Trump vs Gustavo Petro : 'દમ હોય તો પકડી બતાવો', આ દેશના રાષ્ટ્રપતિએ ફેંક્યો ટ્રમ્પને પડકાર!"
- કોલંબિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- 'આવો મને પકડો' (Trump vs Gustavo Petro )
- વેનેઝુએલામાં અમેરિકી ઓપરેશન બાદ તણાવ વધ્યો
- માતૃભૂમિ માટે ફરી હથિયાર ઉઠાવવાની આપી ધમકી
- ટ્રમ્પે પેટ્રોને ડ્રગ્સ વેચનાર 'બીમાર માણસ' ગણાવ્યા
- કોલંબિયામાં સૈન્ય કાર્યવાહીના ટ્રમ્પના સંકેતથી ખળભળાટ
Trump vs Gustavo Petro : દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલા પર અમેરિકાના તાજેતરના લશ્કરી ઓપરેશન બાદ હવે પડોશી દેશ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોરચો ખોલ્યો છે. પેટ્રોએ ટ્રમ્પને ખુલ્લેઆમ પડકાર ફેંકતા કહ્યું છે કે, "આવો અને મને પકડી બતાવો, હું અહીં જ તમારી રાહ જોઈ રહ્યો છું." વેનેઝુએલામાં થયેલી અમેરિકી કાર્યવાહીની સખત ટીકા કરતા પેટ્રોએ આ નિવેદન આપ્યું છે.
ગેરિલા વોરની ધમકી
1990ના દાયકામાં હથિયાર છોડનાર પૂર્વ વામપંથી ગેરિલા લડવૈયા રહી ચૂકેલા ગુસ્તાવો પેટ્રોએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા બોમ્બમારો કરશે, તો કોલંબિયાના ગામડાઓમાંથી હજારો ગેરિલા લડવૈયાઓ પેદા થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેં ક્યારેય ફરીથી હથિયાર ન ઉપાડવાની કસમ ખાધી હતી, પરંતુ જો મારી માતૃભૂમિ કે જનતા પર આંચ આવશે તો હું ફરીથી મેદાનમાં ઉતરીશ.
Trump vs Gustavo Petro : ડોનાલ્ડ ટ્રમ્પનો ગંભીર આરોપ
અમેરિકા અને કોલંબિયા વચ્ચે તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્તાવો પેટ્રોને 'બીમાર માણસ' ગણાવ્યો. ટ્રમ્પે પત્રકારો સામે આક્ષેપ કર્યો હતો કે, કોલંબિયામાં અત્યારે એવો શાસક છે જેને કોકેઈન બનાવવું અને તેને અમેરિકામાં વેચવું ગમે છે. ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યા હતા કે તેઓ કોલંબિયા વિરુદ્ધ પણ વેનેઝુએલા જેવું જ સૈન્ય અભિયાન શરૂ કરવાનું વિચારી શકે છે.
Trump vs Gustavo Petro : ડ્રગ્સના વેપારને લઈને પ્રતિબંધો અને જુનો વિવાદ
નોંધનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં ટ્રમ્પે ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સાથે સંબંધ હોવાના આરોપમાં પેટ્રો અને તેમના પરિવાર પર આકરા પ્રતિબંધો લાદ્યા હતા. કોલંબિયા વિશ્વમાં કોકેઈનનું સૌથી મોટું ઉત્પાદક છે. અગાઉ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોએ પણ ટ્રમ્પને આવી જ રીતે 'કાયર' કહીને પોતાની ધરપકડ કરવાનો પડકાર ફેંક્યો હતો.
આ પણ વાંચો : ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની 'દાદાગીરી' સામે યુરોપના 7 દેશ એકજૂટ,સંયુકત નિવેદનથી કર્યો વિરોધ


