Trump vs Musc : વિવાદમાં વળાંક, મસ્કનો યુટર્ન ફરીથી સંબંધો મજબૂત કરે તેવા એંધાણ
- Trump vs Musc વિવાદમાં નવો વળાંક આવ્યો
- મસ્કે પોતે કરેલ કેટલીક ટ્વિટ બદલ અફસોસ જાહેર કર્યો
- હવે દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પના વલણ પર રહેલ છે
Trump vs Musc : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને અમેરિકન ધનાઢ્ય એલોન મસ્ક (Elon Musk) વચ્ચેના ગજગ્રાહ પર સમગ્ર વિશ્વની નજર છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના વિવાદની અસરથી અમેરિકન ફેડરલ ડિપાર્ટમેન્ટ્સ અને ઈકોનોમીને ગંભીર અસરો થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી. આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મસ્કે પોતે કરેલા કેટલાક ટ્વિટ બદલ અફસોસ વ્યક્ત કર્યો છે. મસ્કના આ યુટર્નથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો ફરીથી મજબૂત બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ ?
જ્યારથી મસ્કે અમેરિકન ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના ચિફ પદેથી રાજીનામું આપ્યું ત્યારથી સમગ્ર વિવાદ શરુ થયો છે. આ રાજીનામા બાદ એક પછી એક ઘટનાઓ એવી ઘટી કે જેનાથી એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો વિવાદ વધુ ગાઢ બનતો રહ્યો. જેમાં મસ્કે ટ્રમ્પના સ્પેન્ડિંગ એન્ડ ટેક્સ કટ બિલ (Spending and Tax Cut Bill) ની જાહેરમાં કરેલ ટીકાનો પણ સમાવેશ થાય છે. આ બિલની ટીકા બાદ મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સંબંધો વધુ વણસ્યા હતા કારણ કે, ટ્રમ્પે મોટા ઉપાડે આ બિલને વન બિગ બ્યૂટીફુલ બિલ ગણાવ્યું હતું. ટ્રમ્પે આ બિલ એલન મસ્કને બતાવ્યું હોવાનો દાવો કર્યો હતો. જેને મસ્કે એમ કહીને ઠુકરાવી દીધો કે, આ બિલ મને ક્યારેય બતાવવામાં જ નથી આવ્યું. આ ઉપરાંત આ વિવાદમાં ઘી ઉમેરવાનું કામ ટ્રમ્પના જેફરી એપ્સ્ટેઈન સાથેના સંબંધો પણ છે. મસ્કે ટ્રમ્પના આ સંબંધોનો જાહેરમાં ઉલ્લેખ કર્યો હતો. જો કે ટ્રમ્પે આ મુદ્દાને વાહિયાત ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃ ટિકટોક સ્ટાર Khaby Lame અમેરિકા છોડ્યું, જાણો શું છે કારણ
બળતામાં ઘી હોમાયું
ટ્રમ્પ અને મસ્કનો વિવાદ વકરવાનું એક કારણ NASA ના એડમિનિસ્ટ્રેટરની નિયુક્તિને પણ ગણવામાં આવી રહ્યું છે. NASA ના એડમિનિસ્ટ્રેટરની નિયુક્તિને કારણે પણ બળતામાં ઘી હોમાયું હતું. એલોન મસ્ક તેમના વિશ્વાસુ જેરેડ આઈઝેકમેનને યુએસ સ્પેસ એજન્સી NASA ના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવા માંગતા હતા. જો કે ટ્રમ્પે મસ્કની ભલામણને અવગણી હતી. મસ્ક માનતા હતા કે જો આઈઝેકમેન NASA ના એડમિનિસ્ટ્રેટર બનશે, તો તેમની કંપની સ્પેસએક્સને ફાયદો થશે.
I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.
— Elon Musk (@elonmusk) June 11, 2025
મસ્કનો યુ ટર્ન
ગયા અઠવાડિયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. જો કે હવે એલોન મસ્કે આ વિવાદમાં યુ ટર્ન લીધો છે. મસ્કે X પર પોસ્ટ કરીને લખ્યું કે, ગયા અઠવાડિયે મેં કરેલ કેટલીક પોસ્ટનો અફસોસ છે, કારણ કે તેમાં તે ખૂબ જ વધારે પડતી હતી. એલોન મસ્કે કુણું વલણ દાખવ્યા બાદ હવે સૌ કોઈની નજર ડોનાલ્ડ ટ્રમ્પ પર છે કે ટ્રમ્પ કેવું વલણ દાખવશે. જો કે ટ્રમ્પ NBC ન્યૂઝ સાથેના ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં જણાવી ચૂક્યા છે કે, મને લાગે છે કે અમારા સંબંધો હવે પૂરા થઈ ગયા છે.
આ પણ વાંચોઃ Los Angeles Curfew : અમેરિકાના લોસ એન્જલસમાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ, Apple સ્ટોરમાં સરેઆમ લૂંટફાટ