ડિજિટલ ટેક્સને લઈને ટ્રમ્પનું કડક વલણ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, યુરોપના અનેક દેશો અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કેટલાક દેશો તો આ નીતિ અમલમાં મૂકવાની ખૂબ નજીક છે. ટ્રમ્પે કહ્યું કે જો કોઈ દેશ આવો ટેક્સ લાગુ કરશે તો અમેરિકા તરત જ તે દેશમાંથી આવતા તમામ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાદશે. તેમના મતે અમેરિકન કંપનીઓ પર વધારાનો કર લાદવો એ અમેરિકાના વેપાર હિતો સામેનું પગલું છે અને તેનો કડક જવાબ આપવામાં આવશે.
વેપાર કરાર થયા પછી પણ લાગુ થઈ શકે છે ટેરિફ
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે જો અમેરિકા સાથે કોઈ દેશનો વેપાર કરાર (Trade Agreement) થઈ ચૂક્યો હોય અથવા તેના પર હસ્તાક્ષર થયા હોય, તો પણ ડિજિટલ ટેક્સ લાગુ કરવામાં આવશે તો તે કરારને અસર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન (European Union - EU) વચ્ચે થયેલા વેપાર કરારનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા કરાર મુજબ યુરોપિયન માલ પર અમેરિકન ટેરિફ 15 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો. તેના બદલામાં યુરોપિયન દેશોએ અમેરિકન ટેક્નોલોજી ઉત્પાદનો પર લાગતો ટેરિફ ઘટાડીને શૂન્ય કર્યો હતો. હવે ટ્રમ્પના નવા નિવેદનથી આ સમજૂતી પર પણ પ્રશ્નો ઊભા થયા છે.
યુરોપિયન દેશોને આપી હતી સમયમર્યાદા
સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર ટ્રમ્પે યુરોપિયન દેશોને 4 જુલાઈ સુધી અમેરિકન માલ પરના ટેરિફમાં જરૂરી ફેરફાર કરવા માટે સમય આપ્યો હતો. તેમણે યુરોપમાંથી આયાત થતા ઉત્પાદનો પર ફરી 25 ટકા ટેરિફ લાગુ કરવાની પણ ચેતવણી આપી હતી. આ પછી યુરોપિયન યુનિયનના નેતાઓએ સમયમર્યાદા પહેલાં જરૂરી ફેરફારો કરવા માટે કામગીરી શરૂ કરી છે.
ફ્રાન્સે ટ્રમ્પના દબાણને નકારી કાઢ્યું
ફ્રાન્સ (France)ના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં (Emmanuel Macron)એ સ્પષ્ટ કર્યું છે કે તેમનો દેશ અમેરિકાના દબાણમાં આવીને ડિજિટલ સર્વિસ ટેક્સ હટાવશે નહીં. તેમણે જણાવ્યું કે આ ટેક્સ મુખ્યત્વે ઓનલાઈન માર્કેટપ્લેસ (Online Marketplace), ડિજિટલ જાહેરાતો (Digital Advertising) અને અન્ય ડિજિટલ સેવાઓમાંથી થતી આવક પર વસૂલવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જો ફ્રાન્સ પોતાનો ડિજિટલ ટેક્સ પાછો નહીં ખેંચે તો અમેરિકા ફ્રાન્સમાંથી આયાત થતી વાઇન (French Wine) સહિતના ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લગાવી શકે છે.
ફ્રાન્સમાં કેવી રીતે લાગુ પડે છે ડિજિટલ ટેક્સ?
ફ્રાન્સે વર્ષ 2019થી ડિજિટલ સર્વિસ ટેક્સ અમલમાં મૂક્યો છે. હાલમાં જે કંપનીઓની ફ્રાન્સમાં વાર્ષિક આવક 25 મિલિયન યુરો (25 Million Euro)થી વધુ છે અને વૈશ્વિક આવક 750 મિલિયન યુરો (750 Million Euro)થી વધુ છે, તેમની ડિજિટલ સેવાઓમાંથી થતી આવક પર 3 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. ગયા વર્ષે ફ્રાન્સના કેટલાક સાંસદોએ આ ટેક્સને વધારીને 6 ટકા કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો અમેરિકાની અનેક મોટી ટેક્નોલોજી કંપનીઓ પર તેની સીધી અસર પડી શકે છે.
વૈશ્વિક વેપાર પર પડી શકે છે અસર
વેપાર નિષ્ણાતોનું માનવું છે કે, જો અમેરિકા અને યુરોપ વચ્ચે ટેરિફ યુદ્ધ વધુ ગંભીર બનશે તો તેની અસર માત્ર બંને પક્ષો સુધી મર્યાદિત નહીં રહે. વૈશ્વિક સપ્લાય ચેઇન (Global Supply Chain), ટેક્નોલોજી ઉદ્યોગ, ઓટોમોબાઈલ, કૃષિ અને અન્ય અનેક ક્ષેત્રો પર પણ તેની અસર જોવા મળી શકે છે. સાથે જ ગ્રાહકો માટે અનેક આયાતી વસ્તુઓના ભાવમાં વધારો થવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો : Joe Biden Viral Video : "કેવો લૂઝર છે..." કહીને ટ્રમ્પ પર વરસ્યા બાઇડન, પછી સ્ટેજ પર જ ગોથું ખાઈ ગયા પૂર્વ રાષ્ટ્રપતિ