ભારત-પાક. યુદ્ધવિરામ મુદ્દે ટ્રમ્પના દાવાને કેનેડાનું સમર્થન! PM કાર્નીએ ટ્રમ્પને 'વર્લ્ડ લીડર' ગણાવ્યા
- US પ્રવાસ દરમિયાન કેનેડાના PMની ચાપલૂસી (Trump India Pakistan Ceasefire)
- ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય ટ્રમ્પને આપ્યો
- ટ્રમ્પના ખોટા દાવાઓને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ
- PM કાર્નીએ ટ્રમ્પને પરિવર્તનકારી રાષ્ટ્રપતિ ગણાવ્યા
- સીઝફાયર અંગે ટ્રમ્પનો દાવો ભારત નકારી ચૂક્યું છે
Trump India Pakistan Ceasefire : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ (Ceasefire)માં તેમની ભૂમિકા અંગે કરેલા દાવાને કેનેડા તરફથી સમર્થન મળ્યું છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ વર્ષે મે મહિનામાં થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન કાર્નીએ ભારત અને પાકિસ્તાનમાં 'શાંતિ' લાવવાના ટ્રમ્પના દાવાને ટેકો આપ્યો અને તેમની પ્રશંસા કરીને ટ્રમ્પને વિશ્વમાં 'પરિવર્તન લાવનારા રાષ્ટ્રપતિ' તરીકે ઓળખાવ્યા. આ સમર્થન મળ્યા બાદ ટ્રમ્પે પણ ફરી એકવાર ભારત-પાક. યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો.
ટ્રમ્પનો સતત દાવો અને ભારતનો અસ્વીકાર (Trump India Pakistan Ceasefire)
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી આ વર્ષે 7 થી 10 મે દરમિયાન થયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવવાનો શ્રેય વારંવાર લેવામાં આવ્યો છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં લગભગ 50 વખત એવો દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાનને વેપાર (Tariff)ની ધમકી આપીને યુદ્ધ રોકવા માટે દબાણ કર્યું હતું. જોકે, ભારતે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારતનું કહેવું છે કે યુદ્ધવિરામમાં કોઈપણ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી, અને તે માત્ર બંને દેશો વચ્ચેની સીધી વાતચીતનું પરિણામ હતું.
કાર્નીએ ટ્રમ્પની વૈશ્વિક ભૂમિકા વખાણી (Trump India Pakistan Ceasefire)
ઓવલ ઑફિસમાં ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન, પીએમ કાર્નીએ ટ્રમ્પની નીતિઓની પ્રશંસા કરી: "તમે પરિવર્તન લાવનારા રાષ્ટ્રપતિ છો. અર્થતંત્રમાં પરિવર્તન, નાટો દેશોના સંરક્ષણ ખર્ચની પ્રતિબદ્ધતા, ભારત-પાકિસ્તાન, અઝરબૈજાન-આર્મેનિયા સુધી શાંતિ તરફના પ્રયાસો, અને ઈરાનને નબળું પાડવું – આ બધું તમારા નેતૃત્વમાં શક્ય બન્યું છે." માર્ક કાર્ની આ વર્ષે એપ્રિલમાં કેનેડાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. તેમણે આ પહેલા મે મહિનામાં પણ વોશિંગ્ટનની મુલાકાત લીધી હતી, જ્યારે કેનેડા-અમેરિકાના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો, ખાસ કરીને ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની ધમકી આપી હતી.
ટ્રમ્પનો 'ટેરિફ' દ્વારા યુદ્ધ રોકવાનો દાવો
આ બેઠક પહેલા સોમવારે, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન સહિત અન્ય વૈશ્વિક સંઘર્ષોને રોકવા માટે 'ટેરિફની શક્તિ' નો ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, "જો મારી પાસે ટેરિફ લગાવવાની શક્તિ ન હોત, તો સાતમાંથી ઓછામાં ઓછા ચાર યુદ્ધો ચાલુ હોત. ભારત અને પાકિસ્તાનના કિસ્સામાં, મેં જે કહ્યું તે ખૂબ જ અસરકારક હતું." નવી દિલ્હીના મતે, યુદ્ધવિરામ પરની સંમતિ ભારત અને પાકિસ્તાનના મિલિટરી ઓપરેશન્સના મહાનિર્દેશકો (DGMOs) વચ્ચે સ્થાપિત લશ્કરી સંચાર ચેનલો દ્વારા થઈ હતી અને તેમાં અમેરિકાનો કોઈ સમાવેશ નહોતો.
આ પણ વાંચો : કેનેડા બનશે અમેરિકાનું 51મું રાજ્ય? ટ્રમ્પ અને PM માર્ક કાર્ની વચ્ચે થઈ મુલાકાત