યુએન મહાસભામાં ટ્રમ્પનો હુંકાર: ભારત-ચીન પર યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ
- UNGAમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કર્યો હુંકાર (Donald Trump UNGA Speech)
- ભારત-ચીન પર યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ
- ટ્રમ્પે અમેરિકાની વૈશ્વિક ભૂમિકા અને શક્તિ પર ભાર મૂક્યો
Donald Trump UNGA Speech : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વૈશ્વિક ભૂમિકા અને શક્તિ પર ભાર મૂક્યો. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સાત "અનંત યુદ્ધો" નો અંત લાવ્યો, જેમાં ભારત-પાકિસ્તાન અને ઇઝરાયેલ-ઈરાન વચ્ચેનો 12-દિવસનો સંઘર્ષ પણ સામેલ હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું, "કાશ આ કામ સંયુક્ત રાષ્ટ્રએ કર્યું હોત, પણ મારે તે કરવું પડ્યું."
રશિયા-યુક્રેન યુદ્ધ અંગે બોલતા ટ્રમ્પે ભારત અને ચીન પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, "ચીન અને ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર છે અને આ રીતે તેઓ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના મુખ્ય ફાઇનાન્સર છે."
ટ્રમ્પે નાટો દેશોની પણ ટીકા કરી કે તેઓ રશિયન ઊર્જા પર પ્રતિબંધ મૂકવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે, "આ શરમજનક છે કે તેઓ પોતાની જ વિરુદ્ધ યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે." તેમણે ચેતવણી આપી કે જો યુદ્ધનો અંત લાવવા કોઈ સમાધાન ન થાય તો અમેરિકા રશિયા પર અનેક ટેરિફ લગાવવા તૈયાર છે, પરંતુ તેના માટે યુરોપિયન દેશોનો સહકાર જરૂરી છે.
UNની કાર્યપદ્ધતિ પર સવાલ (Donald Trump UNGA Speech)
ટ્રમ્પે યુનાઈટેડ નેશન્સના ઉદ્દેશ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે આ સંસ્થા પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ નથી કરી રહી. તેમણે કહ્યું, "મોટાભાગના કિસ્સાઓમાં, તેઓ માત્ર કડક શબ્દોમાં પત્ર લખે છે અને તેનું પાલન થતું નથી. માત્ર શબ્દોથી યુદ્ધો રોકી શકાતા નથી."
ક્લાઈમેટ ચેન્જને ગણાવ્યો "સૌથી મોટો છેતરપિંડી" (Donald Trump UNGA Speech)
ક્લાઈમેટ ચેન્જ અને ગ્રીન એનર્જી પર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને પુનરાવર્તિત કરતા ટ્રમ્પે કહ્યું, "મારા મતે, આ ક્લાઈમેટ ચેન્જ એ દુનિયા સાથે થયેલી સૌથી મોટી છેતરપિંડી છે." તેમણે પુનઃપ્રાપ્ય ઊર્જાને "જોકર" ગણાવી અને તેની ઉપયોગિતા પર સવાલ ઉઠાવ્યા. તેમણે ચેતવણી આપી કે જો દેશો આ "ગ્રીન એનર્જી કૌભાંડ" થી દૂર નહીં રહે તો તે નિષ્ફળ જશે.
અન્ય મહત્વના મુદ્દાઓ
- પેલેસ્ટાઇન: ટ્રમ્પે પેલેસ્ટાઇનને એકપક્ષીય રીતે માન્યતા આપવાના પ્રયાસોની ટીકા કરી, અને કહ્યું કે આ હમાસ જેવા આતંકવાદીઓને તેમના અત્યાચારો માટે મોટું ઇનામ આપવા સમાન છે.
- ગેરકાયદેસર ઇમિગ્રેશન: તેમણે યુરોપ પર ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાં આવવા દેવા બદલ નિશાન સાધ્યું અને કહ્યું કે તેના કારણે યુરોપ "ગંભીર સંકટ" માં છે અને "તમારા દેશો નરકમાં જઈ રહ્યા છે."
- અમેરિકાની સિદ્ધિઓ: ટ્રમ્પે અમેરિકાની આર્થિક સિદ્ધિઓ, સરહદોની સુરક્ષા, સૈન્ય તાકાત અને રાષ્ટ્રીય ભાવનાની પ્રશંસા કરી, અને તેને "અમેરિકાનો સુવર્ણ યુગ" ગણાવ્યો.
- UN ભવન: તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેમના વ્યવસાયિક જીવનમાં તેમણે UN પરિસરના નવીનીકરણ માટે બોલી લગાવી હતી, પરંતુ તે સમયે વધુ મોંઘો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સ્વદેશી બ્રાઉઝર Zoho શું છે? જેનો I&T મંત્રી અશ્વિની વૈષ્ણવે શરૂ કર્યો ઉપયોગ