકાની ધરતી પર રહીને અમેરિકા વિરોધી અને ઈરાનના લશ્કરી સંગઠન IRGC ના સમર્થનમાં પ્રવૃત્તિઓ કરે છે, તેમને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અફશર દ્વારા સોશિયલ મીડિયા પર કરાયેલી ટીકાત્મક ટિપ્પણીઓ અને કટ્ટરવાદી શાસન પ્રત્યેના પ્રેમને કારણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન સાથે સંકળાયેલા હિત ધરાવતા લોકો પ્રત્યે જરા પણ નરમ વલણ રાખવાના મૂડમાં નથી.


