UNGA : પાકિસ્તાનના જૂઠાણાનો ભારતે પર્દાફાશ કર્યો! તથ્યો સાથે આપ્યો આકરો જવાબ
- UNGA માં પાકિસ્તાનના જૂઠાણાનો ભારતે પર્દાફાશ કર્યો
- ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ, આતંકવાદ જ તેમની નીતિ
- 'ઓપરેશન સિંદૂર' મુદ્દે પાકિસ્તાનના ખોટા દાવા બહાર આવ્યા
- લાદેનને આશ્રય આપનાર પાકિસ્તાન હવે યુએનમાં ઉપદેશ આપે છે
- યુએનમાં ભારતનો પ્રહાર, પાકિસ્તાનની નાટકીય રાજનીતિનો ભંડાફોડ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)નું મંચ વિશ્વના દેશોને ગંભીર વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખોટા અને તથ્યોથી વિપરીત પ્રચાર કરવા માટે કર્યો. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો ભારતે સણસણતો વળતો જવાબ આપીને, ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાની અને સત્યને વિકૃત કરવાની હકીકતોનો પર્દાફાશ કર્યો છે. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પેટલ ગેહલોતે પાકિસ્તાની વડા પ્રધાનના નિવેદનોને 'વાહિયાત નાટક' ગણાવીને તેને ફગાવી દીધા.
આતંકવાદને વિદેશ નીતિનો મુખ્ય ભાગ ગણાવ્યો
પેટલ ગેહલોતે UNGA માં ભારતના મક્કમ વલણને રજૂ કરતાં કહ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા સભામાં જે 'વાહિયાત નાટકો' કરવામાં આવ્યા, તે તેમની વિદેશ નીતિનો મુખ્ય ભાગ બની ગયેલા આતંકવાદને મહિમા આપવા સિવાય બીજું કંઈ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "કોઈ નાટક અને કોઈ જૂઠાણું હકીકતોને છુપાવી શકતું નથી." આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારત પાકિસ્તાનના આતંકવાદ-પ્રેરિત પ્રચારને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સહેજ પણ ચલાવી લેવા માંગતું નથી.
UNGA માં ઓપરેશન સિંદૂર પર જૂઠાણાંનો પર્દાફાશ
શાહબાઝ શરીફે પોતાના ભાષણમાં ભારત સાથેના તાજેતરના સંઘર્ષ 'ઓપરેશન સિંદૂર'નો ખોટો અને મનઘડંત અહેવાલ રજૂ કર્યો. તેમણે દાવો કર્યો કે મે મહિનામાં 4 દિવસના સંઘર્ષ દરમિયાન ભારતના 7 જેટ નાશ પામ્યા હતા. જોકે, ભારતે આ જૂઠાણાંનો પર્દાફાશ કર્યો. ભારતીય વાયુસેનાના વડા અમરપ્રીત સિંહે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય જેટ્સે 5 પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટું વિમાન તોડી પાડ્યું હતું.
પેટલ ગેહલોતે આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાને સંઘર્ષનો જે 'અનોખો અહેવાલ' રજૂ કર્યો, તેના પર રેકોર્ડ એકદમ સ્પષ્ટ છે. 9 મે સુધી પાકિસ્તાન ભારત પર વધુ હુમલાઓની ધમકી આપી રહ્યું હતું, પરંતુ 10 મેના રોજ, તેમની સેનાએ સીધી અમને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી હતી. આ હકીકત જ પાકિસ્તાનના દાવાની પોલ ખોલી નાખે છે.
એક તસવીર હજાર શબ્દો બોલે છે
આતંકવાદને પોષવાના પાકિસ્તાનના ઇરાદાઓ પર સવાલ ઉઠાવતા, પેટલ ગેહલોતે સભાને કેટલાક તથ્યો યાદ કરાવ્યા. તેમણે કહ્યું કે, "એક તસવીર હજાર શબ્દો બોલે છે." ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી સંકુલોમાં માર્યા ગયેલા આતંકવાદીઓના અસંખ્ય ફોટોગ્રાફ્સ છે. સૌથી ગંભીર બાબત એ છે કે વરિષ્ઠ પાકિસ્તાની લશ્કરી અને નાગરિક અધિકારીઓએ જાહેરમાં આવા કુખ્યાત આતંકવાદીઓનો મહિમા કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી.
ઓસામા બિન લાદેનનું ઉદાહરણ
સંયુક્ત રાષ્ટ્ર (UNGA) માં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, જે દેશ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપવાની અને તેને 'નિકાસ' કરવાની પરંપરામાં ડૂબેલો હોય, તેને આંતરરાષ્ટ્રીય મંચ પર હાસ્યાસ્પદ વાર્તાઓ ફેલાવવામાં કોઈ શરમ નથી. ભારતના પ્રતિનિધિ પેટલ ગેહલોતે સ્પષ્ટ યાદ અપાવ્યું કે, પાકિસ્તાને એક દાયકા સુધી વિશ્વના સૌથી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને છુપાવીને આશ્રય આપ્યો હતો, જ્યારે તે પોતે જ આતંકવાદ સામેના વૈશ્વિક યુદ્ધમાં ભાગીદાર હોવાનો ડોળ કરી રહ્યો હતો. વધુમાં, પાકિસ્તાનના મંત્રીઓએ તાજેતરમાં જ દાયકાઓ સુધી આતંકવાદી શિબિરો ચલાવવાની કબૂલાત કરી હોવાથી, આ વખતે વડા પ્રધાનના સ્તરે જૂઠાણું બોલાય તેમાં કોઈ આશ્ચર્ય નથી.
આ પણ વાંચો : પાકિસ્તાન PM શહબાઝ શરીફ UNમાં ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણાં ફેલાવતા પકડાયા, સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કર્યો ખોટો પ્રચાર