US Iran Oil Sanctions : ઓમાનમાં બેઠક પુરી થતા જ અમેરિકાએ ઇરાન પર લાદ્યા નવા તેલ સહિતના અનેક પ્રતિબંધ
- ઓમાનમાં પરમાણુ વાટાઘાટો પૂર્ણ થયા બાદ લેવાયો કડક નિર્ણય (US Iran Oil Sanctions )
- ઈરાની તેલ વહન કરતા ૧૪ જહાજો પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ
- ભારત, તુર્કી અને UAE ના ધ્વજ ધરાવતા જહાજો પર લેવાયા પગલાં
- 15 કંપનીઓ અને 2 વ્યક્તિઓના આર્થિક વ્યવહારો ગેરકાયદે જાહેર
- રાષ્ટ્રપતિ ટ્રમ્પની 'મેક્સિમમ પ્રેશર' નીતિથી ઈરાનનું અર્થતંત્ર સંકટમાં
ઓમાનની (Oman) રાજધાની મસ્કતમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ ( Nuclear Program) અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ વાટાઘાટો પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વોશિંગ્ટને તેહરાન સામે કડક આર્થિક પગલાં ભર્યા છે. અમેરિકાએ ઈરાન પર નવા તેલ પ્રતિબંધો (Oil Sanctions) લાદવાની જાહેરાત કરી છે, જેનાથી ઈરાની શાસન ચોંકી ઉઠ્યું છે.
US Iran Oil Sanctions : નવા આર્થિક પ્રતિબંધો
અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US State Department) જણાવ્યું કે ઈરાન તેલની આવકનો ઉપયોગ વૈશ્વિક અસ્થિરતા ફેલાવવા અને પોતાના દેશમાં દમન વધારવા માટે કરે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે (Tommy Pigott) સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનના ગેરકાયદે તેલ નિકાસને રોકવા માટે 'મેક્સિમમ પ્રેશર' (Maximum Pressure Policy) ની નીતિ પર અડગ છે. આ પ્રતિબંધો હેઠળ ઈરાની તેલ વહન કરતા 14 જહાજોને નિશાન બનાવાયા છે, જેમાં તુર્કી, ભારત અને સંયુક્ત આરબ અમીરાતના [UAE] ધ્વજ ધરાવતા જહાજોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 15 કંપનીઓ અને બે વ્યક્તિઓ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
🚨 JUST IN: The United States has imposed new oil sanctions on Iran moments after recent talks concluded, targeting companies and vessels linked to Iranian petroleum exports. 🇺🇸🛢️🇮🇷 pic.twitter.com/Nzmjn3H6PL
— IranDefenceForce (@IranDefenceForc) February 6, 2026
ટ્રમ્પની નીતિ અને વાટાઘાટોમાં વિરોધાભાસ
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળથી જ અમેરિકાની વ્યૂહરચના વિશ્વના દેશોને ઈરાન પાસેથી તેલ ખરીદતા અટકાવવાની રહી છે. નવાઈની વાત એ છે કે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ (Abbas Araghchi) ઓમાનમાં થયેલી ચર્ચાઓને સકારાત્મક ગણાવી હતી, પરંતુ અમેરિકાએ તે જ સમયે આર્થિક ફટકો મારીને સંકેત આપ્યો છે કે તે પોતાની દબાણ નીતિ હળવી કરવા માંગતું નથી.
પ્રાદેશિક તણાવ અને સૈન્ય હાજરી
ઓમાનની મધ્યસ્થીથી થયેલી આ વાટાઘાટો એવા સમયે થઈ છે જ્યારે ઈરાન આંતરિક રીતે જન વિરોધનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાની દરિયાકાંઠે પોતાની સૈન્ય હાજરીમાં વધારો કર્યો છે. વિશ્લેષકોના મતે, ટ્રમ્પ પ્રશાસન એક તરફ રાજદ્વારી દરવાજા ખુલ્લા રાખી રહ્યું છે, તો બીજી તરફ આર્થિક અને સૈન્ય દબાણ દ્વારા ઈરાનને ઘૂંટણિયે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: Trump Immigration Policy: અમેરિકાની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં 89 ભારતીયોના નામ


